Googleનું નવું AI ફીચર લોન્ચ! જૂની ચેટ અને સર્ચ હિસ્ટ્રી મળશે એક જ જગ્યાએ
ટેક્નોલોજીની દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે અને હવે ગૂગલ પણ પોતાના સર્ચ એન્જિનને AI આધારિત બનાવવા પર ખાસ ધ્યાન આપી રહ્યું છે. અત્યાર સુધી ગૂગલ પર કોઈ સવાલ પૂછ્યા પછી જવાબ મેળવવા માટે અલગ-અલગ વેબસાઇટની લિંક્સ ખોલવી પડતી હતી. પરંતુ હવે કંપની સર્ચનો અનુભવ વધુ સરળ અને ઇન્ટરેક્ટિવ બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. આ માટે ગૂગલે ડેસ્કટોપ યુઝર્સ માટે AI Modeમાં નવું સાઇડબાર રજૂ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ પોતાની અગાઉની AI સર્ચ ફરી ખોલી શકશે અને જૂના વિષય પર જ આગળના સવાલો પૂછી શકશે.

Google AI Modeમાં નવું સાઇડબાર લોન્ચ
ગૂગલે પોતાના નવા ફીચરનું વૈશ્વિક સ્તરે રોલઆઉટ શરૂ કર્યું છે. ગૂગલ સર્ચના વાઇસ પ્રેસિડેન્ટ ઓફ પ્રોડક્ટ રોબી સ્ટીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અપડેટ અંગે માહિતી આપી હતી. તેમના જણાવ્યા અનુસાર, નવા સાઇડબારથી યુઝર્સ પોતાની તાજેતરની AI સર્ચ સરળતાથી શોધી શકશે. એટલું જ નહીં, અગાઉ જે વિષય પર વાતચીત કરી હોય ત્યાંથી જ ફરી શરૂઆત કરી શકશે. કંપનીના ટેસ્ટિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ સુવિધાથી યુઝર્સને જૂની સર્ચ આગળ વધારવામાં અને કોઈ વિષયને વધુ સારી રીતે સમજવામાં મદદ મળી છે.
કેવી રીતે કામ કરશે Googleનું નવું ફીચર?
આ નવા ફીચરનો ઉપયોગ કરવો પણ ખૂબ સરળ છે. સૌથી પહેલાં ડેસ્કટોપ પર Google AI Mode ખોલવું પડશે. ત્યારબાદ સર્ચ વિન્ડોની જમણી બાજુ દેખાતી ગ્રે બાર પર ક્લિક કરવાનું રહેશે. આ બાર પર ક્લિક કરતાં જ સ્ક્રીન પર નવું સાઇડબાર ખુલશે. તેમાં યુઝર્સે અગાઉ કરેલી AI સર્ચની યાદી જોવા મળશે. હવે પોતાની જરૂરિયાત પ્રમાણે કોઈપણ જૂની સર્ચ પસંદ કરીને તે જ વિષય પર આગળ સવાલો પૂછી શકાશે. એટલે કે દરેક વખતે નવી ચેટ શરૂ કરવાની કે શરૂઆતથી માહિતી શોધવાની જરૂર નહીં રહે.
જૂની ચેટ, નવી સર્ચ અને Gemini Notebookનો વિકલ્પ
ગૂગલના નવા સાઇડબારમાં માત્ર જૂની સર્ચ ખોલવાની જ નહીં, પરંતુ બીજી કેટલીક ઉપયોગી સુવિધાઓ પણ આપવામાં આવી છે. યુઝર્સ અહીંથી નવી ચેટ શરૂ કરી શકશે અને અગાઉની વાતચીતમાં કોઈ ચોક્કસ વિષય પણ શોધી શકશે. આ ઉપરાંત Gemini Notebookને જોડવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, સંશોધકો અને ઓફિસમાં કામ કરતા લોકો માટે આ ફીચર ઉપયોગી બની શકે છે. કારણ કે કોઈ એક વિષય પર વારંવાર માહિતી મેળવવી હોય ત્યારે જૂની વાતચીત ફરીથી શોધીને ત્યાંથી જ કામ આગળ વધારી શકાશે.
ChatGPT અને Claude જેવી બનશે Google Searchની સુવિધા?
ગૂગલના આ નવા અપડેટ પરથી સ્પષ્ટ થાય છે કે કંપની હવે પોતાના સર્ચ એન્જિનને માત્ર વેબસાઇટની લિંક્સ બતાવતા પ્લેટફોર્મ પૂરતું મર્યાદિત રાખવા માંગતી નથી. તે યુઝર્સને AI ચેટબોટ જેવો અનુભવ આપવા માગે છે. ChatGPT અને Claude જેવા પ્લેટફોર્મ પર યુઝર્સ જૂની ચેટ ફરી ખોલીને વાતચીત આગળ વધારી શકે છે. હવે ગૂગલ પણ પોતાની સર્ચમાં આવી જ સુવિધા આપી રહ્યું છે. આ ફેરફારથી સર્ચ અને AI ચેટિંગ વચ્ચેનું અંતર ઓછું થઈ શકે છે.

હાલમાં માત્ર ડેસ્કટોપ યુઝર્સને મળશે સુવિધા
છેલ્લા કેટલાક સમયથી ગૂગલ પોતાના સર્ચ એન્જિનમાં સતત નવા AI ફીચર્સ ઉમેરી રહ્યું છે. હોમપેજ અને સર્ચ બારમાં AI Modeનું બટન, લાંબા સવાલો પૂછવાની સુવિધા અને AI આધારિત ઓટોકમ્પ્લીટ જેવા વિકલ્પો રજૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત Geminiની મદદથી ઇમેજ બનાવવી, ફાઇલો અપલોડ કરવી અને નવા આઇડિયા તૈયાર કરવા જેવા વિકલ્પો પણ ઉપલબ્ધ છે. જોકે, નવું સાઇડબાર હાલમાં માત્ર ડેસ્કટોપ પર AI Mode વાપરતા યુઝર્સ માટે જ છે. સામાન્ય Google Search કરનારા લોકોને આ ફીચર દેખાશે નહીં.
