યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો ભરાતો હોય છે. જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી લાખોની સંખ્યામાં માઈભક્તો પગપાળા કરીને અંબાજી પહોંચતા હોય છે. ત્યારે અંબાજીના ભાદરવી પૂનમના મેળાને લઇ મોટી જાહેરાત કરવામાં આવી છે. ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં આવતા દર્શનાર્થીઓને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભાદરવા સુદ આઠમ તા.૨૩-૦૯-૨૦૨૩થી લઈને ભાદરવા સુદ પૂનમ તા.૨૯-૦૯-૨૦૨૩ સુધી અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. જે મુજબ અંબાજી મંદિરમાં સવારના ૬ વાગ્યે આરતી થશે અને સવારના ૬.૩૦થી લઈને ૧૧.૩૦ વાગ્યા સુધી દર્શન થશે. જે બાદ બપોરે ૧૨ વાગ્યે માતાજીને રાજભોગ ધરાવવામાં આવશે.બપોરના ૧૨.૩૦ વાગ્યાથી લઈને સાંજના ૫.૦૦ વાગ્યા સુધી દર્શન ચાલું રહેશે. સાંજની આરતી ૭ વાગ્યે થશે અને ૭.૩૦ વાગ્યાથી લઈને રાતના ૧૨ વાગ્યા સુધી દર્શન માટે મંદિરના કપાટ ખુલ્લા રહેશે.
આપને જણાવી દઈએ કે, યાત્રાધામ અંબાજીના મહામેળાને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વાત જાણે એમ છે કે, આ મહિનામાં એટલે કે ૨૩થી ૨૯ સપ્ટેમ્બર સુધી પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજાનાર છે. ત્યારે તંત્ર દ્વારા તાજેતરમાં જ ગબ્બર પર્વત પર પગથિયા રિપેરિંગનું કામ કરાવવામાં આવ્યું છે. ગબ્બર ચઢવાનો એક-એક રસ્તો ક્રમશ ૪-૪ એટલે કે ૮ દિવસ સુધી બંધ રાખવામાં આવ્યો હતો. ૧થી ૪ સપ્ટેમ્બર સુધી ગબ્બર ચઢવાનો રસ્તો બંધ રાખયો હતો. જેથી બીજાે રસ્તોથી ચઢવા અને ઉતરવા માટે ચાલું હતો. જે બાદમાં ૫થી ૯ સપ્ટેમ્બર દરમિયાન બીજાે રસ્તો બંધ રાખવામાં આવ્યો હતો.