દુબઈમાં ટેક્સ-ફ્રી સોનું: 0% VAT અને 100% શુદ્ધતા સાથે ખરીદીનો જાણો પૂરતો નિયમ
ભારતીય બુલિયન માર્કેટમાં તાજેતરમાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. 10 ગ્રામ સોનાની કિંમતમાં રૂ. 4,133 નો મોટો કડાકો નોંધાતાં તે રૂ. 1.48 લાખના સ્તરે આવી પહોંચ્યું છે. આજે દેશમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,47,980 ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. ભાવ ઘટવા છતાં વૈશ્વિક સ્તરે એવા કેટલાય દેશો છે, જ્યાં ભારતની સરખામણીએ સોનું આજે પણ ઘણું સસ્તું મળે છે. આ યાદીમાં સૌથી પહેલું અને લોકપ્રિય નામ આવે છે ‘સિટી ઓફ ગોલ્ડ’ તરીકે ઓળખાતા દુબઈ (UAE) નું.

દુબઈમાં સોનાનું બજાર અને અનોખો અનુભવ
જેવા તમે દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પગ મૂકો છો, તે સાથે જ તમને ત્યાંના સુવર્ણ વૈભવનો અહેસાસ થવા લાગે છે. એરપોર્ટ પર અને સમગ્ર શહેરમાં એક પછી એક લાઈનસર ગોલ્ડ જ્વેલરીની અસંખ્ય દુકાનો આવેલી છે. સોનાની ચેન, બંગડીઓ, સિક્કા અને કસ્ટમાઈઝ્ડ ઘરેણાં ખૂબ જ આકર્ષક ડિઝાઈનમાં ઉપલબ્ધ હોય છે. ભારતીયો સહિત સમગ્ર વિશ્વના પ્રવાસીઓ માટે દુબઈથી સોનું ખરીદવું એ હંમેશાંથી પહેલી પસંદગી રહી છે.
0% VAT અને ટેક્સ-ફ્રી ખરીદીનું આકર્ષણ
દુબઈમાં સોનું સસ્તું મળવાનું સૌથી મોટું અને મુખ્ય કારણ ત્યાંની ટેક્સ નીતિ છે. દુબઈમાં સોનાની ખરીદી પર કોઈપણ પ્રકારનો આયાત કર (Import Duty) કે વધારાનો ટેક્સ લાગતો નથી. ત્યાં સોના પર 0% VAT (Value Added Tax) ની જોગવાઈ છે.
ભારતમાં જ્યારે પણ કોઈ ગ્રાહક સોનું કે જ્વેલરી ખરીદે છે, ત્યારે તેણે સોનાના મૂળ ભાવ ઉપરાંત કસ્ટમ ડ્યુટી, જીએસટી (GST) અને મેકિંગ ચાર્જિસ ચૂકવવા પડે છે, જેના કારણે દરો વધી જાય છે. બીજી તરફ, દુબઈમાં ટેક્સ ફ્રી નીતિ હોવાને કારણે સોનાનો ભાવ આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટના મૂળ દર પર જ આધારિત રહે છે.

૧૦૦% શુદ્ધતા અને ગુણવત્તાની ગેરંટી
દુબઈ માત્ર સસ્તા સોના માટે જ નહીં, પરંતુ તેની ૧૦૦% શુદ્ધતા માટે પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે. દુબઈ સરકાર અને સંબંધિત તંત્રો દ્વારા સોનાના વેપાર પર ખૂબ જ સખત નિયમો અને દેખરેખ રાખવામાં આવે છે. ત્યાં તમામ ગોલ્ડ જ્વેલર્સ માટે સોનાની હોલમાર્કિંગ અને શુદ્ધતાના સરકારી ધોરણોનું પાલન કરવું ફરજિયાત છે.
કોઈપણ પ્રકારની ભેળસેળ કે ગેરરીતિ સામે ભારે દંડ અને કાનૂની કાર્યવાહીની જોગવાઈ હોવાથી ગ્રાહકોને ગુણવત્તા બાબતે સંપૂર્ણ વિશ્વાસ મળે છે. આ સિવાય, દુબઈના પ્રસિદ્ધ ‘ગોલ્ડ સુક’ (Gold Souk) જેવા બજારોમાં મેકિંગ ચાર્જિસ પર ભાવતાલ (Bargain) કરવાનો વિકલ્પ પણ ગ્રાહકોને મળે છે, જેનાથી ખરીદી વધુ ફાયદાકારક બને છે.
