રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે કમર કસી લીધી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયપુર પહોંચ્યા અને પાર્ટીની પરિવર્તન સંકલ્પ મહાસભામાં ભાગ લીધો. આ દરમિયાન કાર્યકરો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વરિષ્ઠ નેતા રાજેન્દ્ર રાઠોડ અને વસુંધરા રાજે સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા.
કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે રાજસ્થાનની જનતાએ કોંગ્રેસના કુશાસનમાંથી મુક્તિ મેળવવાનું નક્કી કરી લીધું છે. કોંગ્રેસે જે રીતે પાંચ વર્ષ સરકાર ચલાવી છે, તે ઝીરો નંબર મેળવવાને લાયક છે. પીએમ મોદીએ કહ્યું કે ગેહલોત સરકારે યુવાનોના પાંચ વર્ષ બરબાદ કરી દીધા છે. રાજસ્થાનમાં ફેરફાર થશે. રાજસ્થાનના હવામાનમાં પલટો આવ્યો હોવાના સ્પષ્ટ સંકેત છે. પીએમ મોદીએ કહ્યું કે, ગરીબોને આત્મસન્માન હોય છે.
ગરીબો જાણે છે કે કેવી રીતે મહેનત કરવી. હું જે ઘરમાંથી આવ્યો છું, મારી પાસે માત્ર સખત મહેનત છે. હું સેવામાં વ્યસ્ત છું. હું જે કહું તે કરું છું. મહિલા આરક્ષણનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે માતાઓ અને બહેનોની આશા માટે તમારા વોટની શક્તિથી તેમને ૩૩ ટકા અનામત મળી છે. પીએમ મોદીએ દાવો કર્યો કે, કોંગ્રેસનો ક્યારેય મહિલા સશક્તિકરણનો ઈરાદો નહોતો. કોંગ્રેસ આ કામ ત્રીસ વર્ષ પહેલા કરી શકી હોત. સત્ય એ છે કે કોંગ્રેસ ક્યારેય ઈચ્છતી નથી કે મહિલાઓને ૩૩ ટકા અનામત મળે. તમે તમારા હૃદયથી નહીં પરંતુ તમામ મહિલાઓના દબાણને કારણે બિલના સમર્થનમાં આવ્યા છો.