Google: એન્ડ્રોઇડ યુઝર્સને મોટો ઝટકો: ગુગલે બદલી સ્ટોરેજ પોલિસી, હવે ફ્રી 15GBમાં જ ગણાશે ફોનનો બેકઅપ
ટેક જાયન્ટ ગુગલ (Google) દ્વારા વિશ્વભરના કરોડો એન્ડ્રોઇડ (Android) સ્માર્ટફોન યુઝર્સને એક મોટો ઝટકો આપવામાં આવ્યો છે. જો તમે તમારા સ્માર્ટફોનમાં જીમેલ (Gmail) એકાઉન્ટનો ઉપયોગ કરો છો, તો હવે તમારે ગુગલ તરફથી મળતી 15GB ફ્રી ક્લાઉડ સ્ટોરેજ ઉપરાંત અલગથી સ્ટોરેજ ખરીદવું પડી શકે છે. આ વધારાના સ્ટોરેજ માટે યુઝર્સે દર મહિને ગુગલને સબ્સ્ક્રિપ્શન ચાર્જ ચૂકવવો પડશે. વાસ્તવમાં, ગુગલે તેની ફ્રી સ્ટોરેજ પોલિસીમાં મોટો ફેરફાર કર્યો છે, જે અંતર્ગત હવે એન્ડ્રોઇડ ફોનનો તમામ બેકઅપ આ 15GB ફ્રી સ્ટોરેજમાં જ ગણવામાં આવશે. આ નવો નિયમ 7 જુલાઈથી સત્તાવાર રીતે લાગુ થઈ ગયો છે.

શું છે ગુગલની નવી સ્ટોરેજ પોલિસી?
ગુગલે તેના સત્તાવાર બ્લોગ દ્વારા માહિતી આપી છે કે જીમેલ યુઝર્સના એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો તમામ ડેટા બેકઅપ હવે પહેલાથી મળતા 15GB ફ્રી સ્ટોરેજ સ્પેસનો જ એક ભાગ રહેશે. અગાઉ, ફોનનો ડેટા બેકઅપ ઉપકરણના આંતરિક સ્ટોરેજમાં અથવા અલગ રીતે મેનેજ થતો હતો, પરંતુ હવે ગુગલે પણ એપલ (Apple) ની જેમ જ ડિવાઇસનો સંપૂર્ણ બેકઅપ ક્લાઉડ પર રાખવાની પોલિસી ફરજિયાત બનાવી છે. આ નવા નિયમ અંતર્ગત હવે તમારા ફોનના ટેક્સ્ટ મેસેજ (SMS), કોલ હિસ્ટ્રી અને વિવિધ એપ્સનો ડેટા પણ આપોઆપ ક્લાઉડ પર અપલોડ થશે.
અત્યાર સુધી ગુગલના ફ્રી 15GB સ્ટોરેજમાં મુખ્યત્વે તમારા ઈમેલ, જીમેલ અટેચમેન્ટ્સ, ગુગલ ડ્રાઈવના ડોક્યુમેન્ટ્સ અને ગુગલ ફોટોઝનો ડેટા સ્ટોર થતો હતો. જો તમે ફોનની મીડિયા ફાઇલો કે ફોટા ગુગલ ફોટોઝમાં સિંક કરવાની મંજૂરી આપી હોય તો જ તે ક્લાઉડમાં જતા હતા. પરંતુ હવે, મેસેજ અને કોલ હિસ્ટ્રી જેવો સિસ્ટમ ડેટા પણ આ જ મર્યાદિત સ્પેસ રોકશે. પરિણામે, 15GB નું ફ્રી સ્ટોરેજ ખૂબ જ ઝડપથી ભરાઈ જશે અને યુઝર્સે ‘Google One’ નું પેઇડ સબ્સ્ક્રિપ્શન લેવાની ફરજ પડશે.
ડેટા સુરક્ષા પાછળ ગુગલની દલીલ
કંપનીએ આ ફેરફાર પાછળ યુઝર્સની સુરક્ષાનો તર્ક આપ્યો છે. ગુગલના જણાવ્યા અનુસાર, 7 જુલાઈ પછીથી ક્લાઉડ બેકઅપ લેવા પર ડિવાઇસનો તમામ ડેટા સુરક્ષિત ઓનલાઈન સ્ટોરેજમાં જશે. આનો ફાયદો એ થશે કે જો ક્યારેક યુઝરનો ફોન બગડી જાય, તૂટી જાય કે ચોરી થઈ જાય, તો પણ તેમનો મહત્વનો ડેટા ક્લાઉડમાં સુરક્ષિત રહેશે. યુઝર્સ જ્યારે પણ નવો એન્ડ્રોઇડ ફોન ખરીદશે, ત્યારે જૂના ફોનનો તમામ ડેટા, કોલ લોગ્સ અને મેસેજ એક ક્લિક પર સરળતાથી રિકવર (Restore) કરી શકશે. જોકે, આ સુવિધા માટે યુઝર્સે પોતાના ખિસ્સા ઢીલા કરવા પડશે તે પણ એટલું જ સાચું છે.

ક્લાઉડ સ્ટોરેજ કેવી રીતે બચાવી શકાય? (ટિપ્સ)
જો તમે દર મહિને ગુગલને સબ્સ્ક્રિપ્શન ચાર્જ ચૂકવવા ન માંગતા હોવ, તો ફોનની સેટિંગ્સમાં થોડા ફેરફાર કરીને તમે ક્લાઉડ સ્ટોરેજ બચાવી શકો છો:
એપ બેકઅપ મેનેજમેન્ટ: તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનની સેટિંગ્સમાં જઈને ક્લાઉડ સ્ટોરેજ અથવા બેકઅપ ઓપ્શન પર જાઓ. ત્યાં તમને દરેક એપ માટે ઓન/ઓફ ટૉગલ (Toggle Button) જોવા મળશે. જે એપ્સનો ડેટા તમારા માટે મહત્વનો ન હોય, તેનો બેકઅપ મેન્યુઅલી બંધ કરી દો.
મીડિયા સિંકિંગ પર નિયંત્રણ: ગુગલ ફોટોઝ એપમાં જઈને ઓટો-બેકઅપ ફીચરને કસ્ટમાઈઝ કરો. વોટ્સએપ ઈમેજીસ કે અન્ય નકામા ડાઉનલોડ ફોલ્ડર્સનો બેકઅપ બંધ રાખો જેથી સ્ટોરેજ ન ભરાય.
