મહારાષ્ટ્રના પુણેમાં ચલાવવામાં આવતી હિન્દુ ધર્મ વિશેનાં તથ્યોને સમર્પિત વેબસાઈટને ભારતમાં બોમ્બ વિસ્ફોટ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપતી પોસ્ટ મળી છે, એવું પોલીસે જણાવ્યું હતું. ૬ઠ્ઠી ઓગસ્ટે વેબસાઈટ પર કથિતરૂપે ટિપ્પણી પોસ્ટ કરનાર વ્યક્તિ એમ.એ. મોખીમ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ અહીં અલંકાર પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ગુનો નોંધવામાં આવ્યો છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. પુણે જિલ્લાના રહેવાસી રાહુલ દૂધાને હિન્દુ ધર્મ વિશેનાં તથ્યોને લગતી વેબસાઈટ ચલાવે છે, એવું પોલીસે જણાવ્યું હતું.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ૬ઠ્ઠી ઓગસ્ટના રોજ દૂધાને તેમના દીકરાની સારવાર માટે અહીંની એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. અધિકારીના જણાવ્યા અનુસાર દૂધાનેને તેની વેબસાઈટ ચકાસતાં એમ.એ. મોખીમ દ્વારા એક ટિપ્પણી મળી હતી જેમાં તે ભારતમાં બોમ્બ વિસ્ફોટની યોજના બનાવીશ અને આતંકવાદી સંગઠનોને ભંડોળ પૂરું પાડીશ.
હું હિન્દુ ધર્મનો નાશ કરીશ અને નરેન્દ્ર મોદીને પણ ખતમ કરી નાખીશ. ત્યાર બાદ દૂધાનેએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને ટિપ્પણી અંગે જાણ કરી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.