Elon Musk: સ્માર્ટફોનનો યુગ ખતમ? હવે એલોન મસ્કની SpaceX લાવી રહી છે આઇફોન કરતાં પણ પાતળું હાઇટેક AI ડિવાઇસ
ટેક જગતના અહેવાલો અનુસાર, સ્પેસએક્સ કંપની એક અદભુત એઆઈ ડિવાઇસ (AI Device) તૈયાર કરી રહી છે, જે એપલના આઇફોન (iPhone) કરતાં પણ ઘણું પાતળું અને આધુનિક હશે. કંપનીએ તાજેતરમાં જ એક હેન્ડસેટ જેવા દેખાતા આ ડિવાઇસનો પ્રોટોટાઇપ (મોડલ) પોતાના રોકાણકારો સમક્ષ રજૂ કર્યો છે. આ સમાચાર સામે આવ્યા બાદ વૈશ્વિક ટેકનોલોજી માર્કેટમાં ભારે હલચલ મચી ગઈ છે અને નિષ્ણાતો તેને સ્માર્ટફોન ઉદ્યોગનું ભવિષ્ય ગણાવી રહ્યા છે.
સ્પેસએક્સના આ એઆઈ ડિવાઇસમાં શું હશે ખાસ?
આ નવું ડિવાઇસ આપણા પરંપરાગત એન્ડ્રોઇડ કે આઇઓએસ ફોન કરતાં બિલકુલ અલગ હશે. તે સંપૂર્ણપણે એક નવા જ ઓપરેટિંગ સિસ્ટમ (OS) પર કામ કરશે, જેમાં ક્વાલકોમ (Qualcomm) ની શક્તિશાળી સ્નેપડ્રેગન ચિપનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત, આ ડિવાઇસમાં એલોન મસ્કની પોતાની કંપની xAI ની અદ્યતન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીને ઇન્ટિગ્રેટ (સાંકળવામાં) કરવામાં આવશે.

જો કે, આ પ્રોજેક્ટ હાલમાં ખૂબ જ પ્રારંભિક તબક્કામાં છે અને કંપની તેને વાસ્તવિક કોમર્શિયલ પ્રોડક્ટ તરીકે માર્કેટમાં ક્યારે લોન્ચ કરશે તેની કોઈ સત્તાવાર તારીખ નક્કી નથી. પરંતુ જો આ પ્રોટોટાઇપ સફળ રહેશે, તો ગ્રાહકોને આ ડિવાઇસમાં સેટેલાઇટ આધારિત ‘સ્ટારલિંક કનેક્ટિવિટી’, એન્ક્રિપ્ટેડ કમ્યુનિકેશન (સંપૂર્ણ સુરક્ષિત વાતચીત) અને એક્સ (ટ્વિટર) ની પ્રીમિયમ સેવાઓ ઇન-બિલ્ટ જોવા મળશે. એલોન મસ્કનું નામ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલું હોવાથી, ગ્રાહકોને આમાં શાનદાર હાર્ડવેર, દમદાર કેમેરો, પાવરફુલ બેટરી અને મેચ્યોર એપ ઇકોસિસ્ટમ મળવાની પૂરેપૂરી આશા છે.
એપલ-ગુગલના એકાધિકાર સામે એલોન મસ્કનો પડકાર
સ્પેસએક્સ દ્વારા ફોન જેવું હાર્ડવેર બનાવવાની ચર્ચા આ વર્ષે પહેલીવાર નથી થઈ. આ અગાઉ પણ અહેવાલો આવ્યા હતા કે કંપની સ્ટારલિંક કનેક્ટેડ ફોન બનાવશે, જેનું બાદમાં મસ્કે ખંડન કર્યું હતું. જો કે, એલોન મસ્ક પોતે ભૂતકાળમાં નવો ફોન બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે.
મોબાઈલ એપ્સના ડિસ્ટ્રિબ્યુશન પર એપલના એપ સ્ટોર (App Store) અને ગુગલના પ્લે સ્ટોર (Play Store) ના એકાધિકાર (Monopoly) થી મસ્ક નારાજ છે. તેમણે અગાઉ ચેતવણી આપી હતી કે જો એપલ કે ગુગલ ભવિષ્યમાં તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ ને પોતાના સ્ટોર પરથી હટાવશે, તો તેઓ વિકલ્પ તરીકે પોતાનો નવો સ્માર્ટફોન માર્કેટમાં લોન્ચ કરી દેશે.
ઓપનએઆઈ (OpenAI) પણ બનાવી રહી છે ‘એપ-લેસ’ ફોન
માત્ર એલોન મસ્ક જ નહીં, પરંતુ ચેટજીપીટી (ChatGPT) બનાવનારી કંપની ઓપનએઆઈ પણ એક તદ્દન નવા પ્રકારના ફોન પર ગુપ્ત રીતે કામ કરી રહી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, એપલ કંપનીના ભૂતપૂર્વ ચીફ ડિઝાઇનર જોની આઇવ (Jony Ive) પણ ઓપનએઆઈના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં સામેલ છે.

આ કોઈ સામાન્ય ફોન નહીં હોય, પરંતુ આ એવો અનોખો ફોન હશે જેમાં કોઈ પરંપરાગત મોબાઈલ એપ્સ (Apps) ડાઉનલોડ કરવાની જરૂર જ નહીં પડે. આ આખો ફોન ‘એઆઈ એજન્ટ્સ’ (AI Agents) દ્વારા ઓપરેટ થશે. આ એઆઈ એજન્ટ્સ એટલા એડવાન્સ હશે કે તે યુઝરના વર્તન, તેની જરૂરિયાતો અને આસપાસના વાતાવરણને રીઅલ-ટાઇમમાં સમજીને આપમેળે તમામ કાર્યો કરી આપશે. આમ, આગામી સમયમાં સ્માર્ટફોન ઉદ્યોગ એપ્સ આધારિત ટેકનોલોજીમાંથી મુક્ત થઈને સંપૂર્ણપણે એઆઈ આધારિત ડિવાઈસ તરફ આગળ વધી રહ્યો છે.
