રાજ્યના તમામ વિસ્તારોનાં મોટાભાગના ખેડૂતો વરસાદની રાહ જાેઇ રહ્યા છે. ખેડૂતોએ પાકની વાવણી તો કરી દીધી પરંતુ પિયત માટે ન તો વરસાદ છે કે ન તો વીજળી બરાબર મળી રહી હોવાની ફરિયાદ થઇ રહી છે. વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. માંગરોળ તાલુકામાં સોયાબીનની ખેતી કરતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદ ન પડતાં પાકમાં જીવાત પડી જતાં ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. ખેડૂતોની સરકાર પાસે સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવા માંગ કરી રહ્યા છે. જગતનો તાત પહેલીથી જ મુશ્કેલીઓનો સામનો કરતો આવ્યો છે. ત્યારે જાણે ખેડૂતોની મુશ્કેલી ઓછી હોય તેમ સુરત જિલ્લાના ખેડૂતો ઉપર એક મોટી આફત આવી પડી છે. સુરત જિલ્લાના ખેડૂતોની હાલત દયનીય બની છે જેનું કારણ છે વરસાદનો વિરામ. વરસાદે વિરામ લેતાં માંગરોળ તાલુકાના ખેડૂતો મહા મુશ્કેલીમાં મુકાયા છે.
ખેડૂતોએ સારા વરસાદની આશાએ સોયાબીનના પાકની વાવણી કરી હતી ત્યારે હાલ ખેડૂતોનો ઊભો પાક તૈયાર છે અને પાકમાં જીવાતો પડી જતાં ખેડૂતોનો તમામ પાક નષ્ટ થયો છે. ખૂબ સારી આશાએ ખેડૂતોએ પાકની વાવણી કરી હતી પરંતુ ચાલુ વર્ષે સારો વરસાદ ન પડતાં ખેડૂતોના ઊભા પાકમાં જીવાતો પડી જતાં ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો છીનવાઈ ગયો છે. માંગરોળ તાલુકામાં મોટા ભાગના લોકો ખેતી પર જ ર્નિભર છે અને ખેતીમાં જે પણ આવક થાય તેના પર તેઓ આખા વર્ષનું આયોજન કરતાં હોય છે. ત્યારે સમયસર પધરામણી કરેલ મેઘરાજાએ ઓગસ્ટ મહિનામાં રિસામણા કરતા હાલ તો ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. સોયાબીનની ખેતી કરતા ખેડૂતોને હાલ તો આખું વર્ષ ફેઇલ ગયું હોય તેવી ચિંતા સતાવી રહી છે. આ કારણે ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. સરકાર ખેતીવાડી વિભાગના અધિકારીઓ પાસે તાત્કાલિક સર્વે કરાવી તાત્કાલિક વળતર ચુકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.