સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ ભારતીય શેરબજાર માટે નિરાશાજનક રહ્યો. શુક્રવારે પણ માર્કેટ ૮૮૭ પોઇન્ટના કડાકા સાથે બંધ રહ્યું હતું. આજે ઘટાડા બાદ રોકાણકારોની સંપત્તિ ઘટીને ૩૦૧.૯૩ લાખ કરોડ થઈ છે. શુક્રવારે બીએસઈપર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ૩૦૨.૦૯ લાખ કરોડ રૂપિયા અને ગુરુવારના સત્રમાં ૩૦૪.૦૩ લાખ કરોડ રૂપિયા હતું. છેલ્લા બે કારોબારી દિવસમાં સેન્સેક્સમાં ૧૧૦૦થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો છે. ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે ૨૯૯.૪૮ પોઇન્ટના ઘટાડા સાથે ૬૬૩૮૪.૭૮ પોઇન્ટ અને નિફ્ટી ૭૨.૬૫ પોઇન્ટના ઘટાડા સાથે ૧૯૬૭૨.૩૫ પોઇન્ટ પર બંધ રહ્યા. બેંક નિફ્ટી ૧૫૨.૧૫ પોઇન્ટના ઘટાડા સાથે ૪૫૯૨૩.૦૫ પોઇન્ટ પર બંધ રહી. રોકાણકારોની નફાવસૂલીના કારણે આજે બજારમાં ઘટાડો થયો. આજે એફએમસીજી અને મેટલ શેર્સમાં કડાકો બોલ્યો હતો. આજે ૧૭૩૧ શેર વધ્યા, ૧૮૭૩ ઘટ્યા અને ૧૪૭ શેરમાં કોઈ બદલાવ થયો નહોતો.
નિફ્ટીના ટોપ લૂઝર્સમાં આઈટીસી, કોટક મહિન્દ્રા બેંક, ટેક મહિન્દ્રા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને બ્રિયાનિયા ઈન્ડસ્ટ્રીઝ હતા. જ્યારે ઈન્ડસઈન્ડ બેંક, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ, ડો.રેડ્ડી લેબ, બજાજ ફાયનાન્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સૌથી વધુ વધ્યા હતા. સેક્ટોલ ઈન્ડેક્સમાં એફએમસીજીમાં ૨ ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે ઓઈલ એન્ડ ગેસ, બેંક એન્ડ મેટલ ૦.૫ ટકા ઘટ્યા હતા. જ્યારે પાવર, કેપિટલ ગુડ્સ ૦.૫ ટકા વધ્યા હતા. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ ૦.૨ ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ ફ્લેટ રહ્યો હતો. આજના કારોબારમાં બેન્કિંગ, આઈટી, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઘટીને બંધ રહ્યા હતા. સૌથી મોટો નિફ્ટી એફએમસીજીમાં જાેવા મળ્યો હતો. આ ઈન્ડેક્સ ૯૨૫ પોઈન્ટ અથવા ૧.૭૨ ટકાના ઘટાડા સાથે બંધ થયો છે. જ્યારે ઓટો, ફાર્મા, રિયલ એસ્ટેટ, ઈન્ફ્રા અને હેલ્થકેર સેક્ટરના શેરો તેજી સાથે બંધ થયા હતા. સ્મોલ કેપ શેર્સમાં પણ વેગ જાેવા મળ્યો હતો. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૭ વધ્યા અને ૧૩ નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના ૫૦ શેરોમાં ૩૦ શેરો તેજી સાથે અને ૨૦ ઘટાડા સાથે બંધ થયા હતા.
આજના કારોબારમાં બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૫૫.૧૨ પોઈન્ટ ના ઘટાડા સાથે ૬૬,૬૨૯.૧૪ ના સ્તર પર ખુલ્યો હતો. એનએસઈનો ૫૦ શેરો વાળા ઈન્ડેક્સ નિફ્ટી ૩.૪૫ પોઈન્ટના મામૂલી વધારા સાથે ૧૯,૭૪૮.૪૫ પર ખુલ્યો હતો.