ફ્લાઇટ ટિકિટના ભાવમાં આગ! પાકિસ્તાનનું એર સ્પેસ અને મોંઘું ઇંધણ મુસાફરોના ખિસ્સા પર ભારે
દેશમાં હવાઈ મુસાફરી કરતા મુસાફરો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી વિમાની ટિકિટોના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ મુદ્દે સંસદીય સમિતિએ પણ ગંભીર નોંધ લીધી છે. સોમવારે ઇન્ડિગો અને એર ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને વધતા હવાઈ ભાડા અંગે જવાબ માંગવામાં આવ્યા હતા. હવે સવાલ એ છે કે આખરે વિમાનની ટિકિટો આટલી મોંઘી કેમ થઈ રહી છે?

સંસદીય સમિતિએ એરલાઇન્સ પાસે માંગ્યો જવાબ
ભાજપના સાંસદ બૈજયંત પાંડા (Baijayant Panda)ની અધ્યક્ષતામાં સંસદની પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ સંબંધિત સ્થાયી સમિતિએ ઇન્ડિગો અને એર ઇન્ડિયાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં હવાઈ ભાડામાં થઈ રહેલા અસામાન્ય વધારા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સમિતિએ એરલાઇન્સ પાસેથી ભાવ વધારાનાં કારણો અને મુસાફરોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે સ્પષ્ટતા માંગી હતી.
કાચા તેલના વધતા ભાવને કારણે એરલાઇન્સનો ખર્ચ વધ્યો
એરલાઇન્સે સમિતિને જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ તથા હોર્મુઝ સામુદ્રધુનીમાં ઊર્જા પુરવઠાને અસર થવાને કારણે કાચા તેલના ભાવમાં વધારો થયો છે. તેની સીધી અસર એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે વિમાનમાં વપરાતા ઇંધણ પર પડી રહી છે. ઇંધણ મોંઘું થતાં એરલાઇન્સનો સંચાલન ખર્ચ પણ સતત વધી રહ્યો છે.
એરલાઇન્સના કુલ ખર્ચમાં 40થી 45 ટકા હિસ્સો ઇંધણનો
વિમાન કંપનીઓના જણાવ્યા અનુસાર, તેમના કુલ ઓપરેશનલ ખર્ચમાં આશરે 40થી 45 ટકા ખર્ચ માત્ર ઇંધણ પાછળ થાય છે. આવી સ્થિતિમાં ATFના ભાવમાં થોડો વધારો પણ કંપનીઓના નાણાકીય ગણિતને અસર કરે છે. એરલાઇન્સનું કહેવું છે કે વધતા ખર્ચને પહોંચી વળવા માટે ટિકિટના ભાવમાં વધારો કરવો પડે છે. જોકે, તેની સીધી અસર સામાન્ય મુસાફરોના પ્રવાસના બજેટ પર પડી રહી છે.
પાકિસ્તાનના એર સ્પેસ પર પ્રતિબંધથી ફ્લાઇટનો રસ્તો લાંબો થયો
હવાઈ ભાડામાં વધારા પાછળનું બીજું મહત્વનું કારણ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ હોવાનું એરલાઇન્સે જણાવ્યું છે. એપ્રિલ 2025માં પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાને 23 એપ્રિલથી ભારતીય એરલાઇન્સ અને ભારતમાં નોંધાયેલા વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું હતું. જવાબમાં ભારતે પણ 30 એપ્રિલ 2025થી પાકિસ્તાની વિમાનો માટે પોતાનું એર સ્પેસ બંધ કરી દીધું હતું. આ પ્રતિબંધોની અસર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પડી રહી છે.

યુરોપ અને ખાડી દેશોની ફ્લાઇટ્સનો પ્રવાસ 1થી 2 કલાક લાંબો
પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ ન કરી શકવાને કારણે ભારતથી યુરોપ, ખાડી દેશો અને પશ્ચિમ તરફ જતી ઘણી ફ્લાઇટ્સને વૈકલ્પિક લાંબા માર્ગો અપનાવવા પડે છે. પરિણામે કેટલીક ફ્લાઇટ્સના પ્રવાસ સમયમાં આશરે એકથી બે કલાકનો વધારો થયો છે. લાંબા અંતરના કારણે વિમાનોમાં વધુ ઇંધણ વપરાય છે. આ ઉપરાંત પાઇલટ, ક્રૂ અને અન્ય સંચાલન સંબંધિત ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે.
24 નવેમ્બર 2026 સુધી પ્રતિબંધ લંબાવાયો, મુસાફરો પર વધશે બોજ?
પાકિસ્તાન એરપોર્ટ્સ ઓથોરિટી (PAA) દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા NOTAM અનુસાર, ભારતીય વિમાનો માટે હવાઈ ક્ષેત્ર પરનો પ્રતિબંધ 24 નવેમ્બર 2026 સુધી લંબાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધને કારણે એરલાઇન્સને લાંબા માર્ગોનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. હવે આંતરરાષ્ટ્રીય ઇંધણના ભાવ અને હવાઈ માર્ગની મર્યાદાઓ વચ્ચે ટિકિટના ભાવમાં કેટલી રાહત મળશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
મુસાફરો માટે શું સમજવું જરૂરી છે?
હવાઈ ભાડામાં વધારો માત્ર એક કારણથી થતો નથી. ઇંધણના ભાવ, આંતરરાષ્ટ્રીય રાજકીય તણાવ, ફ્લાઇટના લાંબા રૂટ અને એરલાઇન્સના સંચાલન ખર્ચ જેવા અનેક પરિબળો તેની પાછળ જવાબદાર છે. તેથી મુસાફરોએ ટિકિટ બુક કરતાં પહેલાં અલગ-અલગ એરલાઇન્સના ભાવની સરખામણી કરવી અને શક્ય હોય ત્યાં સુધી અગાઉથી બુકિંગ કરાવવું હિતાવહ છે.
