શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા અને કાશી વિશ્વનાથ ધામ બાદ હવે શ્રીકૃષ્ણ જન્મભૂમિ મથુરાનો કેસ પણ સુપ્રીમકોર્ટ પહોંચી ગયો છે. અરજદારોએ ટોચની કોર્ટ સમક્ષ માગ કરી છે કે વારાણસીમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદના ચાલી રહેલા એએસઆઈસરવેની જેમ મથુરાની શાહી ઈદગાહનું પણ વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરાવવાનો આદેશ આપવામાં આવે. આ અરજી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટ દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજદારોનું કહેવું છે કે સર્વેક્ષણથી સચોટતાની પુષ્ટી થશે.
વિવાદિત જમીનના સંબંધમાં અરજદાર અને પક્ષકાર નંબર ૧ દ્વારા કરાયેલા દાવાની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે એએસઆઈદ્વારા સરવે કરાવવામાં આવે. આ સરવે જરૂરી ડેટા આપશે અને સચોટતાની પુષ્ટી કરશે. તે કોઈપણ પરિણામ સુધી પહોંચવા કે ર્નિણય લેવામાં એક વિશ્વસનીય પુરાવો બનશે. અરજદારોનું કહેવું છે કે વિવાદિત જમીનના સંબંધમાં ધાર્મિક ઈતિહાસ અને ધાર્મિક સંદર્ભમાં સાઈટના મહત્ત્વને સમજવા માટે જરૂરી છે કે યોગ્ય વૈજ્ઞાનિક સરવે કરાવવામાં આવે. તેનાથી એ સ્થળની પ્રાચીનતા વિશે સચોટ માહિતી મળી શકશે.