PM Modi: જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ સામાન્ય જનતાને આંચકો અને રાહત: બદલાયા આ નિયમો
નવો મહિનો એટલે કે જુલાઈ મહિનો સામાન્ય નાગરિકો માટે અનેક મોટા બદલાવો લઈને આવ્યો છે. તમારી રોજિંદી જરૂરિયાતો, મુસાફરી અને આર્થિક વ્યવહારો સાથે જોડાયેલા ઘણા નિયમોમાં 1 જુલાઈ, 2026 થી ફેરફાર થઈ રહ્યા છે. આ ફેરફારોની તમારી ખિસ્સા પર સીધી અસર પડશે. ચાલો જાણીએ કયા ક્ષેત્રમાં શું બદલાઈ રહ્યું છે.

પેટ્રોલ અને ડીઝલની ખરીદીમાં રાહત
પેટ્રોલિયમ મંત્રાલયે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા 1 જુલાઈથી પેટ્રોલ અને ડીઝલની વેચાણ પરની કામચલાઉ પાબંદીઓ હટાવી લીધી છે. જૂન મહિનામાં પશ્ચિમ એશિયાના સંકટને પગલે ઈંધણની અછતને પહોંચી વળવા માટે પ્રતિ ગ્રાહક 200 લીટર ડીઝલની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. હવે સપ્લાયની સ્થિતિ સામાન્ય થતાં આ મર્યાદા દૂર કરવામાં આવી છે. આ ઉપરાંત, LPG, CNG અને એટીએફ (ATF) ના ભાવમાં પણ માસિક સમીક્ષાના આધારે ફેરફાર થઈ શકે છે, જેની સીધી અસર ઘરના બજેટ અને ટ્રાવેલિંગ ખર્ચ પર પડશે.
પાસપોર્ટ બનવવો હવે થયો મોંઘો
વિદેશ મંત્રાલય દ્વારા 1 જુલાઈથી પાસપોર્ટ ફીમાં લગભગ 14 વર્ષ બાદ મોટો વધારો કરવામાં આવ્યો છે. જો તમે નવો પાસપોર્ટ કઢાવવાનું વિચારી રહ્યા હોવ, તો હવે તમારે વધુ ખર્ચ કરવો પડશે:
36 પન્નાનો સામાન્ય પાસપોર્ટ: ફી 1500 થી વધીને 2500 રૂપિયા થઈ છે, અને તત્કાલ ફી 3500 થી વધીને 5000 રૂપિયા થઈ છે.
60 પન્નાનો સામાન્ય પાસપોર્ટ: ફી 2000 થી વધીને 3500 રૂપિયા અને તત્કાલ ફી 4000 થી વધીને 6000 રૂપિયા થઈ ગઈ છે.
રેલવેમાં મુસાફરી અને દંડ
જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો, તો ખાસ સાવચેત રહેજો. હવે ટિકિટ વગર મુસાફરી કરવી મોંઘી પડશે. જન વિશ્વાસ સંશોધન અધિનિયમ 2026 મુજબ, ટિકિટ વગર પકડાતા મુસાફરો પરનો ન્યૂનતમ દંડ 250 રૂપિયાથી વધારીને 500 રૂપિયા કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો હેતુ ટિકિટ વગર મુસાફરી કરતા પ્રવાસીઓ પર કડક નિયંત્રણ લાવવાનો છે.
આધાર અપડેટ: એક સારી ખબર
યુઆઈડીએઆઈ (UIDAI) દ્વારા એક મોટી રાહત આપવામાં આવી છે. હવે આધારમાં ઈમેઈલ આઈડી જોડવું અથવા બદલવું બિલકુલ મફત થઈ ગયું છે. 1 જુલાઈથી 31 ડિસેમ્બર સુધી, નવા આધાર એપ દ્વારા આ સુવિધાનો મફત લાભ લઈ શકાશે. અગાઉ આ કામ માટે 75 રૂપિયા ચૂકવવા પડતા હતા.

વાહનોની ખરીદીમાં ભાવવધારો
કાર ખરીદનારાઓ માટે જુલાઈ મહિનો થોડો મોંઘો સાબિત થઈ શકે છે. ટાટા મોટર્સ અને કિઆ ઇન્ડિયાએ કાચા માલની કિંમતોમાં વધારાને કારણે પોતાની વિવિધ ગાડીઓના ભાવમાં 1.5% થી 2.5% સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. તેથી, જો તમે નવી કાર લેવાનું આયોજન કરી રહ્યા હોવ, તો હવે તમારે થોડી વધારે કિંમત ચૂકવવી પડશે.
ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર
SBI અને HDFC બેંકના કેટલાક ક્રેડિટ કાર્ડ ધારકો માટે નિયમો બદલાયા છે. ખાસ કરીને એરપોર્ટ લાઉન્જ જેવી સુવિધાઓ માટે હવે ચોક્કસ રકમ ખર્ચવાની શરત ફરજિયાત બનાવવામાં આવી છે. કાર્ડધારકોએ પોતાના બેંકિંગ સ્ટેટમેન્ટ અને નવા નિયમોની માહિતી અગાઉથી જાણી લેવી જોઈએ જેથી કાર્ડના ફાયદાઓથી વંચિત ન રહી જવાય.
ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) વિશે સ્પષ્ટતા
ઘણા લોકો ગેરસમજમાં છે કે 1 જુલાઈથી ITR ફાઈલ કરવાના નિયમો બદલાય છે. આ માત્ર એક અફવા છે. ITR ભરવાની અંતિમ તારીખો યથાવત છે. પગારદાર વર્ગ માટે 31 જુલાઈ છેલ્લી તારીખ છે, તેથી અંતિમ દિવસની રાહ જોયા વગર વહેલી તકે રિટર્ન ભરી દેવું જોઈએ જેથી દંડથી બચી શકાય.
