ગાંધીનગર આટરીઓ કચેરીમાં બનેલ બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ કૌભાંડ મામલે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં આરટીઓ કચેરીમાં બનેલા તમામ બોગસ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. ત્યારે ૨ હજારથી વધુ ડ્રાઈવિંગ લાયસન્સ બોગસ બન્યા હોવાનું તારણ હાલ બહાર આવી રહ્યું છે. તેમજ બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ કૌભાંડ મામલે સાયબર ક્રાઈમ બ્રાંચની તપાસ યથાવત છે. ત્યારે અગાઉ આર્મી જવાનોનાં નામે બોગસ લાયસન્સ ઈશ્યૂ થયા હતા. જે બાદ ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા વગરનાં લાયસન્સ ઈશ્યૂ થયા હતા. આ બાબતે ગાંધીનગરના ઈન્ચાર્જ આસીસ્ટન્ટ આરટીઓ અધિકારી અનીશખાન પઠાણે જણાવ્યું હતું કે, કેસ ૨૦૨૨ માં એક FIR નોંધાયેલી હતી. જેમાં તપાસ અધિકારી દ્વારા એવું જણાવ્યું હતું કે સોફ્ટવેરમાં ચેડા થયાનું સાયબર ક્રાઈમનાં અધિકારી દ્વારા જણાવ્યું હતું. તેમજ આ બાબતે અમે વડી કચેરીએ પણ આ બાબતની જાણ કરી છે. આઈડી પાસવર્ડને લઈને તેમાં ચેડા થયા હતા. તો જૂના આઈડી પાસવર્ડની જગ્યાએ નવા આઈડી પાસવર્ડ આપવા માટે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.
જમ્મુ-કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષાદળોના જવાન બનાવીને બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ ગાંધીનગર આરટીઓમાં બનાવવાના સૌથી મોટા કૌભાંડમાં સેન્ટ્રલની સુરક્ષા એજન્સીઓએ પણ તપાસમાં ઝંપલાવ્યું છે. મિલિટરી ઇન્ટેલિજન્સ (MI) એ ઇન્વેસ્ટિગેશન શરૂ કરી દીધું છે. IB, સેન્ટ્રલ IB, તેમજ મિલિટરી ઇન્ટેલિજન્સે આરટીઓના બંને એજન્ટોની પૂછપરછ કરી હતી. જ્યારે હવે રો, એનઆઇએ સહિતની એજન્સીઓ પણ તપાસ કરશે. આ સિવાય જમ્મુ-કાશ્મીર પોલીસ પણ તપાસમાં જાેડાઇ હતી. ગાંધીનગર આરટીઓના બે એજન્ટોએ જમ્મુ-કાશ્મીરના શકમંદો સાથે મળીને એક હજારથી વધુ બોગસ લાયસન્સ બનાવી દીધાં હતાં. જેના મામલે કેન્દ્રીય એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઇ છે.
ગાંધીનગર આરટીઓના બે એજન્ટ દ્વારા કાશ્મીરી યુવકો સાથે મળીને ગાંધીનગરમાં આવેલા વિવિધ કેન્ટોન્મેન્ટના એડ્રેસ પર બોગસ ડોક્યુમેન્ટના આધારે છેલ્લાં ત્રણ વર્ષમાં એક હજારથી વધુ ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાંચની ટીમે સંતોષસિંહ ચૌહાણ અને ધવલ રાવત નામના બે એજન્ટની ધરપક કરી હતી. ક્રાઇમ બ્રાંચે બંન્ને એજન્ટો પાસેથી ૨૮૮થી વધુ લાયસન્સ રિકવર કર્યા હતા, જ્યારે ઓટોમેટિક રબર સ્ટેમ્પ બનાવવાનું મશીન તેમજ અલગ અલગ વસ્તુઓ પણ મળી આવી હતી.
પાટનગર ગાંધીનગર આરટીઓમાંથી જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા અને પુલવામાના ઉરી સેક્ટરમાં રહેતા લોકોના લાયસન્સ નીકળી રહ્યા હતા. આ લાયસન્સ જમ્મુ-કાશ્મીરના એડ્રેસ પર નહીં, પરંતુ ગાંધીનગર અને અન્ય કેન્ટોન્મેન્ટ વિસ્તારના એડ્રેસ પર નીકળી રહ્યા હતા. એડ્રેસ કૅન્ટોન્મેન્ટ વિસ્તારનું હોવાના કારણે લાયસન્સ બનાવવા માટે ગાંધીનગર અને ચાંદખેડામાં રહેતા સંતોષસિંહ ચૌહાણ અને ધવલ રાવત નામના એજન્ટનો સંપર્ક જમ્મુ-કાશ્મીરના લોકોએ કર્યો હતો અને આખા રેકેટની શરૂઆત ત્યાંથી થઇ હતી. બે-ત્રણ વર્ષથી ચાલતા આ રેકેટમાં મહત્ત્વની કડી મિલિટરી ઇન્ટેલિજન્સ પુણે યુનિટને મળી હતી, જે ઇનપુટ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આપ્યા હતા. ત્યાર બાદ ક્રાઇમ બ્રાન્ચે ગાંધીનગરની અંદર ડિફેન્સના લોકોનાં લાયસન્સ કઢાવનાર લોકોની કડી મળી અને આખા દેશમાં ખૂબ જ સંવેદનશીલ કહી શકાય તેવું નેટવર્ક તેમણે ઝડપી પાડ્યું હતું.