ઉત્તરપ્રદેશના આગરા પોલીસે ૧૫ લાખ લોકો સાથે છેતરપિંડીની ઘટનાને બનતી અટકાવી છે. પોલીસના જણાવ્યા અનુસાર દેશ-વિદેશમાં બેઠેલા ઠગ ૧૫ લાખ લોકો સાથે ૩૮ હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાની તૈયારીમાં હતા. સઘન તપાસ બાદ પોલીસે ૬ હજાર બેંક એકાઉન્ટ અને ૨૭ વેબ સાઈટને બંધ કરાવી દીધી છે.થોડા મહિના પહેલા શાહગંજ પોલીસ સ્ટેશનમાં એક ખાનગી કંપનીએ એફઆઈઆરનોંધાવી હતી. જયારે સાયબર સેલે આ અંગે તપાસ શરુ કરી તો તે ચોંકી ગયા હતા. પોલીસેના જણાવ્યા અનુસાર ઠગ લાઈવ કન્ટેન્ટ, લાઈવ ગેમિંગ, થર્ડપાર્ટી એપ અને વેબ પોર્ટલના માધ્યમથી ચીન, વિયેતનામ, ફિલીપીન્સના સર્વરોથી લાઈવ રિસ્ટ્રીમીંગ દ્વારા ગેરકાયદેસર સટ્ટાબાજી કરી રહ્યા હતા.
પોલીસે લગભગ ૪ મહિનાની તપાસ બાદ સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. સાયબર ટીમે ૨૭ ગેમિંગ વેબસાઇટ અને અલગ-અલગ બેંકોમાં ભાડા પર ખોલેલા ૬ હજાર ખાતા કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓની મદદથી બંધ કર્યા હતા. પોલીસનું કહેવું છે કે ચીન, રશિયા, વિયેતનામ અને ફિલીપીન્સમાં બેઠલા ઠગો ઓટીટીપ્લેટફોર્મનો ડેટા ચોરી કરી લોકોને નકલી એપ્સ પર સટ્ટાબાજી કરવા માટે કહેતા હતા. તેઓ દરરોજ ૮૦થી ૧૦૦ કરોડની કમાણી કરતા હતા. સાયબર ઠગીના આ મામલામાં દેશના ઘણાં લોકો સામેલ છે. આ લોકો ૩૦ ટકા કમિશનમી લાલચ આપી લોકોથી બેંક ખાતા ખોલાવતા અને તેમના ખાતાથી દરરોજ ૨૦થી ૨૫ લાખનું ટ્રાન્ઝેક્શન કરતા હતા.
પોલીસ કમિશ્નરે જણાવ્યું કે ગેંગમાં સામેલ લોકો તેમના ખાસ સર્વરથી ગેમિંગ અને સટ્ટાબાજીની વેબસાઈટ બનાવતા હતા. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને ટેલીગ્રામના માધ્યમથી લોકો સાથે સંપર્ક કરતા હતા. તેમને સટ્ટાબાજી અને ગેમિંગ દ્વારા ઘરે બેઠા લાખો રૂપિયા કમાવવાની લાલચ આપતા હતા. જયારે વ્યક્તિ તેમની વાતોમાં ફસાઈ જાય ત્યારે તેઓ તેને પોતાની વેબસાઈટ પર સબસ્ક્રાઈબર બનાવી લેતા હતા. તેઓ ઓટીટીપ્લેટફોર્મ પરથી ડેટા ચોરતા હતા અને લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા લોકોને સટ્ટો લગાવવા કહેતા હતા. શરૂઆતમાં સટ્ટો લગાવનાર વ્યક્તિ ખુબ નફો કમાતો હતો પરંતુ વેબ સાઈટ પર સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા વધતાની સાથે જ ઠગો પોતાનું અસલી રૂપ દેખાડવાનું શરુ કરી દેતા હતા.
પહેલા યુઝર્સ પાસેથી સબસ્ક્રિપ્શન ચાર્જ લેતા અને જયારે એપથી ૧૦૦-૨૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લેતા તો વેબ સાઈટ પેજ બંધ કરી દેતા હતા. સાયબર ઠગ પહેલી વેબ સાઈટ બંધ કરવા બાદ નવી વેબ સાઈટ શરુ કરી દેતા હતા. પોલીસે આ પ્રકારની ૨૭ વેબ સાઈટ બંધ કરાવી છે. આ ઉપરાંત પોલીસે આ મામલામાં સામેલ ૬૦૦૦ બેંક ખાતા પણ બંધ કરાવ્યા છે. જેમાં સેવિંગ અને કરંટ એકાઉન્ટ સામેલ છે. આ ખાતાઓના માધ્યમથી લોકો સાથે લગભગ ૬૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ ચુકી છે. આ સમગ્ર કૌભાંડમાં એજન્ટને ટ્રાન્ઝેક્શનના ૩૦ ટકા જ્યારે એકાઉન્ટ ધારકને ત્રણ ટકા કમિશન આપવામાં આવતું હતું. જે ખાતાઓમાંથી પૈસાની લેવડદેવડ થતી હતી તે તમામ ખાનગી બેંકોના છે.
