ક્રેડિટ કાર્ડ ચોરી અથવા ફ્રોડ થવા પર ગ્રાહકની જવાબદારી કેટલી? તુરંત કરો આ ૪ કામ
ક્રેડિટ કાર્ડ ખોવાઈ જવું અને ત્યારબાદ તેમાંથી અજાણ્યા ટ્રાન્ઝેક્શન (ફ્રોડ) થવા એ ગંભીર ચિંતાનો વિષય છે. આવા સમયે દરેક ગ્રાહક હોલ્ડરના મનમાં સૌથી મોટો સવાલ એ જ ઊભો થાય છે કે બિનઅધિકૃત રકમનું ચુકવણું કોણે કરવું પડશે—ગ્રાહકે કે બેંકે? ભારતીય રિઝર્વ બેંક (RBI) ની માર્ગદર્શિકા અનુસાર, આ બાબતનો આધાર ગ્રાહક દ્વારા બેંકને કેટલી ઝડપથી જાણ કરવામાં આવી છે અને કાર્ડ ક્યારે બ્લોક કરવામાં આવ્યું છે તેના પર રહેલો છે.

કાર્ડ ખોવાઈ જાય કે શંકા જાય ત્યારે સૌપ્રથમ શું કરવું?
જો ક્રેડિટ કાર્ડ ખોવાઈ જાય અથવા માત્ર એવો શક પણ જાય કે કાર્ડ ક્યાંક પડી ગયું છે, તો સમય બગાડ્યા વિના તરત જ તેને બ્લોક અથવા ફ્રીઝ કરવું એ જ સૌથી પહેલું અને સલામત પગલું છે. આજકાલ લગભગ તમામ બેંકો તેમના મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેંકિંગ અથવા ગ્રાહક સુરક્ષા હેલ્પલાઈન નંબર દ્વારા કાર્ડને એક મિનિટમાં જ ટેમ્પરરી કે પરમેનન્ટ બ્લોક કરવાની સુવિધા પૂરી પાડે છે.
ફ્રોડ ટ્રાન્ઝેક્શન માટે કોણ જવાબદાર: બેંક કે ગ્રાહક?
કોઈપણ બિનઅધિકૃત ટ્રાન્ઝેક્શન થાય ત્યારે તેની સમગ્ર જવાબદારી સીધી ગ્રાહક પર આવતી નથી. જવાબદારીનું ક્ષેત્ર નીચે મુજબ નક્કી થાય છે:
કાર્ડ બ્લોક કર્યા પછીના ટ્રાન્ઝેક્શન: એકવાર ગ્રાહક બેંકને કાર્ડ ખોવાયાની જાણ કરી દે અને કાર્ડ સફળતાપૂર્વક બ્લોક થઈ જાય, ત્યારબાદ થતા કોઈપણ અનધિકૃત ટ્રાન્ઝેક્શન માટે ગ્રાહકની કોઈ જવાબદારી રહેતી નથી. તે સંપૂર્ણ રકમ બેંકે ભોગવવાની રહેશે.
કાર્ડ બ્લોક કરતા પહેલાના ટ્રાન્ઝેક્શન: બ્લોક થયા પહેલા થયેલા ટ્રાન્ઝેક્શન માટે RBI ની કસ્ટમર પ્રોટેક્શન પોલિસી (Customer Protection Policy) ના નિયમો લાગુ પડે છે.
RBI નો ‘ઝીરો લાયબિલિટી’ (Zero Liability) નિયમ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ગ્રાહકોના હિતમાં કેટલાક સ્પષ્ટ નિયમો બનાવ્યા છે:
બેંકની ભૂલ અથવા ટેકનિકલ ખામી: જો કોઈ ફ્રોડ બેંકની સિસ્ટમમાં બેદરકારી, ટેકનિકલ ખામી અથવા સુરક્ષા ચૂકને કારણે થયું હોય, તો ગ્રાહકે એક પણ રૂપિયો ચૂકવવો પડતો નથી.
થર્ડ પાર્ટી લીક અને ૩ દિવસનો નિયમ: જો બેંક કે ગ્રાહક બેમાંથી કોઈની ભૂલ ન હોય અને થર્ડ પાર્ટી સિક્યોરિટી બ્રીચના કારણે ફ્રોડ થયું હોય, તો પણ ગ્રાહક બચી શકે છે. આ માટે શરત એ છે કે ગ્રાહકે ટ્રાન્ઝેક્શનની જાણ બેંક તરફથી મળ્યાના ૩ કામકાજના દિવસો (Working Days) ની અંદર બેંકને ફ્રોડ અંગે રિપોર્ટ કરી દેવો જોઈએ.
અહીં એ યાદ રાખવું જરૂરી છે કે આ ૩ દિવસની ગણતરી કાર્ડ ખોવાયાની તારીખથી નહીં, પરંતુ બેંક દ્વારા અનધિકૃત ટ્રાન્ઝેક્શનનો મેસેજ કે ઈમેલ મળ્યાની તારીખથી કરવામાં આવે છે.

જો રિપોર્ટ કરવામાં મોડું થાય તો શું?
જો ગ્રાહક ૩ કામકાજના દિવસોમાં જાણ કરવામાં નિષ્ફળ જાય અને ૪ થી ૭ કામકાજના દિવસોની વચ્ચે ફરિયાદ નોંધાવે, તો ગ્રાહકની જવાબદારી મર્યાદિત (Limited Liability) બને છે. આ કિસ્સામાં RBI ની નીતિ મુજબ બેંક અને કાર્ડના પ્રકાર આધારિત ચોક્કસ રકમ સુધીની જવાબદારી ગ્રાહકે ભોગવવી પડી શકે છે. પરંતુ જો ૭ દિવસ પછી જાણ કરવામાં આવે, તો સંપૂર્ણ જવાબદારી બેંકની પોલિસી પર નિર્ભર કરે છે.
ક્રેડિટ કાર્ડ ખોવાઈ જાય ત્યારે તુરંત અનુસરવાના પગલાં
૧. કાર્ડ બ્લોક કરો: બેંકની ઓફિશિયલ એપ, નેટ બેંકિંગ કે હેલ્પલાઈન પર કોલ કરીને કાર્ડ તરત જ બ્લોક કરાવો.
૨. સ્ટેટમેન્ટ ચકાસો: છેલ્લા તમામ ટ્રાન્ઝેક્શન કાળજીપૂર્વક જુઓ અને જે ટ્રાન્ઝેક્શન તમે નથી કર્યા તેને ફ્રોડ તરીકે માર્ક કરો.
૩. ફરિયાદ નંબર સાચવો: બેંકમાં ફરિયાદ નોંધાવ્યા બાદ મળતો રેફરન્સ કે કમ્પ્લેઈન નંબર, તારીખ અને સમય નોંધાઈને સાચવી રાખો.
૪. પોલીસ અને સાયબર સેલમાં જાણ: જો કાર્ડ ચોરી થયું હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર (FIR) નોંધાવો. સાયબર ફ્રોડના કિસ્સામાં તુરંત ૧૯૩૦ નંબર પર કોલ કરો અથવા નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (cybercrime.gov.in) પર ફરિયાદ નોંધાવો.
