ગોલ્ડ લોન તરફ લોકોનો નવો ક્રેઝ: મજબૂરી નહીં પણ ફાઇનાન્સિયલી સ્માર્ટ બનવા યુવાનો પસંદ કરી રહ્યા છે સોના પર ધિરાણ
ભારતમાં સોનું ગીરો મૂકીને લોન લેવી (Gold Loan) એ હંમેશા એક ભાવનાત્મક અને મજબૂરીભર્યું પગલું માનવામાં આવતું હતું. જૂના સમયમાં જ્યારે ઘરમાં કોઈ ગંભીર બીમારી કે આર્થિક સંકટ આવે ત્યારે જ લોકો પોતાના દાગીના બેંક કે સાહુકાર પાસે લઈ જતા હતા. પરંતુ હવે સમય અને લોકોની માનસિકતા ઝડપથી બદલાઈ રહી છે. એક્સપિરિયન ઇન્ડિયાના મનીષ જૈનના જણાવ્યા અનુસાર, ગોલ્ડ લોનની માંગમાં 80 થી 85 ટકાનો ભારે ઉછાળો નોંધાયો છે. આજનો યુવા અને મધ્યમ વર્ગ ગોલ્ડ લોનને મજબૂરી નહીં, પરંતુ પોતાની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવાનો એક ‘સ્માર્ટ રસ્તો’ માની રહ્યો છે. યુવાનો હવે 20 વર્ષના લાંબા હોમ લોનના ચક્રવ્યૂહમાં ફસાવાને બદલે ટૂંકા ગાળાની લોન લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

ગોલ્ડ લોન તરફ વધતો ક્રેઝ અને માનસિકતામાં બદલાવ
પહેલા એવું માનવામાં આવતું હતું કે ગોલ્ડ લોન માત્ર મોટી ઉંમરના અથવા નિમ્ન-મધ્યમ વર્ગના લોકો જ લે છે. પરંતુ આજની વાસ્તવિકતા આનાથી સાવ અલગ છે. નાના શહેરોથી લઈને મહાનગરો સુધી, દરેક વર્ગના લોકો પોતાની તિજોરીમાં પડી રહેલા સોનાનો ઉપયોગ કરી રહ્યા છે. સારી કમાણી કરતા નોકરીયાતો અને યુવાનો પણ તેને ફાઇનાન્શિયલ પ્લાનિંગના એક મહત્વપૂર્ણ સાધન તરીકે જોઈ રહ્યા છે.
ઘર કે પ્રોપર્ટી ગીરો મૂકીને લોન લેવાની પ્રક્રિયા ખૂબ જ લાંબી અને જટિલ હોય છે, તેની સરખામણીમાં સોના પર લોન મેળવવી અત્યંત સરળ, ઝડપી અને સુરક્ષિત છે. લોકો હવે સમજી ગયા છે કે ઘરમાં બેરોજગાર પડેલા સોનાનો ઉપયોગ કરીને તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવી એ સમજદારીનું કામ છે.
કડક નિયમો અને અનસિક્યોર્ડ લોન પર લગામ
ગોલ્ડ લોન ક્ષેત્રે આવેલા આ ઉછાળા પાછળ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના કડક નિયમો પણ જવાબદાર છે. થોડા સમય પહેલા સુધી ઘણી ફિનટેક કંપનીઓ 30 થી 40 ટકા જેવા ઊંચા વ્યાજ દરે વિના ગેરંટીની પર્સનલ લોન (Unsecured Loans) આપતી હતી. જ્યારે રેગ્યુલેટર્સે આવા જોખમી ધિરાણ પર શિકંજો કસ્યો અને ડિજિટલ લેન્ડિંગના નિયમો સખત કર્યા, ત્યારે ફાઇનાન્સ કંપનીઓ અને બેંકોએ ‘સિક્યોર્ડ લોન’ તરફ વળવું પડ્યું. ધિરાણકર્તાઓ માટે ગોલ્ડ લોન સૌથી શ્રેષ્ઠ વિકલ્પ બનીને ઉભરી આવી, કારણ કે તેમાં સોનું ગીરો હોવાથી પૈસા ડૂબવાનું જોખમ નહિવત થઈ જાય છે.

ટોપ-અપ લોનના ચક્રવ્યૂહથી સાવચેત રહો
સોના પર લોન મેળવવી સરળ છે, પરંતુ તેમાં એક મોટું નાણાકીય જોખમ પણ રહેલું છે. ઘણા ગ્રાહકો ગીરો મૂકેલા સોના પર વારંવાર ‘ટોપ-અપ લોન’ લેવાની ભૂલ કરે છે. તેઓ મૂળ લોન ચૂકવવાને બદલે તેને આગળ લંબાવ્યા (રોલ ઓવર) કરે છે. આનાથી ગ્રાહક લોનમાંથી મુક્ત થવાને બદલે કાયમી દેવાદાર બની જાય છે. ગ્રાહકોએ સમજવું જરૂરી છે કે ગોલ્ડ લોનનો સાચો ઉપયોગ ત્યારે જ થાય જ્યારે તેને સમયસર ચૂકવીને પોતાનું સોનું પાછું છોડાવી લેવામાં આવે.
EMI નું ગણિત અને યોગ્ય નાણાકીય આયોજન
લોન લેતી વખતે યુવાનો અવારનવાર પોતાની લોન રિપેમેન્ટ ક્ષમતાનું ખોટું આંકલન કરી બેસે છે. લોકોને લાગે છે કે સારા પગારને કારણે તેઓ મોટી EMI સરળતાથી ભરી શકશે, પરંતુ આ ચક્કરમાં તેઓ ઇમરજન્સી ફંડ અને ઘરના જરૂરી ખર્ચ માટે બચત કરી શકતા નથી. સારો ક્રેડિટ સ્કોર હોવાનો અર્થ એ નથી કે ક્ષમતા કરતા વધુ દેવું કરી લેવું.
