બેંકિંગ સિસ્ટમમાં મોટી ગરબડ? સેન્ટ્રલ બેંકના ખાતામાંથી કરોડો રૂપિયા ટ્રાન્સફર, જાણો ગ્રાહકોએ શું કરવું
બેંકમાં પૈસા જમા કરાવતી વખતે દરેક ગ્રાહકને પોતાની મહેનતની કમાણી સુરક્ષિત રહેવાની અપેક્ષા હોય છે. પરંતુ મુંબઈની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા સાથે જોડાયેલા કરોડોના શંકાસ્પદ વ્યવહારોના મામલાએ બેંકિંગ સુરક્ષા અંગે સવાલો ઊભા કર્યા છે. બેંકની ફરિયાદ મુજબ, માત્ર ત્રણ દિવસમાં 187 અનધિકૃત ટ્રાન્ઝેક્શન દ્વારા આશરે ₹13.96 કરોડ ટ્રાન્સફર થયા હતા.

ત્રણ દિવસમાં 187 ટ્રાન્ઝેક્શન, 36 બેંકોમાં પૈસા ટ્રાન્સફર
અહેવાલો અનુસાર, 15થી 17 ઓક્ટોબર દરમિયાન આ શંકાસ્પદ વ્યવહારો થયા હતા. 15 ઓક્ટોબરે છ, 16 ઓક્ટોબરે 88 અને 17 ઓક્ટોબરે 93 ટ્રાન્ઝેક્શન નોંધાયાં હતાં. આ રીતે કુલ 187 વ્યવહારો મારફતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે રહેલા સેન્ટ્રલ બેંકના સેટલમેન્ટ ખાતામાંથી 36 અલગ અલગ બેંકોનાં ખાતાંમાં નાણાં ટ્રાન્સફર થયાં હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.
શું ગ્રાહકોના સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા કપાશે?
આ સમગ્ર મામલે સૌથી મોટો પ્રશ્ન સામાન્ય ગ્રાહકોની બચતની સુરક્ષાનો છે. જોકે, ઉપલબ્ધ અહેવાલો મુજબ, ગ્રાહકોનાં વ્યક્તિગત સેવિંગ એકાઉન્ટમાંથી સીધા પૈસા કપાયા હોવાની સ્પષ્ટ માહિતી સામે આવી નથી. આ વ્યવહારો બેંકના સેટલમેન્ટ ખાતા સાથે સંબંધિત હોવાનું જણાવાયું છે. તેથી માત્ર આ સમાચારના આધારે ગ્રાહકોએ પોતાના ખાતામાંથી પૈસા કપાઈ ગયા હોવાનું માનીને ગભરાવાની જરૂર નથી.
બેંકિંગ સિસ્ટમમાં કેવી રીતે થઈ શકે ગડબડ?
સેન્ટ્રલ બેંકની ફરિયાદ મુજબ, શંકાસ્પદ વ્યવહારોનો રેકોર્ડ તેની શાખાઓ, ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ, કોર બેંકિંગ સિસ્ટમ અને RTGS સેટલમેન્ટ રેકોર્ડમાં મળ્યો નહોતો. આથી પેમેન્ટ સિસ્ટમ સુધી અનધિકૃત પહોંચ બનાવવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અહેવાલોમાં IFTASના સેન્ટ્રલ SFMS સર્વર સુધી અનધિકૃત પહોંચના આરોપનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

IFTAS અને SFMS સર્વર શું કામ કરે છે?
IFTAS એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની માલિકીની સહાયક કંપની છે, જ્યારે SFMS એટલે સ્ટ્રક્ચર્ડ ફાઇનાન્શિયલ મેસેજિંગ સિસ્ટમ. આ વ્યવસ્થા બેંકો વચ્ચે નાણાકીય વ્યવહારો સંબંધિત સંદેશાઓ મોકલવામાં મદદ કરે છે. RTGS જેવી પેમેન્ટ વ્યવસ્થામાં આ પ્રકારની મેસેજિંગ સિસ્ટમ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જોકે, આ કેસમાં ખરેખર કઈ રીતે અનધિકૃત વ્યવહારો થયા તે તપાસના પરિણામો પછી જ સ્પષ્ટ થઈ શકશે.
ગ્રાહકોએ અત્યારે શું સાવચેતી રાખવી જોઈએ?
આ ઘટનાને પગલે ગ્રાહકોએ ગભરાવાને બદલે પોતાના બેંક સ્ટેટમેન્ટ અને ટ્રાન્ઝેક્શન એલર્ટ નિયમિત તપાસવા જોઈએ. કોઈ અજાણ્યો વ્યવહાર જોવા મળે તો તાત્કાલિક બેંકનો સંપર્ક કરવો અને સત્તાવાર ફરિયાદ નોંધાવવી જોઈએ. OTP, ATM PIN, UPI PIN કે ઇન્ટરનેટ બેંકિંગનો પાસવર્ડ કોઈની સાથે શેર ન કરવો. માત્ર આ સમાચારને કારણે પાસવર્ડ બદલવો કે ખાતું બંધ કરવું જરૂરી નથી, પરંતુ સુરક્ષા અંગે સતર્ક રહેવું જરૂરી છે.
