અભ્યાસ થશે વધુ સરળ: ગૂગલે લોન્ચ કર્યું સ્ટુડન્ટ એઆઈ હબ, 400GB સ્ટોરેજ સાથે Gemini AI સબ્સ્ક્રિપ્શન તદ્દન મફત
નવા શૈક્ષણિક સત્રની શરૂઆતની સાથે જ ગૂગલે કોલેજના વિદ્યાર્થીઓ માટે એક મોટો ધમાકો કર્યો છે. કંપનીએ જાહેરાત કરી છે કે યોગ્યતા ધરાવતા તમામ કોલેજ વિદ્યાર્થીઓ હવે આખા એક વર્ષ માટે ગૂગલના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ ‘Gemini’નું પેઇડ પ્રીમિયમ પ્લાન સંપૂર્ણપણે મફતમાં વાપરી શકશે. આ ખાસ ઓફર ૧૯ ઓગસ્ટ ૨૦૨૬થી શરૂ થઈ ચૂકી છે. આ ઓફર સાથે ગૂગલે Gemini એપની અંદર વિદ્યાર્થીઓ માટે એક વિશેષ ‘સ્ટુડન્ટ હબ’ પણ રજૂ કર્યું છે. સામાન્ય યુઝર્સે જે પ્લાન માટે દર મહિને મોટા પ્રમાણમાં સબ્સ્ક્રિપ્શન ફી ચૂકવવી પડે છે, તે હવે વિદ્યાર્થીઓને વિનામૂલ્યે મળશે.

ફ્રી પ્રીમિયમ પ્લાનમાં શું-શું સુવિધાઓ મળશે?
ગૂગલનો આ ખાસ સ્ટુડન્ટ પ્લાન માત્ર એક સામાન્ય ચેટબોટ નથી, પરંતુ તેને ખાસ કરીને અભ્યાસ અને રિસર્ચને સરળ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ આ ટૂલ દ્વારા માત્ર ટેક્સ્ટ જ નહીં, પરંતુ હાઇ-ક્વોલિટી વિડીયો, ઇમેજ અને ગ્રાફિક્સ પણ બનાવી શકશે. સાધારણ ફ્રી યુઝર્સની સરખામણીમાં આ પ્લાનમાં વિદ્યાર્થીઓને ૨ ગણી વધુ સર્ચ અને યુસેજ લિમિટ મળશે, જેથી મોટા પ્રોજેક્ટ્સ દરમિયાન ટૂલ વારંવાર અટકશે નહીં.
આ ઉપરાંત, ગૂગલ ડ્રાઇવ, જીમેઇલ અને ફોટોઝ માટે વિદ્યાર્થીઓને ૪૦૦ GBનું વિશાળ ક્લાઉડ સ્ટોરેજ સ્પેસ મળશે. પ્લાનમાં સમાવિષ્ટ નવું ‘AI સ્ટડી હબ’ વિદ્યાર્થીઓને ઇન્ટરેક્ટિવ ૩D મોડલ્સ દ્વારા ફિઝિક્સ કે મેથ્સના જટિલ સિદ્ધાંતોને લાઇવ સમજીને શીખવામાં મદદ કરશે. સાથે જ જીમેઇલ અને ગૂગલ ડોક્સમાં ઇન-બિલ્ટ AI ફીચર્સ હોવાને કારણે નોટ્સ બનાવવાનું અને એસાઇનમેન્ટ તૈયાર કરવાનું કામ ખૂબ સરળ બની જશે.
ઓફર કેવી રીતે ક્લેઇમ કરવી?
ગૂગલ દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, આ ઓફરનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ પહેલાં પોતાનું વેરીફિકેશન પૂર્ણ કરવાનું રહેશે. આ માટે વિદ્યાર્થીઓએ ‘Google Gemini for Students’ના ઓફિશિયલ પેજ અથવા ગૂગલની શોર્ટ-લિંક goo.gle/studentdeal પર જવાનું રહેશે. ત્યાં પોતાની કોલેજ આઈડી (College ID) અથવા ઓફિશિયલ કોલેજ ઈમેઈલ આઈડી (.edu) દ્વારા ઓળખ વેરીફાય કરવાની રહેશે. વેરીફિકેશન સફળ થતાં જ એકાઉન્ટ પર ૧૨ મહિના માટે ‘Google AI Plus’ પ્લાન એક્ટિવેટ થઈ જશે.

સબ્સ્ક્રિપ્શન રદ કરવા અંગે મહત્વપૂર્ણ સૂચના
ગૂગલે સ્પષ્ટ કર્યું છે કે એક વર્ષનો ફ્રી પિરિયડ પૂરો થયા પછી આ પ્લાન ઓટોમેટિકલી પેઇડ સબ્સ્ક્રિપ્શનમાં બદલાઈ જશે. તેથી, જે વિદ્યાર્થીઓ એક વર્ષ પછી પૈસા ચૂકવીને આ સેવા ચાલુ રાખવા ન માગતા હોય, તેમણે ૧૨ મહિના પૂરા થાય તે પહેલાં સબ્સ્ક્રિપ્શન કેન્સલ કરવું પડશે, નહિતર એકાઉન્ટમાંથી ઓટોમેટિક પૈસા કપાઈ જશે.
નોંધનીય છે કે તાજેતરમાં જ Geminiના મંથલી એક્ટિવ યુઝર્સની સંખ્યા ૧ અબજને પાર પહોંચી છે. ‘બેક-ટુ-સ્કૂલ’ સિઝનમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓને પોતાના પ્લેટફોર્મ સાથે જોડવાના હેતુથી ગૂગલે આ આકર્ષક કદમ ઉઠાવ્યું છે.
