Airtel: હવે એ જ ફાયદા માટે ચૂકવવા પડશે વધુ પૈસા, એરટેલના આ ગુપચુપ નિર્ણયથી શું Jio-Vi પણ પ્લાન મોંઘા કરશે?
ટેલિકોમ સેક્ટરમાંથી એરટેલ (Airtel) ના ગ્રાહકો માટે એક મોટો આંચકો આપનારા સમાચાર સામે આવ્યા છે. જો તમે એરટેલનું ૮૪ દિવસની વેલિડિટી વાળું લોકપ્રિય પ્રીપેડ પ્લાન વાપરી રહ્યા છો, તો હવે તમારે તમારા ખિસ્સા વધુ ઢીલા કરવા પડશે. કંપનીએ કોઈપણ સત્તાવાર જાહેરાત કર્યા વિના ગુપચુપ રીતે પોતાના એક મોસ્ટ પોપ્યુલર પ્લાનની કિંમતમાં ૧૦૦ રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકી દીધો છે.

સૌથી મહત્વની વાત એ છે કે પ્લાનના ફાયદા અને બેનિફિટ્સમાં કોઈ જ ફેરફાર કરાયો નથી, માત્ર તેની કિંમત વધારી દેવામાં આવી છે. એરટેલની સત્તાવાર વેબસાઈટ અને એપ્લિકેશન પર આ નવી કિંમતો અપડેટ પણ થઈ ગઈ છે, જેના કારણે કરોડો યૂઝર્સ પર મોંઘવારીનો નવો બોજ પડ્યો છે.
એરટેલનો કયો પ્લાન થયો મોંઘો?
એરટેલ દ્વારા કંપનીના સૌથી વધુ વેચાતા ૮૪ દિવસની વેલિડિટી વાળા પ્રીપેડ પ્લાનની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા આ રિચાર્જ પ્લાન માટે ગ્રાહકોએ ૭૯૯ રૂપિયા ચૂકવવા પડતા હતા, જેની કિંમત હવે વધીને ૮૯૯ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે યૂઝર્સે હવે એ જ ફાયદા મેળવવા માટે સીધા ૧૦૦ રૂપિયા વધુ ખર્ચવા પડશે. સામાન્ય રીતે ટેલિકોમ કંપનીઓ ટેરિફ હાઇક (ભાવ વધારા) ની મોટી જાહેરાતો કરતી હોય છે, પરંતુ આ વખતે એરટેલે કોઈ આગોતરી સૂચના આપ્યા વિના આ ફેરફાર કર્યો છે.
કિંમત વધી પણ વેલિડિટી અને ડેટા પહેલા જેવા જ
આ પ્લાન મોંઘો થયા પછી પણ ગ્રાહકોને સર્વિસ વેલિડિટીમાં કોઈ વધારાનો લાભ મળવાનો નથી. આ રિચાર્જ સાથે ગ્રાહકોને પહેલાની જેમ જ ૮૪ દિવસની વેલિડિટી મળવાનું ચાલુ રહેશે.
આ ઉપરાંત ડેટા અને કોલિંગના બેનિફિટ્સ પણ યથાવત રાખવામાં આવ્યા છે:
ડેઇલી ડેટા: યૂઝર્સને દરરોજ ૧.૫ જીબી (1.5GB) હાઇ-ઇન્ટરનેટ ડેટા મળશે. રોજના ડેટાની લિમિટ પૂરી થયા પછી ઇન્ટરનેટ સ્પીડ ઘટી જશે.
અનલિમિટેડ કોલિંગ: દેશના કોઈપણ નેટવર્ક પર લોકલ અને એસટીડી (STD) અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા મળશે.
એસએમએસ (SMS): ગ્રાહકો દરરોજ ૧૦૦ ફ્રી એસએમએસનો લાભ ઉઠાવી શકશે.

5G યૂઝર્સ માટે મોટો આંચકો
આ ૮૯૯ રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનની સૌથી મોટી ખામી એ છે કે તેમાં કંપની તરફથી ‘અનલિમિટેડ 5G ડેટા’ નો લાભ આપવામાં આવતો નથી. આનો અર્થ એ થયો કે જો તમારી પાસે 5G સ્માર્ટફોન હોય અને તમારા વિસ્તારમાં એરટેલનું હાઇ-સ્પીડ 5G નેટવર્ક ઉપલબ્ધ હોય, તો પણ તમે આ પ્લાનમાં અનલિમિટેડ ઇન્ટરનેટ વાપરી શકશો નહીં. તમારે રોજ મળતા ૧.૫ જીબી ડેટાથી જ સંતોષ માનવો પડશે. જો તમારે અનલિમિટેડ 5G વાપરવું હોય, તો કંપનીના અન્ય મોંઘા પ્લાન તરફ નજર દોડાવવી પડશે.
ગ્રાહકોના ખિસ્સા પર સીધી અસર
આ ભાવ વધારાની સીધી નકારાત્મક અસર સામાન્ય અને મધ્યમ વર્ગના ગ્રાહકોના બજેટ પર પડશે. સામાન્ય રીતે મધ્યમ વર્ગના યૂઝર્સ વારંવાર રિચાર્જની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા માટે ૮૪ દિવસ વાળો પ્લાન વધુ પસંદ કરતા હોય છે. કિંમતમાં સીધો ૧૦૦ રૂપિયાનો વધારો થવા છતાં ડેટા, કોલિંગ, એસએમએસ કે અન્ય કોઈ વધારાના ઓટીટી (OTT) સબ્સ્ક્રિપ્શન જેવા ફાયદા ઉમેરાયા નથી. તેથી યૂઝર્સ સોશિયલ મીડિયા પર આ ગુપચુપ કરાયેલા ભાવ વધારા અંગે નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે.
