રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળો આવી રહ્યો છે. દિવસેને દિવસે અનેક સ્થળોએ અકસ્માતની ઘટનાઓ બની રહી છે. ત્યારે અકસ્માતની વણઝાર વચ્ચે સાબરકાંઠામાં આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં ખેડબ્રહ્માથી ખેરોજ રોડ વચ્ચે ટેમ્પો પલટી મારી જતા ૨૫ થી ૩૦ લોકોને ગંભીર ઇજા થવા પામી હતી. મીની ટેમ્પોમાં લગભગ ૩૦ જેટલા લોકો સવાર હતા.
આ દરમિયાન કોઈ કારણોસર ટેમ્પોના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટેમ્પો પલટી ગઈ હતી.વડાલી ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે લોકો જઈ રહ્યા હતા. આ વેળાએ ખેડબ્રહ્માથી ખેરોજ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એકીસાથે ૨૫ થી ૩૦ લોકોને ઈજા પહોંચતા દેકારો બોલી ગયો હતો અને તાત્કાલિક ૧૦૮ નો સંપર્ક કરવામાં આવ્યો હતો. ૧૦૮ દ્વારા ઇજાગ્રસ્તોને મેટોડાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બીજી બાજુ અકસ્માતની આ ઘટનાને લઇ રોડ ઉપર સ્થાનિક લોકો અને રાહદારીઓના ટોળેટોળા જાેવા મળ્યા હતા. તો થોડીવાર માટે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા.
