નવસારી જિલ્લામાં ફરીથી લમ્પી વાયરસના કેસો નોંધાયા છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ૨૫ જેટલી ગાયોમાં લમ્પી વાયરસની અસર જાેવા મળી છે. ફરી આ રોગે માથું ઊચકતા પશુપાલન સાથે સંકળાયેલા લોકોમાં ચિંતા વધી છે. જિલ્લામાં લમ્પી વાયરસનો ચેપ વધતા દુધાળા પશુઓને લઈને ચિંતામાં વધારો થયો છે. લમ્પી વાઇરસની અસર દેખાતા એવા પશુઓને હાલ તબેલાથી દૂર રખાયા છે. પશુ પાલન વિભાગે પણ આ બાબતે તમામ સાવચેતીના પગલાં અંગે કામગીર શરૂ કરવામાં આવી છે.
લમ્પી વાઈરસ જે આ બીમારી પશુઓની ચામડી પર વાયરસને કારણે થાય છે અને આ વાયરસ એક ખાસ પ્રકારની માખી, મચ્છર કે જીવાણુ વડે એક પશુથી બીજા પશુમાં પ્રસરે છે. ખાસ કરીને આ વાયરસથી બીમાર પશુને તાવ આવે છે અને મૃત્યુ પણ થઇ શકે છે. લમ્પી વાયરસના રોગી પશુને અન્ય પશુઓથી અલગ રાખવું પડે છે, જેથી રોગ બીજા પશુઓમાં ન ફેલાય.