શું Old Monk અસલી રમ નથી? FSSAIએ ઉઠાવ્યા સવાલ, સરકારને ₹350 કરોડના નુકસાનનો દાવો
ભારતની સૌથી જાણીતી દારૂની બ્રાન્ડ્સમાંની એક Old Monk હાલમાં મહારાષ્ટ્રમાં વેચાણ માટે ઉપલબ્ધ નથી. આ વર્ષે મે-જૂન મહિનાથી તેનું વેચાણ બંધ છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં લોકપ્રિય ગણાતી આ ડ્રિંક અચાનક બજારમાંથી ગાયબ થતાં ગ્રાહકોમાં ચર્ચા શરૂ થઈ છે. જોકે, આ મામલો માત્ર વેચાણ બંધ થવા પૂરતો મર્યાદિત નથી. દેશના ફૂડ રેગ્યુલેટર FSSAIએ તેના લેબલ અને ઉત્પાદનની કેટેગરી સામે વાંધો ઉઠાવ્યો છે. હવે કંપનીએ નવા લેબલ સાથે ફરી મંજૂરી મેળવવાની તૈયારી શરૂ કરી છે.

FSSAIને Old Monkના લેબલ સામે શું છે વાંધો?
આ સમગ્ર વિવાદનું મુખ્ય કારણ Old Monkની બોટલ પર આપવામાં આવેલી માહિતી છે. FSSAIના જણાવ્યા પ્રમાણે, આ પ્રોડક્ટમાં બહારથી રમનો ફ્લેવર ઉમેરવામાં આવે છે, પરંતુ તેને સ્પષ્ટ રીતે ફ્લેવર્ડ લિકર અથવા રમ-ફ્લેવર્ડ સ્પિરિટ તરીકે દર્શાવવામાં આવ્યું નથી. રેગ્યુલેટરનું કહેવું છે કે ગ્રાહકોને ઉત્પાદનની સાચી માહિતી મળવી જરૂરી છે. વધુમાં, બોટલ પર લખવામાં આવેલા ‘7 Years Old Blended’ના દાવા સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. FSSAIના મતે, પ્રોડક્ટને ખાસ લાકડાના બેરલમાં રાખીને જૂની કરવામાં આવી નથી, તેથી આ દાવો યોગ્ય નથી.
કંપનીએ કોર્ટમાં શું દલીલ કરી હતી?
Old Monk બનાવતી Mohan Rocky Springwater Private Limitedએ FSSAIના નિર્ણય સામે ઓગસ્ટ મહિનામાં બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. કંપનીના વકીલ નવરોઝ સીરવાઈએ દલીલ કરી હતી કે કંપની કાયદાકીય નિયમોનું પાલન કરીને કૃષિ આધારિત ન્યુટ્રલ અને ડિસ્ટિલ્ડ સ્પિરિટમાંથી રમ બનાવે છે. જોકે, FSSAIએ સ્પષ્ટ કર્યું હતું કે માત્ર રમનો ફ્લેવર ઉમેરવાથી કોઈ પ્રોડક્ટને અસલી રમ કહી શકાય નહીં. રેગ્યુલેટરે સૂચવ્યું હતું કે લેબલ પર રમને બદલે ‘Rum-like’ એટલે કે રમ જેવું લખવામાં આવે તો જ વેચાણની મંજૂરી મળી શકે છે.
નવા લેબલ છતાં વિવાદ ઉકેલાયો નહીં, કંપનીએ અરજી પાછી ખેંચી
કોર્ટની સુનાવણી દરમિયાન કંપનીએ અગાઉ પોતાના લેબલમાં ફેરફાર પણ કર્યા હતા. 3 સપ્ટેમ્બરે રજૂ કરવામાં આવેલા નવા લેબલમાં ‘Added Flavour’ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું હતું અને સાત વર્ષ જૂના બ્લેન્ડેડ હોવાનો દાવો પણ દૂર કરવામાં આવ્યો હતો. તેમ છતાં FSSAIને પ્રોડક્ટને રમ તરીકે ઓળખાવવા સામે વાંધો રહ્યો હતો. આખરે 5 નવેમ્બરે ચીફ જસ્ટિસ મહેશ ચંદ્ર ત્રિપાઠીની બેન્ચ સમક્ષ કંપનીએ પોતાની અરજી પાછી ખેંચી લીધી. હવે કંપની FSSAI સમક્ષ નવા લેબલ રજૂ કરશે અને નિયમો મુજબ નિર્ણયની રાહ જોશે.

માત્ર Old Monk નહીં, અન્ય દારૂની બ્રાન્ડ્સ પર પણ અસર
FSSAIની આ કાર્યવાહી માત્ર Old Monk સુધી મર્યાદિત નથી. જે કંપનીઓ ન્યુટ્રલ સ્પિરિટમાં બહારથી રમ અથવા વ્હિસ્કીનો ફ્લેવર ઉમેરીને યોગ્ય લેબલ વગર પ્રોડક્ટ વેચે છે, તેમની સામે પણ કાર્યવાહી થઈ રહી છે. McDowell’s No.1 બનાવતી United Spirits Limited પણ આ મામલે કોર્ટમાં પહોંચી હતી, પરંતુ બાદમાં તેણે પણ પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી. આ કાર્યવાહીથી સમગ્ર દારૂ ઉદ્યોગમાં ચિંતા વધી છે. કંપનીઓનું માનવું છે કે નિયમોની કડક અમલવારીથી બજારમાં અનેક લોકપ્રિય પ્રોડક્ટ્સના વેચાણ પર અસર થઈ શકે છે.
સરકારને ₹350 કરોડનું નુકસાન, હવે નવા લેબલ પર રહેશે નજર
આ વિવાદની અસર માત્ર કંપનીઓ અને ગ્રાહકો સુધી મર્યાદિત રહી નથી, પરંતુ રાજ્ય સરકારની આવક પર પણ પડી છે. 12 ઓક્ટોબરના રોજ બોમ્બે હાઈકોર્ટમાં કંપનીના વકીલ વેંકટેશ ધોંડે જણાવ્યું હતું કે FSSAIની કાર્યવાહી બાદ વેચાણ અટકતાં રાજ્યના આબકારી વિભાગને અંદાજે 350 કરોડ રૂપિયાની આવકનું નુકસાન થયું છે. હવે કંપની નવા લેબલ રજૂ કરશે અને FSSAI તેના પર નિર્ણય લેશે. આ નિર્ણયથી Old Monkનું મહારાષ્ટ્રમાં વેચાણ ફરી શરૂ થશે કે નહીં તે સ્પષ્ટ થશે. જોકે, હાલ ગ્રાહકોએ વધુ રાહ જોવી પડી શકે છે.
