મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવી રહી છે. મહિલાઓની સુરક્ષા માટે પોલીસ દ્વારા અનેક પ્રયત્નો શરૂ કરવામાં આવ્યાં છે. પોલીસ સ્ટેશન દીઠ શી ટીમની પણ રચના કરવામાં આવી છે. છતાં પણ મહિલાઓ સાથે થઇ રહેલા અત્યાચારના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના ઠક્કરનગરમાં છેડતીનો બનાવ સામે આવ્યો છે. કપડા સુકવતી યુવતી સાથે અચાનક જ આ ઘટના બની હતી. પાડોશીએ આવીને યુવતીનો હાથ પકડી લીધો હતો અને કહેવા લાગ્યો હતો કે, ચાલ મારી સાથે. યુવતીએ તેનો હાથ છોડાવતા જ નરાધમ કપડા ઉતારવા લાગ્યો હતો.
સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. શહેરના ઠક્કરનગર વિસ્તારમાં રહેતી યુવતીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. યુવતી આજે સવારના નવેક વાગ્યાની આસપાસ કપડા ધોઇને ધરની બાજુમાં કપડા સુકવવાના તાર પર કપડા સુકવતી હતી. તે વખતે તેમની પાડોશમાં રહેતો યુવક તેના ઘરના દરવાજાની બહાર સીડી પર આવીને બેસી ગયો હતો અને જ્યારે યુવતી કપડા સુકવતી હતી ત્યારે એકદમ ઉભો થઇને આવીને તેનો હાથ પકડી લીધો હતો અને કહેવા લાગ્યો હતો કે, ચાલ મારી સાથે. જાેકે, યુવતીએ તેનો હાથ છોડાવતા તે તેના કપડા ઉતારવા લાગ્યો હતો. જેથી યુવતીએ ગભરાઇને બુમાબુમ કરતા તેની માતા અને ભાઇ ત્યાં આવી પહોંચ્યા હતા. તેમને જાેઇને આરોપી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. હાલમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.