ભારતથી પોતાના પ્રેમીને મળવા માટે પાકિસ્તાન ગયેલી અંજુ હવે એક વર્ષ સુધી ત્યાં જ રહેશે. તેના પાકિસ્તાનના પતિ નસરુલ્લાહે ખુદ આ વાતની પુષ્ટિ કરી હતી. અંજુના વિઝા પાકિસ્તાની સરકારે એક વર્ષ માટે વધારી દીધા છે. આ સમાચાર સામે આવતા જ વિદેશ નીતિના જાણકારોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. એ સવાલ છે કે, અંજુ એક મહિનાના વિઝા પર પાકિસ્તાન ગઈ હતી, હવે તે અહીં એક વર્ષ સુધી રહેશે. આવી સ્થિતિમાં હવે તેનું ભારતમાં પરત ફરવાનું મુશ્કેલ બની ગયું છે. અંજુ પર મહેરબાન પાકિસ્તાનની સરકાર આખરે આવું કરીને શું સાબિત કરવા માગે છે, જાણકરોને કંઈ સમજ પડી રહી નથી. ૨૦ ઓગસ્ટના રોજ અંજુના પાકિસ્તાનના વિઝા ખતમ થવા જઈ રહ્યા હતા. થોડા દિવસો પહેલાં અંજુના વિઝા બે મહિના માટે વધારી દેવામાં આવ્યા હતા. પરંતુ ત્રણ જ દિવસમાં તેના વિઝા એક વર્ષ માટે વધારી દીધા હોવાના રિપોર્ટ સામે આવ્યા છે.
જે પાકિસ્તાન સરળતાથી ભારતીયોને વિઝા સુધી નથી આપતું તે આટલી સરળતાથી અંજુના વિઝા એક વર્ષ માટે વધારી દે એ વાત ગળે ઉતરી રહી નથી. નસરુલ્લાહનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તે એક શખસને કહી રહ્યો છે કે, તે ગૃહ મંત્રાલય આવ્યો હતો, વિઝા વધારવા માટે. તેના વિઝા હવે વધારી દેવામાં આવ્યા છે. નસરુલ્લાહ વીડિયોમાં અંજુને પોતાની પત્ની પણ સ્વીકારી રહ્યો છે. આવી સ્થિતિમાં અંજુ ભારત આવશે, એ વાત પર શંકા વધી છે. અંજુના નિકાહ થોડા સમય પહેલાં નસરુલ્લાહ સાથે થયા છે. તેને ગણી ગિફ્ટ અને લાખો રુપિયાના ચેક પણ મળ્યા છે. અંજુની આવતી આગતા સ્વાગતા વિદેશ નીતિના જાણકારોને હેરાન કરી રહી છે. તેમનું માનીએ તો આઈએસઆઈનો આ ખેલ હોઈ શકે છે, જે અંજુના બહાને રમાઈ રહ્યો છે. કૂટનીતિના જાણકારોનું માનીએ તો આવું કરીને પાકિસ્તાન પ્રોપેગેન્ડા વોરમાં પોતાને આગળ બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તો પોતાની છબી સુધારવાનો પણ એક પ્રયાસ હોઈ શકે છે, જેને આઈએસઆઈ આગળ વધારી રહી છે.
છેલ્લાં કેટલાંક દિવસોથી અંજુ પણ મીડિયા સામે આવી રહી નથી. માત્ર નસરુલ્લાહ જ જવાબો આપતો નજરે પડી રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે, અંજુને આ બધાથી દૂર રાખવામાં આવી રહી છે. રક્ષા વિશેષજ્ઞોનું કહેવું છે કે, આઈએસઆઈના ઈશારા પર અંજુ ચાલી રહી છે. અંજુના ભારતીય પતિ અરવિંદે પણ કંઈક આવી જ વાત કરી છે. જે બાદ પાકિસ્તાનની મંસા પર શંકા થઈ રહી છે. અરવિંદનું માનીએ તો અંજુથી લગભગ ચાર દિવસ પહેલાં મેસેજથી વાત થઈ હતી. તે ઓનલાઈન આવતી હતી, તેને મેસેજ કરતી હતી અને પછી ડિલીટ કરી દેતી હતી. અંજુની આસપાસમાં કેટલાંક લોકો છે કે જે તેના પર નજર રાખી રહ્યા છે. તે પોતાનો મોબાઈલ ફોન પણ યુઝ કરી શકતી નથી.