તમિલનાડુના મંત્રી અને ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિને નવા સંસદ ભવનના ઉદઘાટન કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આમંત્રણ ન કરવા અંગે સવાલો ઊઠાવ્યા હતા. સ્ટાલિને કહ્યું કે રાષ્ટ્રપતિ મુર્મુને એટલા માટે ન બોલાવાયા કેમ કે તે વિધવા છે અને આદિવાસી સમુદાયથી સંબંધ ધરાવે છે. ઉદયનિધિ સ્ટાલિને ફરી એકવાર કટાક્ષમાં પૂછ્યું કે શું આને જ આપણે સનાતન ધર્મ કહીએ છીએ? સ્ટાલિને મદુરૈમાં એક કાર્યક્રમમાં કહ્યું કે અમે તેની વિરુદ્ધ અવાજ ઊઠાવતાં રહીશું. ઉદયનિધિએ એ વાત પર ભાર મૂક્યો કે આશરે ૮૦૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા નવા સંસદ ભવનનો પ્રોજેક્ટ યાદગાર છે. તેમ છતાં ભારતના પ્રથમ નાગરિક હોવા છતાં રાષ્ટ્રપતિ મુર્મુને આમંત્રિત ન કરાયા કેમ કે તેમની આદિવાસી પૃષ્ઠભૂમિ અને એક વિધવા હોવાને લીધે તેમને આ કાર્યક્રમથી દૂર રાખવાનો ર્નિણય લેવાયો.
ઉદયિનિધિએ કહ્યું કે નવા સંસદ ભવનનું ઉદઘાટન કરાયું. તમિલનાડુથી અધિનમોને બોલાવાયા પણ ભારતના રાષ્ટ્રપતિને આમંત્રણ નહીં કેમ કે તે એક વિધવા છે અને આદિવાસી સમુદાયથી છે, શું આ જ સનાતન ધર્મ છે? મુર્મુને ન તો પહેલા નવા સંસદ ભવનના ઉદઘાટનમાં આમંત્રિત કરાયા અને ન તો વર્તમાન વિશેષ સત્રમાં આમંત્રિત કરાયા. આ ઉપરાંત ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે જ્યારે મહિલા અનામત બિલ સંસદમાં રજૂ થયું ત્યારે બોલીવૂડની અભિનેત્રીઓને બોલાવાઈ પણ રાષ્ટ્રપતિને તેમની વ્યક્તિગત પરિસ્થિતિઓને લીધે તેનાથી દૂર રખાયા. આ ઘટનાઓ આવા ર્નિણયો પર સનાતન ધર્મના પ્રભાવનો સંકેત આપે છે.