દારૂ છુપાવવા માટે બુટલેગર અલગ અલગ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતા હોય છે. જાેકે, દરેક વખતે પોલીસ બુટલેગરની મોડસ ઓપરેડીનો પર્દાફાશ કરી દેતી હોય છે. મોડી રાતે સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ની ટીમ લિકર કિંગની દારૂ છુપાવવાની ચોંકાવનારી ટ્રિકનો પર્દાફાશ કરી દીધો છે. અંધેરી આલમના ડોન અબ્દુલ લતીફના સમયથી એકધારો દારૂનો ધંધો કરીને લિકર કિંગ બનનાર હુસેનના ઘરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડીને લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડતાં સ્થાનિક પોલીસની પોલ ખુલ્લી પડી છે. હુસેને પોતાના બેડરૂમમાં ભોયરું બનાવ્યું હતું અને રસોડામાં ગુપ્ત ખાનું બનાવ્યું હતું. જેમાં તે દારૂ છુપાવતો હતો.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે ગોમતીપુર વિસ્તારમાં નજીર હુસૈન ઉર્ફે હુસેન ઉસ્માન ઘાંચીએ પોતાના ઘરમાં દારૂનો જથ્થો સંતાડીને રાખ્યો છે. એસએમસીની ટીમે બાતમીના આધારે હુસેનના ઘરમાં રેડ કરી હતી. રેડ દરમિયાન ઘરમાં દારૂનો જથ્થો મળ્યો નહીં પરંતુ બાતમીદારની બાતમી પાક્કી હોવાના કારણે એસએમસીએ સર્ચ કરવાનું ચાલુ રાખ્યું હતું. દરમિયાનમાં એસએમસીની ટીમની નજર રસોડામાં રહેલા એક ટાઇલ્સ પર ગઇ હતી. ટાઇલ્સ ખોલીને જાેતાં તેમાં ગુપ્ત ખાનું જાેવામાં આવ્યું હતું. જેમાં દારૂની પેટી છુપાવેલી હતી. રસોડામાં બનાવેલા ગુપ્ત ખાનામાં ૪૦થી વધુ દારૂની પેટી છુપાવી હતી.
વધુ દારૂનો જથ્થો હશે તેવા ઇરાદે એસએમસીએ સર્ચ ચાલુ રાખતાં એક પોલીસ કર્મચારીની નજીર હુસેનના બેડરૂમમાં બનાવેલા કબાટ પર ગઇ હતી. કબાટ શંકાસ્પદ લાગ્યું હતું. જે ખોલીને જાેતાં તેમાં ગુપ્ત ભોયરું નીકળ્યું હતું. ભોયરાંમાં જતાંની સાથે જ ૬૦થી વધુ દારૂની પેટી મળી આવી હતી. વર્ષોથી હુસેને પોતાના ઘરમાં ગુપ્ત ભોયરું બનાવ્યું
હતું. જેનાથી ખુદ તેના ઘરે કામ કરતા કારીગરો અજાણ હતા. એસએમસીની ટીમે દારૂની ૨૭૫૮ બોટલ તેમજ ૫૧૬ બિયરનાં ટીન જપ્ત કરીને કુલ ૪.૭૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
એસએમસીએ વિનોદ રાણા, દિલીપ ડોડિયા તેમજ એક સગીરની ધરપકડ કરી છે. એસએમસીએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં વિનોદ રાણા, દિલીપ ડોડિયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જ્યારે નજીર હુસેન ઉર્ફે હુસેન ઘાંચી, તેની દીકરી યાસ્મિનબાનુ, પુત્ર ફૈઝલ ઘાંચી, યુનુસ ઘાંચી, તેમજ જિહાન અને ગણેશ રાણા વોન્ટેડ બતાવ્યા છે. હુસેન ૯૦ના દાયકાથી દારૂનો ધંધો કરે છે. જાેકે, થોડા સમય પહેલાં તેણે ધંધો બંધ કરી દીધો હતો. હુસેનના અડ્ડા પર જે કર્મચારી કામ કરે તે પોતે બુટલેગર બની જાય છે. હુસેનના અડ્ડા પર ગુડ્ડુ નામનો યુવક કામ કરતો હતો. જેણે હુસેનની દીકરી સાથે લગ્ન કરી લીધાં હતાં. લગ્ન કરી લીધા બાદ ગુડ્ડુએ હુસેનની સામે જ દારૂનો ધંધો શરૂ કર્યો હતો. હુસેન અને ગુડ્ડુ વચ્ચે દારૂના ઝઘડાના મામલે અનેક વખત માથાકૂટ થઇ છે. આ સિવાય હુસેનના અડ્ડા પર હુસેન બટકો નામનો યુવક નોકરી કરતો હતો. જે હુસેન સાથે વીસ લાખ રૂપિયાનું ચીટિંગ કરીને અમદાવાદનો સૌથી મોટી દારૂનો હોલેસલર બની ગયો છે. વર્ષોથી હુસેન દારૂનો ધંધો કરે છે જ્યારે વર્ષ ૨૦૧૦થી ૨૦૧૩ સુધી તેનો ધંધો આસમાને હતો. સ્થાનિકોના સપોર્ટથી હુસેનનો દારૂનો ધંધો જાેરશોરથી ચાલતો હતો. હુસેનના તમામ વહીવટનો ભાર તેની દીકરી યાસ્મિન ઉર્ફે આપા સંભાળે છે. યાસ્મિન ઉર્ફે આપા પોલીસના તમામ વહીવટનું કામ સંભાળે છે, જ્યારે હિસાબ પણ તે જ રાખી રહી છે. પોલીસ સ્ટેશનથી લઇને ઉચ્ચ અધિકારીઓ સુધી રૂપિયા આપવાની કામગીરી યાસ્મિન કરે છે.