CBDT નો મોટો નિર્ણય: વિદેશી સંપત્તિ જાહેર કરવાનું ચૂકી ગયેલા ટેક્સપેયર્સ માટે નવી સ્કીમ જાહેર
વિદેશમાં સંપત્તિ કે આવક હોવા છતાં અજાણતા અથવા કારણોસર ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) માં તેની વિગતો જાહેર ન કરી શકનારા નાના કરદાતાઓ માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ તક પૂરી પાડી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા ‘નાના કરદાતા વિદેશી સંપત્તિ પ્રકટીકરણ યોજના, 2026’ ના નિયમો અધિસૂચિત કરી દેવામાં આવ્યા છે. આ નવા નિયમો 16 ઓગસ્ટ 2026 થી અમલમાં આવી ચૂક્યા છે.
આ સ્કીમનો મુખ્ય હેતુ એવા નાના કરદાતાઓને પોતાના જૂના કિસ્સાઓ નિયમિત (regularize) કરવાનો મોકો આપવાનો છે, જેઓ પહેલાં ટેક્સ રિટર્નમાં વિદેશી અસ્કયામતો દર્શાવવાનું ચૂકી ગયા હતા. જોકે, આ યોજનાનો લાભ લેવા માટે સરકારે ચોક્કસ પાત્રતા અને મર્યાદાઓ નક્કી કરી છે.

કયા કિસ્સાઓમાં મળશે સ્કીમનો લાભ?
આ યોજનામાં વિદેશી અસ્કયામતો અને કમાણી સાથે જોડાયેલા 4 મુખ્ય કિસ્સાઓને આવરી લેવામાં આવ્યા છે:
અઘોષિત સંપત્તિ: વિદેશમાં આવેલી એવી મિલકત જે અગાઉ દર્શાવવામાં આવી નથી.
અઘોષિત આવક: વિદેશી સ્ત્રોતોમાંથી થયેલી કમાણી જેની માહિતી આયકર વિભાગને આપવામાં આવી નથી.
Non-Resident સમયની સંપત્તિ: જ્યારે કરદાતા એનઆરઆઈ (NRI) હતા ત્યારે ખરીદેલી મિલકત, પરંતુ પાછળથી ભારત આવ્યા પછી રિટર્નમાં જાહેર કરવાની રહી ગઈ હોય.
ટેક્સ ચૂકવેલી આવકની મિલકત: જે રકમ પર ભારતમાં ટેક્સ ભરાઈ ચૂક્યો છે, તેમાંથી વિદેશમાં મિલકત ખરીદી પરંતુ ટેક્સ રિટર્ન ફોર્મમાં દર્શાવવાનું ભૂલી ગયા હોય.
₹1 કરોડ અને ₹5 કરોડની મર્યાદાઓ
આ સ્કીમ હેઠળ ટેક્સપેયર્સ માટે બે અલગ-અલગ મર્યાદા નક્કી કરવામાં આવી છે:
₹1 કરોડની લિમિટ: અઘોષિત વિદેશી આવક અને અઘોષિત વિદેશી સંપત્તિનું કુલ વ્યાજબી બજાર મૂલ્ય (Fair Market Value) ₹1 કરોડથી વધુ ન હોવું જોઈએ.
₹5 કરોડની લિમિટ: બિન-રહેવાસી (NRI) તરીકે ખરીદેલી અથવા ટેક્સ ભરેલી રકમમાંથી ખરીદેલી પરંતુ રિટર્નમાં દર્શાવવા રહી ગયેલી સંપત્તિ માટે ₹5 કરોડ સુધીની મર્યાદા છે.
જો વિદેશી સંપત્તિનું મૂલ્ય આ નિર્ધારિત સીમા કરતાં વધુ હશે, તો કરદાતા આ યોજનાનો લાભ મેળવી શકશે નહીં.

ટેક્સ, દંડ અને ફીનું માળખું
₹1 કરોડની શ્રેણી માટે: અઘોષિત રકમ પર 30% ટેક્સ અને ટેક્સ જેટલી જ એટલે કે 100% પેનલ્ટી ભરવાની રહેશે. આમ, કુલ ચુકવણી અઘોષિત રકમના આશરે 60% જેટલી થશે.
₹5 કરોડની શ્રેણી માટે: આ કેસમાં અલગથી ટેક્સ કે દંડ નથી. માત્ર એક નિશ્ચિત પ્રોસેસિંગ ફી ચૂકવવાની રહેશે. નાના ડિક્લેરેશન પર ફી શૂન્ય હોઈ શકે છે, જ્યારે અમુક કેસમાં ₹1 લાખની ફ્લેટ ફી આપવી પડશે.
31 ડિસેમ્બર 2026 છેલ્લી તારીખ અને મુકદ્દમામાંથી રાહત
કરદાતાઓએ Form 1 નો ઉપયોગ કરીને 31 ડિસેમ્બર 2026 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ આયકર સત્તામંડળ Form 2 દ્વારા ભરવાપાત્ર રકમ નક્કી કરશે. રકમ નક્કી થયા પછી વ્યાજ વગર ચુકવણી કરવા માટે 2 મહિનાનો સમય મળશે. વધારાના 2 મહિના 1% પ્રતિ માસના વ્યાજ સાથે મળશે. સમયસર ચુકવણી કરવાથી કરદાતાને Black Money Act, 2015 હેઠળ કોઈ પણ પ્રકારના દંડ કે કાનૂની કાર્યવાહી (Prosecution) માંથી કાયમી મુક્તિ મળશે.
