ગુજરાત રાજ્યામાં અનેક જિલ્લાઓમાં માતા-પિતા નવજાત જન્મેલા બાળકને ત્યાજી દેતા હોય છે. સમાજનો ડર હોય કે પછી અન્ય કોઈકારણ પરંતુ આ માસુમ બાળકોને ત્યારપછી અનાથ આશ્રમનો આશ્રય જ મળે છે. અમદાવાદ શહેરની ૩ બાળકીઓ સાથે પણ આવી જ કરૂણાંતિકા ઘટી હતી. જેમાં એક બાળકીને તેનો પરિવાર કાંટાળા તારની ફેન્સિંગ પાસે ત્યજીને જતો રહ્યો હતો. તો અન્ય ૨ બાળકીઓને પણ આવા જ કારણોસર ત્યજી દેવાઈ હતી. જાેકે કહેવાય છે ને કે દરેકનો ભગવાન હોય છે. તેમ લોક માન્યતા પ્રમાણે ધરતી પરના સૌથી મોટા ભગવાન એટલે માતા અને પિતા. અમેરિકાથી દેવદૂત બનીને આવેલા પરિવારોએ આવી ૩ બાળકીઓને દત્તક લઈ જીવન પલટી નાખ્યું હતું. અમદાવાદમાં જે બાળકીઓને પરિવારે ત્યજી દીધી, જેમની પાસે માતા-પિતાની હૂંફ નહોતી તેવી ૩ બાળકીઓ હવે અમેરિકા સેટલ થઈ જશે. અમેરિકાથી આવેલા પરિવારે શહેરની ૩ બાળકીઓ દત્તક લઈ માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ સ્થાપિત કર્યું છે. જાેકે આ દરમિયાન બાળકીઓને સત્તાવાર પોતાની સાથે લઈ જવા માટે અમેરિકન ફેમિલીએ તમામ પ્રોસેસ કરી દીધી હતી પરંતુ ત્યાં જવા માટે પાસપોર્ટની વ્યવસ્થા કરવી આવશ્યક હતી. અને પાસપોર્ટ બનતા પ્રોસિજર પાસ થતા ઘણો સમય પણ લાગતો હોય છે.
જાેકે આ દરમિયાન ઘટનાક્રમને સમજતા રિજનલ પાસપોર્ટ ઓફિસરે પણ ઝડપથી પ્રોસિજર પૂરી કરાવી આ ૩ નાની બાળકીઓને પાસપોર્ટ ઈશ્યૂ કરી આપ્યા હતા. અહેવાલ પ્રમાણે આ ૩ બાળકીઓ પૈકી એકની કહાણી ખૂબ જ કરૂણ છે. આ એક બાળકી જ્યારે ૧૦ જ દિવસની હતી ત્યારે તેના માતા પિતાએ મહેસાણા પાસે એક કાંટાળા ફેન્સિંગના તાર બાજુમાં ત્યજી દીધી હતી. સવાર, બપોર અને સાંજ આ ૧૦ દિવસની બાળકી એકલી ત્યાં જ રહી. જાેકે ત્યારપછી સ્થાનિકોને આ નવજાત બાળકી મળી ગઈ હતી અને તેમણે અમદાવાદના બાળગૃહમાં શિફ્ટ કરી હતી. જાેકે હવે આ બાળકીને પણ માતા-પિતાનો સાથ મળી ગયો છે અને મહેસાણાના કાંટાળા તારોમાં ત્યજાયેલી આ બાળકી અમેરિકાના શહેરમાં જઈને વસવાટ કરશે. અમેરિકાના પરિવારે તેની સારસંભાળ રાખવાની સંપૂર્ણ જવાબદારી લઈ લીધી છે. હવે બીજી બાજુ જાેવા જઈએ તો અમેરિકામાં ડોકટર તરીકે ફરજ બજાવતા ડો.દિપિકા પટેલે અમદાવાદની આ ૨ બાળકીઓને દત્તક લીધી છે. તેઓ સિંગલ પેરેન્ટ તરીકે આ બંનેને સાચવશે અને અમેરિકા લઈ જઈ નવું જીવન આપશે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આ બે બાળકીઓને પણ અજ્ઞાત દંપતિ દ્વારા અનાથ આશ્રમ પાસે ત્યજી દેવાઈ હતી. ત્યારપછી તેઓ જતા રહ્યા હતા. ત્યારથી આ બંને બાળકીઓ પરિવારની શોધમાં હતી જેમાં દેવદૂત બનીને અમેરિકાની Psycologist ડો.દિપિકા પટેલે આમને નવું જીવન આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ પ્રમાણે ૨ પરિવારોએ હવે દત્તક લેવાની તમામ પ્રોસિજર પૂર્ણ કરી દીધી હતી. સત્તાવાર રીતે તેઓ આ નવજાત બાળકીઓના પેરેન્ટ બની ગયા હતા. પરંતુ પ્રશ્ન હવે પાસપોર્ટનો હતો, કારણ કે આ પ્રોસિજર ઘણી લાંબી હોય છે. તેવામાં સપ્ટેમ્બર મહિનામાં તેમનો પાસપોર્ટ બનીને આવે તેવી માહિતી મળી રહી હતી. જેથી કરીને પરિવારને અમેરિકા પરત પણ જવાનું હોવાથી તેમણે રિજનલ પાસપોર્ટ ઓફિસર Wren Mishra નો સંપર્ક સાધ્યો હતો. જેમાં RPO મિશ્રાએ પણ આ પરિવારની વાત સમજી અને પ્રોસિજરને જેમ બને એમ સરળ અને ઝડપી કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી. રિજનલ પાસપોર્ટ ઓફિસર મિશ્રાએ સ્પેશિયલ કેસમાં બાળકીઓને પાસપોર્ટ આપી દીધો હતો. તેવામાં સોમવારે ગુલબાઈ ટેકરા પાસે આવેલી રિજનલ પાસપોર્ટ ઓફિસ ખાતે તેમણે આ બાળકીઓના પાસપોર્ટ આપી દીધા હતા. આ દરમિયાન પરિવાર પણ ભાવુક થઈ ગયો હતો અને ત્રણેય બાળકીઓ પોતાના જીવનની નવી સફર અમેરિકા જઈને શરૂ કરવા તૈયાર થઈ ગઈ હતી. બંને અમેરિકન પરિવારોએ જણાવ્યું કે અમને તો પહેલા ચિંતા થઈ ગઈ હતી કે કેવી રીતે આ પાસપોર્ટ ઝડપથી નીકળશે. પરંતુ સુપ્રિટન્ડેન્ટ રિતેશ દવે અને રિજનલ પાસપોર્ટ ઓફિસર મિશ્રાએ મળીને અમને ઘણી મદદ કરી. જેથી કરીને હવે સમયસર અમે અમારા બાળકોને લઈને US જઈ શકીશું.