દેશભરમાં આંગણવાડી કેન્દ્રોમાં ગત મહિને ૦-૫ વર્ષની વયજૂથના ૪૩ લાખથી વધુ બાળકો મેદસ્વી કે વધુ વજનની સમસ્યાથી પીડિત મળી આવ્યા હતા. આ સંખ્યા સરવેમાં સામેલ કરાયેલા કુલ બાળકોની લગભગ ૬% જેટલી થાય છે. આ જાણકારી તાજેતરના સરકારી આંકડાઓમાં સામે આવી હતી.
સરકાર દ્વારા સંચાલિત ગ્રામીણ બાળ દેખરેખર કેન્દ્રો પાસેથી એકત્રિત કરાયેલા આંકડામાં એવી પણ માહિતી સામે આવી હતી કે મેદસ્વીતા કે વધુ વજનની સમસ્યાથી પીડાતા બાળકોની ટકાવારી આંગણવાડી કેન્દ્રોમાં ગંભીર અને મધ્યમ રીતે કૂપોષિત મળી આવેલા બાળકોની ટકાવારી જેટલી જ એટલે કે ૬ ટકા જેટલી હતી.
બાળકોના વિકાસ સંબંધિત નિરીક્ષણ એપ પોષણ ટ્રેકરથી એકઠાં કરાયેલા આંકડાઓમાં માહિતી મળી કે ૦-૫ વર્ષ વયજૂથમાં કુલ ૭,૨૪,૫૬,૪૫૮ બાળકોને સરવેમાં સામેલ કરાયા હતા જેમાંથી લગભગ ૬ ટકા અથવા ૪૩,૪૭,૩૮૭ બાળકોને મેદસ્વી કે વધારે વજનની સમસ્યાથી પીડિત બાળકો તરીકે વર્ગીકૃત કરાયા હતા.
માહિતી અનુસાર મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, રાજસ્થાન, ઉત્તરાખંડ અને પ.બંગાળ સહિત દેશના ૧૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બાળકોના મેદસ્વી હોવાનો દર રાષ્ટ્રીય સરેરાશ ૬ ટકાથી વધુ છે. તાજેતરના વર્ષોમાં બાળકોમાં મેદસ્વીતાની સમસ્યા ચિંતાજનક રીતે વધી છે.