ગૂગલ પર એઆઈ સર્ચ બન્યું ડીફોલ્ટ, બાઈટડાન્સે લોન્ચ કર્યું Seedance 2.5; જુઓ AI દુનિયાની તાજી ખબરો
હાલના સમયમાં વિશ્વભરમાં જો કોઈ તકનીકી વિષયની સૌથી વધુ ચર્ચા થઈ રહી હોય તો તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) છે. એઆઈ ક્ષેત્ર એટલી ઝડપથી વિકસી રહ્યું છે કે દરરોજ નવા મોડેલો, નવી ટેકનોલોજી અને અપડેટ્સ સામે આવી રહ્યા છે. એક તરફ પ્રમુખ ટેક કંપનીઓ અદ્યતન એઆઈ મોડેલો લોન્ચ કરવાની હોડમાં છે, તો બીજી તરફ આ મોડેલોને કારણે નવી સાયબર સિક્યોરિટી અને રેગ્યુલેટરી ચિંતાઓ પણ ઉભી થઈ રહી છે.
ઓપનએઆઈ (OpenAI) અને એન્થ્રોપિક (Anthropic) ના નવા ફ્રન્ટિયર મોડેલોના આગમન વચ્ચે, આજના ‘એઆઈ રાઉન્ડ-અપ’ (AI Round-Up) માં જાણીએ કે તાજેતરમાં આ ક્ષેત્રમાં કયા મોટા ફેરફારો અને નવીનતાઓ જોવા મળી છે.

એન્થ્રોપિક અને બાઈટડાન્સના નવા મોડેલ લોન્ચ
ટેક માર્કેટમાં એન્થ્રોપિકે તેના નવા Opus 5 મોડેલને રજૂ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. કંપનીના અગાઉના Fable 5 મોડેલની સરખામણીએ આ કદમાં નાનું છે, પરંતુ યુઝર્સ માટે વધુ સસ્તું અને ઓછી મર્યાદાઓ ધરાવતું છે. ઓછા નિયંત્રણો હોવા છતાં, તેણે અનેક બેંચમાર્ક્સમાં Fable મોડેલને પાછળ છોડી દીધું છે. આ અગાઉ કંપની મધ્યમાં તેના મલ્ટિ-મોડલ લાઇનઅપ જેવાં કે Mythos 5, Fable 5 અને Sonnet 5 મોડેલ્સ લોન્ચ કરી ચૂકી છે.
બીજી તરફ, ટિકટોકની પેરન્ટ કંપની ByteDance એ તેનો નવો એડવાન્સ્ડ એઆઈ વિડીયો જનરેશન મોડેલ Seedance 2.5 રોલ આઉટ કર્યો છે. જૂના Seedance 2.0 માં જ્યાં માત્ર 12 રેફરન્સ મટિરિયલનો ઉપયોગ કરી શકાતો હતો, ત્યાં આ નવા અપગ્રેડેડ વર્ઝનમાં એક જ પ્રોમ્પ્ટમાં 30 ઈમેજ, 10 વિડીયો ક્લિપ અને 10 ઓડિયો ક્લિપને રેફરન્સ તરીકે જોડીને 30 સેકન્ડ સુધીના હાઈ-ક્વોલિટી વિડીયો જનરેટ કરી શકાય છે.
ચાઈનીઝ એઆઈ મોડેલ્સથી અમેરિકી ટેક ક્ષેત્રમાં ખળભળાટ
ચીનની એઆઈ કંપની Moonshot AI ના નવા Kimi K3 મોડેલના આગમનથી અમેરિકી ટેક જાયન્ટ્સમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જોકે કંપનીનું કહેવું છે કે Kimi K3 મોડેલ કલોડના Fable 5 કે GPT 5.6 Sol જેવા પ્રોપરાઈટરી મોડેલો કરતા કદમાં નાનું છે, છતાં ટેસ્ટિંગ દરમિયાન તેણે ફ્રન્ટિયર-લેવલનું પ્રદર્શન કર્યું છે.
સ્વતંત્ર એનાલિસિસ દર્શાવે છે કે આ ઓપન સોસ ચાઈનીઝ મોડેલ અમેરિકી ફ્લેગશિપ મોડેલોને સીધી ટક્કર આપી રહ્યું છે. આ સ્થિતિને પગલે OpenAI અને Anthropic જેવી અમેરિકી કંપનીઓએ ચાઈનીઝ એઆઈ મોડેલ્સ સામે કડક નિયંત્રણો મૂકવા માટે યુએસ રેગ્યુલેટર્સ સમક્ષ લોબિંગ શરૂ કર્યું હોવાના અહેવાલો છે.
ગૂગલ પર એઆઈ સર્ચ બન્યું ડીફોલ્ટ મોડ
ગૂગલ સર્ચ એન્જિન પર એઆઈનો ઉપયોગ ઝડપથી સામાન્ય બની રહ્યો છે. તાજેતરના ડેટા અનુસાર, હવે ગૂગલની લગભગ 43% સર્ચ ક્વેરીઝ માં ‘AI Overview’ જોવા મળે છે, જે પહેલાં માત્ર 15% હતી. સર્ચ રિઝલ્ટમાં વધારાના ફીચર તરીકે શરૂ થયેલો આ મોડ હવે માહિતી શોધવાની પ્રક્રિયાનો મુખ્ય ભાગ બની ગયો છે. એક વર્ષ અગાઉ જ્યાં એઆઈ સર્ચ પર માસિક 126 મિલિયન વિઝિટ્સ નોંધાતી હતી, ત્યાં આ આંકડો વધીને 279 મિલિયનને વટાવી ગયો છે.

આગામી 5 વર્ષમાં કરોડો લોકો પાસે હશે પોતાના એઆઈ એજન્ટ્સ: ઝુકરબર્ગ
મેટા (Meta) ના સીઈઓ માર્ક ઝુકરબર્ગે એઆઈના ભવિષ્ય અંગે મોટી આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી પાંચ વર્ષમાં વિશ્વભરમાં લગભગ 1 અબજ લોકો પાસે પોતાના વ્યક્તિગત AI Agents હશે.
આ એઆઈ એજન્ટ્સ યુઝર્સની દૈનિક જરૂરિયાતોને સમજીને આરોગ્ય, અંગત સંબંધો, સમયનું સંચાલન અને ફાઈનાન્સ મેનેજમેન્ટ જેવા કામોમાં 24×7 મદદ કરશે. ઝુકરબર્ગે એ પણ સ્પષ્ટ કર્યું કે મેટા તેની પ્રોડક્ટ ટીમ માટે નવી એપ્લિકેશન્સ ઝડપથી બનાવવા અને લોન્ચ કરવા માટે એઆઈ સાધનોનો વ્યાપક ઉપયોગ કરી રહી છે.
