Adani Group
Adani Stocks News: ગૌતમ અદાણી બીજી સિમેન્ટ કંપની હસ્તગત કરવાની તૈયારી કરી રહ્યા છે અને આ વખતે તેમની નજર ઉત્તર-પૂર્વના રાજ્યો તરફ છે.
Adani Group-Star Cement: અદાણી ગ્રૂપ હવે ઉત્તર-પૂર્વ રાજ્યમાં સિમેન્ટ કંપની હસ્તગત કરવાની તૈયારી કરી રહ્યું છે. અદાણી ગ્રુપની સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટ તેના એક્વિઝિશન માટે સ્ટાર સિમેન્ટ સાથે વાતચીત કરી રહી છે. અને સમાચાર બહાર આવતાની સાથે જ સ્ટાર સિમેન્ટનો સ્ટોક 4 ડિસેમ્બર, 2024, બુધવારના ટ્રેડિંગ સેશનમાં રોકેટ બની ગયો. સ્ટાર સિમેન્ટનો શેર લગભગ 14 ટકાના ઉછાળા સાથે રૂ. 222.95 પર પહોંચી ગયો છે, જે છેલ્લા સત્રમાં રૂ. 196.15 પર બંધ થયો હતો.
સ્ટાર સિમેન્ટના અધિગ્રહણ માટે અદાણી ગ્રુપની કંપની સાથે વાતચીત ચાલી રહી છે. મનીકંટ્રોલના રિપોર્ટ અનુસાર, અદાણી ગ્રુપે ટ્રાન્ઝેક્શનની સમીક્ષા કરવા માટે કન્સલ્ટન્સી ફર્મ EYની નિમણૂક કરી છે. અદાણી ગ્રુપના એક અધિકારીએ જણાવ્યું હતું કે, કંપની હંમેશા વિકાસની તકો શોધી રહી છે. સ્ટાર સિમેન્ટ નોર્થ ઈસ્ટ રિજનમાં સિમેન્ટ સેક્ટરની મુખ્ય કંપનીઓમાંની એક છે. કંપની આ ક્ષેત્રમાં સૌથી વધુ બજાર હિસ્સો ધરાવે છે. કંપનીની ઉત્પાદન ક્ષમતા પ્રતિ વર્ષ 7.7 મિલિયન ટન છે, જેને કંપનીએ 2030 સુધીમાં વધારીને 30 મિલિયન ટન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
દેશની સૌથી મોટી સિમેન્ટ કંપની અલ્ટ્રાટેક સિમેન્ટ સહિત તમામ અગ્રણી સિમેન્ટ કંપનીઓ ઉત્તર-પૂર્વના રાજ્યોમાં એકમો સ્થાપી રહી છે. અંબુજા સિમેન્ટ એક્વિઝિશન દ્વારા આ સેક્ટરમાં પોતાનો પગ જમાવવા માંગે છે. અદાણી ગ્રૂપે વર્ષ 2022માં હોલ્સિંગ ગ્રૂપ પાસેથી અંબુજા સિમેન્ટ અને ACC $6.4 બિલિયનમાં ખરીદીને સિમેન્ટ સેક્ટરમાં પ્રવેશ કર્યો હતો. આ પછી ગ્રુપે 5185 કરોડ રૂપિયામાં સંઘી સિમેન્ટ અને 10422 કરોડ રૂપિયામાં પેન્ના સિમેન્ટ ખરીદી છે.
કંપનીએ 2028 સુધીમાં તેની ક્ષમતા વધારીને 140 મિલિયન ટન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ઓક્ટોબર 2024માં અહેવાલ આવ્યો હતો કે અદાણી ગ્રૂપ 10,000 કરોડ રૂપિયામાં જર્મન કંપની હાઈડેલબર્ગ મટિરિયલ્સની ભારત સ્થિત સિમેન્ટ કંપનીઓ ખરીદી શકે છે. આ માટે અદાણી ગ્રુપે જર્મન કંપની સાથે વાતચીત શરૂ કરી છે. જોકે અલ્ટ્રાટેક પછી અદાણી ગ્રુપની સિમેન્ટ કંપની દેશની બીજી સૌથી મોટી સિમેન્ટ કંપનીઓમાંની એક બની ગઈ છે.