શું ₹૨,૦૦૦ થી વધુના UPI વ્યવહારો પર લાગશે ચાર્જ? ડિજિટલ ટ્રાન્ઝેક્શન અંગે વેપારીઓએ વ્યક્ત કરી આશંકા
રૂ. ૨,૦૦૦ થી વધુના UPI વ્યવહારો પર વધારાનો ચાર્જ લગાવવાની ચાલી રહેલી ચર્ચાને કારણે દિલ્હીના વેપારીઓમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. દિલ્હીના પ્રખ્યાત સદર બજાર, ચાંદની ચોક, સરોજિની નગર અને લાજપત નગરના વેપારી સંગઠનોનું કહેવું છે કે, ડિજિટલ પેમેન્ટ હવે દેશના નાના-મોટા તમામ કારોબારનો મુખ્ય આધાર બની ચૂક્યું છે. આવા સમયે મોટા UPI ટ્રાન્ઝેક્શન પર વધારાનો ચાર્જ લાદવાથી દુકાનદારોનો ખર્ચ વધશે અને તેની સીધી વિપરીત અસર નાના વેપારીઓથી લઈને ગ્રાહકો સુધી પહોંચશે.

ઓછા માર્જિનવાળા વેપાર પર આર્થિક બોજ વધશે
સદર બજાર બારી માર્કેટ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ પરમજીત સિંહ પમ્માના જણાવ્યા મુજબ, UPI કરોડો વેપારીઓ અને ગ્રાહકો માટે ચુકવણીનું સૌથી સરળ, ઝડપી અને અનુકૂળ માધ્યમ બની ગયું છે. નાના અને મધ્યમ કક્ષાના વેપારીઓનો નફો અગાઉથી જ ખૂબ જ મર્યાદિત હોય છે. તેથી જો દરેક મોટા ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવામાં આવશે, તો તેમની બચત અને આવક પર સીધો ફટકો પડશે. સદર બજાર જેવા જથ્થાબંધ (હોલસેલ) બજારોમાં દૈનિક હજારો વ્યવહારો રૂ. ૨,૦૦૦ થી વધુના હોય છે, જેથી દર મહિને વેપારીઓ માટે આ નાનો ચાર્જ પણ મોટો આર્થિક બોજ બની જશે.
ડિજિટલ ઇન્ડિયાના વિઝન પર ઊભા થયા સવાલો
વેપારીઓનું કહેવું છે કે તેઓ સરકારના ડિજિટલ ઇન્ડિયા અને કૅશલેસ ઇકોનોમીના વિઝનને સતત પ્રોત્સાહન આપી રહ્યા છે. UPI ના કારણે ગ્રાહકોને ખરીદીમાં સરળતા રહે છે અને દુકાનદારોને પણ રોકડ સાચવવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે. પરંતુ જો ડિજિટલ પેમેન્ટ અપનાવવાની અપીલ કરવાની સાથે જ તેના પર આર્થિક બોજ નાખવામાં આવશે, તો ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહિત કરવાના મૂળ હેતુ પર જ સવાલો ઊભા થશે. વેપારી સંગઠનોએ સરકારને અપીલ કરી છે કે આ નિર્ણય પર પુનર્વિચાર કરવામાં આવે અને UPI ને ઓછી પડતર વાળું માધ્યમ જ રાખવામાં આવે.

દૈનિક ખર્ચમાં થશે મોટો વધારો
દિલ્હી હિન્દુસ્તાન મર્કેન્ટાઇલ એસોસિએશન (ચાંદની ચોક) ના મહામંત્રી અને કાપડ વેપારી ભગવાન બંસલે જણાવ્યું હતું કે, પેટીએમ અને UPI જેવા માધ્યમોએ દેશને રોકડથી ડિજિટલ તરફ વાળવામાં મોટી ભૂમિકા ભજવી છે. પરંતુ જો મર્ચેન્ટ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે, તો દુકાનદારોનો રોજનો ખર્ચ ₹૩૦૦ થી ₹૪૦૦ વધી જશે, જે મહિને મોટો આંકડો બની જાય છે. દૂધ-બ્રેડથી લઈને સોનાની ખરીદી સુધી તમામ ક્ષેત્રે આ ચાર્જનો બોજ પડશે. આ ઉપરાંત વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે આવા નિર્ણયો લેતા પહેલા વેપારી સંગઠનો સાથે કોઈ સલાહ-મસલત કરવામાં આવતી નથી.
૦.૪% ચાર્જ સામે વેપારીઓનો વિરોધ
સરોજિની નગર મિની માર્કેટ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ અશોક રંધાવાએ UPI પેમેન્ટ પર પ્રસ્તાવિત ૦.૪% ચાર્જ સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે પ્રસ્તાવિત નિયમ મુજબ આ ચાર્જ વેપારીએ જ ચૂકવવાનો રહેશે, ગ્રાહક પર તે લાગશે નહીં. આનાથી દુકાનદારની કમાણી સીધી ઘટી જશે. મોંઘવારીના કારણે ગ્રાહકોની ખરીદશક્તિ અગાઉથી જ ઘટી ગઈ છે, ત્યારે આવા વધારાના કરવેરા વેપારીઓની મુશ્કેલીઓ બેવડાવી રહ્યા છે.
ફરી રોકડ (Cash) વ્યવહારો વધવાની શક્યતા
ફેડરેશન ઓફ લાજપત નગર ટ્રેડર્સ એસોસિએશનના મહાસચિવ કુલદીપ કુમારે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, જો UPI પર વધારાનો ચાર્જ લાદવામાં આવશે, તો ડિજિટલ પેમેન્ટની પ્રક્રિયા ધીમી પડી જશે. વેપારીઓ અને ગ્રાહકો ચાર્જથી બચવા માટે ફરીથી કૅશ એટલે કે રોકડ વ્યવહારો તરફ વળે તેવી પૂરેપૂરી શક્યતા છે, જેનાથી પારદર્શક અર્થતંત્રના પ્રયાસોને નુકસાન પહોંચશે. તેથી તમામ સંગઠનોએ એકસૂરે માંગ કરી છે કે UPI ટ્રાન્ઝેક્શનને વેપારીઓ માટે સંપૂર્ણપણે ચાર્જ-મુક્ત રાખવામાં આવે.
