મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી ગઠબંધનમાં મતભેદો ઊભા થયા હોય તેવું લાગી રહ્યું છે. એનસીપીમાં વિભાજન બાદ ગઠબંધનમાં બધુ બરાબર નથી. રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવારે કાકા શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુલેને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ થવાની ઓફર કરી હોવાની હાલ મહારાષ્ટ્રના રાજકારણમાં જાેરશોરથી ચર્ચા થઈ રહી છે. સુપ્રિયા સુલેએ કેન્દ્રીય કેબિનેટમાં સામેલ થવાની ઓફર અંગેની ચર્ચાઓ પર પ્રતિક્રિયા આપી છે.
સુપ્રિયા સુલેએ કહ્યું કે મને કે મારા પિતા શરદ પવારને કેબિનેટમાં સામેલ થવા માટે કોઈએ કોઈ ઑફર નથી આપી અને ન તો કોઈ ચર્ચા થઈ. મને નથી ખબર કે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ આવા નિવેદનો કેમ કરી રહ્યા છે. હું કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને ગૌરવ ગોગોઈના સતત સંપર્કમાં છું. જાેકે, હું મહારાષ્ટ્રમાં કોંગ્રેસના કોઈ નેતાના સંપર્કમાં નથી.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે દાવો કર્યો છે કે અજિત પવાર દ્વારા ભાજપે શરદ પવારને કેબિનેટમાં સામેલ થવાની ઓફર કરી છે. આ અટકળોને લઈને શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે પણ નિવેદન આપ્યું છે. સંજય રાઉતે અજિત પવાર પર નિશાન સાધ્યું છે. સંજય રાઉતે કહ્યું કે અજિત પવાર એટલા મોટા નેતા નથી કે તેઓ શરદ પવારને ઓફર કરે.