ફ્લાયદુબઈ કોકપિટ કાંડ: ‘હુમલાખોર કો-પાયલટનું થયું હતું બ્રેઈનવોશ’, નેતન્યાહૂના દાવા વચ્ચે ઈન્ડિયન પાયલટ સ્મિત માછરની બહાદુરીને સલામ
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073માં બનેલી સનસનાટીભરી ઘટના બાદ સમગ્ર વિશ્વમાં ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત માછરના અદમ્ય સાહસની પ્રશંસા થઈ રહી છે. મધ્ય આકાશમાં સર્જાયેલા આ ભયાનક સંકટ વચ્ચે કેપ્ટન સ્મિતે અસાધારણ મનોબળ દર્શાવીને ૧૭૪ મુસાફરોનો જીવ બચાવ્યો હતો. આ તરફ, ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ આ ઘટના અંગે એક સસંનીખેજ ખુલાસો કરીને વૈશ્વિક સ્તરે સુરક્ષા ચિંતાઓમાં વધારો કર્યો છે.

કોકપિટમાં જીવલેણ હુમલો અને વિમાન ક્રેશ કરવાનો ષડયંત્ર
મળતી માહિતી મુજબ, ફ્લાયદુબઈનું વિમાન જ્યારે હવામાં હતું ત્યારે ઓમાનના સહ-પાયલટે (કો-પાયલટ) અચાનક કેપ્ટન સ્મિત માછર પર છરી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. હુમલાખોર કો-પાયલટ વિમાનને નિયંત્રણ બહાર કરીને ક્રેશ કરાવવાની ફિરાકમાં હતો. પોતાના પર થયેલા ગંભીર હુમલા અને લોહીલુહાણ હાલતમાં પણ કેપ્ટન સ્મિતે હિંમત હારી ન હતી. તેમણે કો-પાયલટના મનસૂબા નિષ્ફળ બનાવ્યા અને વિમાનનું સફળતાપૂર્વક સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. કેપ્ટન સ્મિતની આ ત્વરિત નિર્ણાયકતાને કારણે એક મોટી વિમાન દુર્ઘટના ટળી હતી.
પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂનો મોટો ખુલાસો
ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ એક પ્રખ્યાત ઈન્ટરવ્યુ દરમિયાન આ ઘટના અંગે ગંભીર દાવા કર્યા છે. નેતન્યાહૂના જણાવ્યા અનુસાર, હુમલાખોર ઓમાની કો-પાયલટનું કટ્ટરપંથી વિચારધારા દ્વારા બ્રેઈનવોશ કરવામાં આવ્યું હતું. તેને ઈસ્લામિક કટ્ટરપંથી સંગઠનો દ્વારા વિશેષ તાલીમ આપવામાં આવી હતી.
પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે સુરક્ષા નિયમોમાં રહેલી એક મોટી ખામીનો ફાયદો ઉઠાવીને આ કટ્ટરપંથી પાયલટ કોકપિટ સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો. નિયમ મુજબ, ઈઝરાયેલ તરફ જતી ફ્લાઈટ્સમાં એવા દેશોના નાગરિકો કે પાયલટોને ડ્યુટી પર રાખી શકાતા નથી જેમના ઈઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો ન હોય. આ સુરક્ષા ક્ષતિ સામે હવે કડક તપાસ શરૂ કરવામાં આવી છે.
ભારતીય રાજદૂત દ્વારા કેપ્ટન સ્મિતનું સન્માન
તેલ અવીવ ખાતે આયોજિત ‘ઈન્ડિયા-ઈઝરાયેલ ફેસ્ટિવલ’ અને ભારતીય યહૂદીઓના રાષ્ટ્રીય સંમેલન દરમિયાન આ ઘટનાના પડઘા પડ્યા હતા. ઈઝરાયેલમાં ભારતના રાજદૂત જે.પી. સિંહે આ ખાસ મંચ પરથી કેપ્ટન સ્મિત માછરના અસાધારણ શૌર્ય અને સમયસૂચકતાની મુક્ત મને પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે સ્મિતની બહાદુરીએ સમગ્ર ભારતનું નામ રોશન કર્યું છે. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ કેપ્ટન સ્મિતના ઝડપી અને પૂર્ણ સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરી હતી.
વૈશ્વિક એવિએશન સુરક્ષા પર ઊભા થયેલા પ્રશ્નો
આ ઘટના બાદ આંતરરાષ્ટ્રીય એવિએશન ક્ષેત્રે પાયલટોના પૃષ્ઠભૂમિ સ્ક્રીનિંગ અને માનસિક તપાસ (માનસિક સ્વાસ્થ્ય) અંગેના નિયમો વધુ સખત બનાવવાની માગ ઉઠી છે. એક તરફ જ્યાં કટ્ટરપંથના વધી રહેલા જોખમે વિમાન મુસાફરીની સુરક્ષા સામે સવાલો ઊભા કર્યા છે, તો બીજી તરફ ભારતીય પાયલટ સ્મિત માછરની જાંબાઝીને કારણે સેંકડો પરિવારના માળા વિખેરાતા બચી ગયા છે. હાલમાં કેપ્ટન સ્મિત સારવાર હેઠળ છે અને તેમની હાલતમાં સુધારો થઈ રહ્યો છે.
