તાજેતરમાં ખેડૂતોને ગત વર્ષ ૨૦૧૯ના પાક વીમા મળી રહ્યા છે. જેમાં વીમા કંપનીએ રાજ્ય સરકારની સબસીડી ચૂકવણી પછી વધારાનો દાવો ચૂકવવામાં આવશે તેવી વિગતો જણાવતા ખેડૂતો અસમંજસમાં મૂકાયા છે. આ બાબતે ગુજરાત કિસાન કોંગ્રેસનાં ચેરમેન પાલભાઈ આંબલિયાએ રાજયના કૃષિ મંત્રીને પત્ર પાઠવી તાકીદે સ્પષ્ટતા કરવા જણાવ્યું છે.
ગુજરાત કિસાન કોગ્રેસના ચેરમેન પાલ આંબલીયા દ્વારા પત્રકાર પરીષદમાં માહિતી આપતા જણાવ્યુ હતુ કે, છેલ્લા એક સપ્તાહથી ગુજરાતનાં અલગ-અલગ જિલ્લા/તાલુકાઓને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો ૨૦૧૯ વીમાનો દાવો ૯૨૯૧.૫૦ તમારા ખાતામાં જમા મોકલવામાં આવ્યા છે. રાજય સરકાર દ્વારા બાકી સબસીડી ચુકવાની પછી રૂપિયા .૯૨૯૧.૫૦નો વધારાનો દાવો ચૂકવવામાં આવશે તેવા મેસેજ ખેડૂતોને આવી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે આ પાક વીમો આંશિક છે કે પૂર્ણ? કર્યા તાલુકામાં કેટલો વીમો મંજૂર થયો? ગામના બધા જ ખેડૂતોને બદલે અમુક ખેડૂતોને વીમો કેમ? વીમો ક્રોપ કટીંગ કમોસમી વરસાદ કે પછી અતિવૃષ્ટિનો છે? તેની પણ સ્પષ્ટતા નથી.’
આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતુ કે, ‘આ મેસેજથી એક-એક ખેડૂતને સમજાય છે કે રાજ્ય સરકાર ખેડૂતોને રૂપિયા આપતી નથી એટલે ખેડૂતોનો મંજૂર થયેલો પાકવીમો પુરો મળતો નથી જે તે વખતે ૭ લાખ ખેડૂતોએ વીમા મેળવવા હાઈકોર્ટના દ્વારા ખટખટાવ્યા હતા. જેમાં સરકાર અને પાકવીમા કંપનીઓને ફટકાર લગાવી હતી. જેના પગલે ખેડૂતોના ખાતામાં પાકવીમા કંપનીઓ રૂપિયા આપે છે. પણ સરકારે જે હિસ્સો આપવાનો હતો તે હજુ ખેડૂતોને મળતો નથી. અમુક ખેડૂતોને કોરા મેસેજ મળતા રોષ ફેલાયો છે.’
વધુમાં રાજય સરકાર ખેડૂતોને નાનુ એવું તણખતું આપે તો પણ તેની પહાડ જેવી મોટી મોટી જાહેરાતો કરે છે અને ઘણાં ખેડૂતોને તો પાક વીમાના નામે મજાક કરાતી હોય તેમ માત્ર ૨૦૦ રૂપિયા જમા થયા છે. ત્યારે હાલ ખેડૂતોને મૂંઝવતા પ્રશ્ને તાત્કાલિક સ્પષ્ટતા કરવી જાેઈએ. આ સાથે રાજ્ય સરકાર ખેડૂતોને જે રૂપિયા આપવાના છે તે સબસીડી આપતી ન હોવાનો મેસેજ કરી સરકારને બદનામ કરતી પાક વીમા કંપનીઓ સાચી હોય તો સરકારે આજ સુધી ખેડૂતોના રૂપિયા આપ્યા નથી તે તાત્કાલિક જ ચૂકવી દેવા જાેઈએ તેવી માંગ કિસાન કોંગ્રેસ દ્વારા કકરવામાં આવી છે.