કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે શનિવારે ચૂંટણી બોન્ડને કાયદેસરની લાંચ ગણાવી હતી અને મોટો દાવો કરતાં કહ્યું કે ચાર ઓક્ટોબરે તેનો નવો ઈશ્યૂ જારી થશે જે ભાજપ માટે એક સોનેરી પાક સમાન બની ગયો છે. સરકારે શુક્રવારે ચૂંટણી બોન્ડનો ૨૮મો ઈશ્યૂ જારી કરવા માટે મંજૂરી આપી દીધી હતી. તે ચાર ઓક્ટોબરથી ૧૦ દિવસ વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. આ ર્નિણય રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં આ વર્ષે પ્રસ્તાવિત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવાયો છે. આ રાજ્યોમાં ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે.
ચિદમ્બરમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર કહ્યું કે ચૂંટણી બોન્ડનો ૨૮મો ઈશ્યૂ ચાર ઓક્ટોબરે આવશે. તેમણે કહ્યું કે આ ભાજપ માટે સોનેરી પાક સાબિત થશે. ગત રેકોર્ડની વાત કરીએ તો કથિત રીતે ગુપ્ત દાનનો ૯૦ ટકા હિસ્સો ભાજપના ખાતામાં જશે. પૂર્વ કેન્દ્રીયમંત્રીએ કહ્યું કે સરકારની નજીકના મૂડીપતિઓ દિલ્હીમાં તેમના સ્વામીને ચઢાવો ચઢાવવા માટે તેમની ચેકબૂક ખોલશે. ચિદમ્બરમે કહ્યું કે ચૂંટણી બોન્ડ કાયદેસરની લાંચ જ હોય છે. રાજકીય પક્ષો માટે અપાતા ડોનેશનમાં પારદર્શકતા લાવવાના પ્રયાસો હેઠળ ચૂંટણી બોન્ડની વ્યવસ્થા લવાઈ હતી.
