દલાલ સ્ટ્રીટ પર નવો ઈતિહાસ રચાશે: હુન્ડાઈ અને LIC નો રેકોર્ડ તોડવા આવી રહ્યો છે Jio નો પબ્લિક ઈશ્યુ
ભારતીય શેરબજારના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) ની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ચૂકી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની ડિજિટલ અને ટેલિકોમ શાખા ‘રિલાયન્સ જીઓ પ્લેટફોર્મ્સ’ (Jio Platforms) નવરાત્રિ અને દિવાળીના તહેવારોની મોસમ દરમિયાન પોતાનો ૪ અબજ ડોલર (આશરે રૂ. ૩૭,૬૦૦ થી ૪૦,૦૦૦ કરોડ) નો મેગા આઇપીઓ માર્કેટમાં લાવવાની યોજના બનાવી રહી છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) તરફથી ડ્રાફ્ટ પેપર્સને મંજૂરી મળી ગયા બાદ, કંપની આગામી થોડા સપ્તાહોમાં આખરી તારીખો નક્કી કરીને દેશ-વિદેશના રોકાણકારો માટે રોડ શોનું આયોજન કરશે.

તહેવારોની મોસમમાં દલાલ સ્ટ્રીટ પર ઐતિહાસિક એન્ટ્રી
મીડિયા અહેવાલો મુજબ, મુકેશ અંબાણીની કંપની જીઓ પ્લેટફોર્મ્સ ઓક્ટોબરના અંતમાં અથવા નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં પોતાનો આ પબ્લિક ઇશ્યૂ લોન્ચ કરી શકે છે. કંપની નવરાત્રિના શુભ દિવસોથી લઈને દિવાળી (ધનતેરસ) સુધીના સમયગાળાને IPO લોન્ચ કરવા માટે ઉત્તમ ગણાવી રહી છે.
આ મેગા ઇશ્યૂ માટે જીઓ પ્લેટફોર્મ્સ વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા માટે ૩ સપ્તાહનો આંતરરાષ્ટ્રીય રોડ શો અને ૨ સપ્તાહનો સ્થાનિક (ડોમેસ્ટિક) રોડ શો યોજવાની વ્યાપક યોજના ધરાવે છે. રિલાયન્સ ગ્રુપ દ્વારા લગભગ બે દાયકા (૨૦ વર્ષ) પછી કોઈ કંપનીનો IPO લાવવામાં આવી રહ્યો છે. આ અગાઉ વર્ષ ૨૦૦૬ માં ‘રિલાયન્સ પેટ્રોલીયમ’નું લિસ્ટિંગ થયું હતું.

ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO
જીઓ પ્લેટફોર્મ્સનો આ આઇપીઓ ભારતીય પ્રાઇમરી માર્કેટના તમામ જૂના રેકોર્ડ તોડી નાખશે. અત્યાર સુધી દેશમાં આવ્યા હોય કે પ્રસ્તાવિત હોય તેવા અગ્રણી IPO નો આંકડો નીચે મુજબ છે:
જીઓ પ્લેટફોર્મ્સ: રૂ. ૩૭,૬૦૦ કરોડ (પ્રસ્તાવિત)
એનએસઈ (NSE): રૂ. ૩૦,૬૦૦ કરોડ (પ્રસ્તાવિત)
હુન્ડાઈ મોટર્સ ઇન્ડિયા: રૂ. ૨૭,૮૭૦ કરોડ
એલઆઈસી ઓફ ઇન્ડિયા (LIC): રૂ. ૨૦,૫૫૭ કરોડ
વન 97 કમ્યુનિકેશન્સ (Paytm): રૂ. ૧૮,૩૦૦ કરોડ
ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) અનુસાર, જીઓ પ્લેટફોર્મ્સ ૨૭૦ મિલિયન (૨૭ કરોડ) સુધીના નવા ઇક્વિટી શેર જારી કરવાની યોજના ધરાવે છે, જે તેની આઇપીઓ પછીની કુલ ઇક્વિટી કેપિટલના આશરે ૨.૯ ટકા જેટલા થશે. ખાસ વાત એ છે કે આ IPO માં ઓફર-ફોર-સેલ (OFS) નો કોઈ હિસ્સો સામેલ નથી.
કંપની ક્યાં ખર્ચશે IPO ની રકમ?
IPO દ્વારા એકત્ર કરવામાં આવનારી જંગી રકમનો મોટો હિસ્સો જીઓ પ્લેટફોર્મ્સની ઓપરેટિંગ સબ્સિડિયરી કંપની ‘રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ લિમિટેડ’ (RJIL) ના રૂ. ૨૭,૫૦૦ કરોડ સુધીના દેવાને સમય પહેલા ચૂકવીને કંપનીને ડેટ-ફ્રી (ઋણમુક્ત) બનાવવા માટે વપરાશે. બાકીની રકમનો ઉપયોગ કંપનીના સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.
વૈશ્વિક દિગ્ગજ રોકાણકારોની ભાગીદારી
જીઓ પ્લેટફોર્મ્સમાં વિશ્વની ટોચની ટેક અને ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ મોટો હિસ્સો ધરાવે છે. મોટો હિસ્સો ધરાવતા મુખ્ય રોકાણકારોમાં:
મેટા (Meta/Jaadhu Holdings): ૯.૯૮% હિસ્સેદારી
ગુગલ (Google International): ૭.૭૩% હિસ્સેદારી
અન્ય રોકાણકારો: સાઉદી અરેબિયાનો પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ (PIF), સિલ્વર લેક, વિસ્ટા ઇક્વિટી, જનરલ અટલાન્ટિક, KKR અને અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ADIA) જેવા વૈશ્વિક ફંડ્સ મળીને કુલ ૩૦.૯% હિસ્સો ધરાવે છે.
હુન્ડાઈ ઇન્ડિયા અને એલઆઈસી જેવા વિશાળ પબ્લિક ઇશ્યૂના રેકોર્ડને પાછળ છોડીને આવી રહેલો આ IPO ભારતીય શેરબજારમાં અભૂતપૂર્વ લિક્વિડિટી (તરલતા) લાવશે અને રિટેલ તેમજ સંસ્થાકીય રોકાણકારો માટે આ નાણાકીય વર્ષની સૌથી મોટી રોકાણ તક સાબિત થશે.
