Rahul Gandhi: વિદ્યાર્થીઓ સામે આખું તંત્ર જીવલેણ બન્યું”: સિવાન હિંસા બાદ PM મોદી પર રાહુલ ગાંધીના પ્રહારો
બિહારના સિવાન જિલ્લામાં ‘બિહાર બંધ’ દરમિયાન થયેલી હિંસક ઘટનાઓ અને ફાયરિંગના મામલે હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ આ ઘટનાને લઈને કેન્દ્ર સરકાર તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, વર્તમાન સમયમાં દેશના યુવાનો અને વિદ્યાર્થીઓ સામે આખું તંત્ર જ જીવલેણ બની ચૂક્યું છે.

વિદ્યાર્થીઓ પર AK-47થી ગોળીબારના આક્ષેપો
રાહુલ ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક સત્તાવાર નિવેદન જારી કરીને સિવાનની ઘટના અંગે ઊંડો શોક અને આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે દાવો કર્યો હતો કે બિહારમાં પોતાના ભવિષ્ય અને હક માટે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓ પર AK-47 જેવા ઘાતક હથિયારોથી ગોળીઓ ચલાવવામાં આવી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.
તેમણે ઉમેર્યું કે સરકાર વિદ્યાર્થીઓની વ્યાજબી માંગણીઓ સાંભળવાને બદલે તેમના અવાજને કચડી નાખવાનો પ્રયાસ કરી રહી છે. વહીવટીતંત્ર દ્વારા સેંકડો વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી રહી છે અને તેમના પર કડક કલમો હેઠળ FIR નોંધીને તેમનું ભવિષ્ય બગાડવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે.
“સરકારનું વચન ક્યાં ગયું?” – PM મોદીને સીધો સવાલ
પોતાના નિવેદનમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધા કઠેડામાં ઊભા રાખ્યા હતા. તેમણે ભૂતકાળના દાવાઓ અને આશ્વાસનો યાદ અપાવતા સવાલ કર્યો કે, “વિદ્યાર્થીઓ સામે કોઈ કાર્યવાહી ન કરવા, તેમના પર કોઈ FIR ન નોંધવા અને અટકાયત કરાયેલા તમામ યુવાનોને સન્માનપૂર્વક મુક્ત કરવાના સરકારી વચનો આખરે ક્યાં ગાયબ થઈ ગયા?”
રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે સરકાર પોતાના જ આપેલા વચનોમાંથી સંપૂર્ણપણે ફરી ગઈ છે. વચન પૂરું કરવાને બદલે પ્રદર્શનકારી યુવાનો પર ઘાતક હુમલા કરવામાં આવી રહ્યા છે અને પોલીસ દ્વારા બર્બરતાપૂર્વકનું વર્તમાન આચરવામાં આવી રહ્યું છે, જે લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ છે.
સિવાનમાં સ્થિતિ તંગ: ‘બિહાર બંધ’ દરમિયાન શું બન્યું?
સિવાનમાં વિરોધ પ્રદર્શન દરમિયાન અચાનક વાતાવરણ વણસી ગયું હતું. ‘બિહાર બંધ’ના આહ્વાન દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ભારે હિંસક ઝડપ જોવા મળી હતી. ઘટનાસ્થળે તોડફોડ, પથ્થરમારો અને વાહનોને નુકસાન પહોંચાડવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો, જેના પછી ફાયરિંગની ઘટના પણ ઘટી હતી.

આ હિંસક ઘટનામાં અનેક વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. વહીવટીતંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે અને વધારાનો પોલીસ કાફલો તૈનાત કરાયો છે.
યુવાનોના અવાજને દબાવવાનો પ્રયાસ: વિપક્ષનો આરોપ
કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોનો આક્ષેપ છે કે બિહારમાં યુવાનો રોજગાર, શિક્ષણ અને પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવી રહ્યા છે, પરંતુ સરકાર તેમની સમસ્યાઓ ઉકેલવાને બદલે દમનકારી નીતિ અપનાવી રહી છે. પોલીસ અને તંત્રનો ઉપયોગ કરીને યુવાનોમાં ભયનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે.
રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે. જો તંત્ર જ તેમની સામે હિંસક બની જશે, તો દેશનો યુવા વર્ગ ક્યાં જશે? તેમણે માંગ કરી હતી કે વિદ્યાર્થીઓ પર નોંધાયેલા તમામ ખોટા કેસ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને જે વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે તેમને વહેલી તકે જેલમાંથી મુક્ત કરવામાં આવે.
