ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણીને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, એક અજાણ્યા વ્યક્તિ દ્વારા મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ઇસમે પર ૨૦ કરોડ રૂપિયાની માંગણી કરી છે. ૨૦ કરોડ રૂપિયા ન આપવાના બદલામાં વ્યક્તિએ લખ્યુ છે કે, તે તેમને મારી નાંખશે. આ વ્યક્તિએ ઈમેલમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, તેની પાસે શ્રેષ્ઠ શાર્પ શૂટર્સ છે. આ તરફ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ ૨૭ ઓક્ટોબરે મુકેશ અંબાણીને તેમના ઈમેલ આઈડી પર ઈન્બોક્સમાં એક ઈમેલ મળ્યો હતો. આ ઈમેલમાં અંગ્રેજીમાં લખવામાં આવ્યું હતું કે, જાે મુકેશ અંબાણી એ અજાણ્યા વ્યક્તિને ૨૦ કરોડ રૂપિયા નહીં આપે તો તે તેમને મારી નાખશે. ઈમેલમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, વ્યક્તિ પાસે ભારતના શ્રેષ્ઠ શૂટર્સમાંથી એક છે. મુકેશ અંબાણીના સિક્યુરિટી ઈન્ચાર્જે પોલીસને આ અંગે જાણકારી આપી છે. સમગ્ર મામલે ગામદેવી પોલીસે આઈપીસીની કલમ ૩૮૭ અને ૫૦૬ (૨) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી ચુકી છે.
અગાઉ ૬ ઓક્ટોબર, ૨૦૨૨ ના રોજ ધમકી આપનાર વ્યક્તિની બિહારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની ઓળખ ૩૦ વર્ષીય રાકેશ કુમાર મિશ્રા તરીકે થઈ હતી. ૫ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ આરોપી વ્યક્તિએ રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં ફોન કરીને અંબાણી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, આરોપીઓએ આખી હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ દરમિયાન પોલીસે આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરી હતી. પોલીસે માહિતી આપી હતી કે, આરોપી યુવક બેરોજગાર છે.