Amarnath Yatra 2025: શ્રદ્ધા, દેશભક્તિ અને જનજાગૃતિનું અનોખું સમન્વય કઠુઆ રિવરફ્રન્ટ પર જોવા મળ્યું
Amarnath Yatra 2025: જમ્મુ કાશ્મીરના કઠુઆ શહેરમાં શ્રી અમરનાથ યાત્રા 2025ની ઉજવણીના ભાગરૂપે ભવ્ય લેસર શોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. જિલ્લા માહિતી કેન્દ્ર કઠુઆ દ્વારા આ શો કઠુઆ રિવરફ્રન્ટ પર રજૂ કરવામાં આવ્યો હતો, જે લોકશ્રદ્ધા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતિબિંબ બની રહ્યું.
આ બહુ-થીમ આધારિત લેસર શોમાં શિવ તાંડવ, ગંગા આરતી, દેશભક્તિ પર આધારિત પ્રસ્તુતિઓ અને લાઈટ એફેક્ટ્સનો સુંદર સમન્વય હતો. પ્રેક્ષકો એ આ શો દરમિયાન અનેક વખત તાળીવી વગાડી અને શોનો આનંદ માણ્યો. નદીના કિનારે બેઠેલા લોકો માટે પણ આ દૃશ્ય શ્રદ્ધા અને ભાવનાથી ભરેલું રહ્યું.
કાર્યક્રમમાં ઉપસ્થિત ડેપ્યુટી કમિશનર ડૉ. રાકેશ મિન્હાસે જણાવ્યું કે “આ કાર્યક્રમ કઠુઆને સાંસ્કૃતિક રીતે સજીવ રાખવા માટેનો એક પ્રયાસ છે અને ભવિષ્યમાં આવા વધુ કાર્યક્રમોનું આયોજન કરીને વહીવટીતંત્ર અને જનતાને નજીક લાવવામાં આવશે.” તેમણે કઠુઆને એક મોડેલ જિલ્લો બનાવવાની પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
ડીસીએ કહ્યું કે “કઠુઆ માટે આંતરરાષ્ટ્રીય સ્તરના ઇન્ડોર સ્ટેડિયમનું નિર્માણ પણ શરૂ થવાનું છે, જે સ્થાનિક યુવાઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.” કાર્યક્રમમાં કઠુઆ વિધાનસભાના ધારાસભ્ય ડૉ. ભારત ભૂષણે માહિતી વિભાગ અને વહીવટીતંત્રના પ્રયત્નોને બિરદાવ્યા.
તેમણે ઉમેર્યું કે “કઠુઆ વોટરફ્રન્ટ હવે શહેરની નવી ઓળખ બની રહ્યું છે અને આવા કાર્યક્રમો સામાજિક જોડાણ અને શ્રદ્ધા બંનેને મજબૂત બનાવે છે.” આ પ્રસંગે અન્ય અધિકારીઓ સહિત અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.