Income Tax: Form 16 નથી મળ્યું? તો ટેક્સ ફાઇલિંગ માટે આ દસ્તાવેજોનો લો સહારો
ફોર્મ 16 એ તમારા એમ્પ્લોયર (નિયોક્તા) દ્વારા જારી કરવામાં આવતું પ્રમાણપત્ર છે, જેમાં તમારી વાર્ષિક આવક અને તમારા પગારમાંથી કપાયેલા TDS (Tax Deducted at Source) ની વિગતો હોય છે. જો કે, આવકવેરા કાયદા મુજબ, ITR ફાઇલ કરવા માટે ફોર્મ 16 હોવું ફરજિયાત નથી. તમે અન્ય જરૂરી પુરાવાઓ એકત્રિત કરીને પણ તમારી આવકની સાચી માહિતી આપી શકો છો.

ફોર્મ 16 ન હોય તો કયા દસ્તાવેજોનો ઉપયોગ કરવો?
જો તમારી પાસે ફોર્મ 16 નથી, તો તમે નીચેના દસ્તાવેજોના આધારે તમારી ટેક્સ ગણતરી કરી શકો છો:
સેલરી સ્લિપ (Salary Slips): તમારી દર મહિને મળતી પગારની પહોંચમાંથી તમને તમારી કુલ આવક, ભથ્થાં (Allowances) અને કપાતની માહિતી મળી રહેશે.
બેંક સ્ટેટમેન્ટ: તમારા ખાતામાં કેટલો પગાર જમા થયો છે અને અન્ય સ્ત્રોતોમાંથી કેટલી આવક થઈ છે, તે તપાસવા માટે બેંક સ્ટેટમેન્ટ સૌથી વિશ્વાસપાત્ર દસ્તાવેજ છે.
Form 26AS અને AIS: આ આવકવેરા વિભાગના પોર્ટલ પર ઉપલબ્ધ હોય છે. ‘એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ’ (AIS) માં તમારી તમામ નાણાકીય લેવડ-દેવડ, TDS અને ટેક્સની વિગતો ઓટોમેટિક અપડેટ થાય છે. આ ફોર્મ ફાઇલ કરવા માટે સૌથી સચોટ માહિતી પૂરી પાડે છે.
ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ્સ: તમે ક્યાં રોકાણ કર્યું છે (જેમ કે PPF, LIC, ELSS, વગેરે) તેના પુરાવાઓ તૈયાર રાખો જેથી કલમ 80C હેઠળ ટેક્સમાં છૂટનો દાવો કરી શકાય.

ફોર્મ 16 કેમ મહત્વનું છે?
ફોર્મ 16 નોકરિયાત વર્ગ માટે એક ‘માસ્ટર ડોક્યુમેન્ટ’ છે. તેમાં વેતન, કરપાત્ર આવક, ટેક્સમાં છૂટ અને નિયોક્તા દ્વારા જમા કરાયેલ TDS નો સ્પષ્ટ હિસાબ હોય છે. જ્યારે તમે ફોર્મ 16 ના આધારે રિટર્ન ભરો છો, ત્યારે ભૂલ થવાની શક્યતા નહિવત્ રહે છે, કારણ કે આ ડેટા પહેલેથી જ ટેક્સ વિભાગ સાથે મેળ ખાય છે.
ફોર્મ 16 વગર રિટર્ન ભરતી વખતે રહેલા જોખમો
ભલે ફોર્મ 16 વગર રિટર્ન ભરવું કાયદેસર છે, પરંતુ તેમાં થોડી સાવચેતી રાખવી અનિવાર્ય છે:
નોટિસનું જોખમ: જો તમે તમારી આવક કે TDS ની વિગતોમાં ભૂલ કરશો, તો આવકવેરા વિભાગ તમને નોટિસ મોકલી શકે છે.
રિફંડમાં વિલંબ: ખોટી માહિતી આપવાથી તમારા ટેક્સ રિફંડની પ્રક્રિયા લાંબી થઈ શકે છે અથવા અટકી શકે છે.
ટ્રુટીનું જોખમ: ફોર્મ 16 વગર ડેટા એન્ટ્રી કરતી વખતે ગાણિતિક ભૂલ થવાની શક્યતા વધી જાય છે.
યોગ્ય અભિગમ શું હોવો જોઈએ?
જો તમારું ફોર્મ 16 આવવામાં વિલંબ થઈ રહ્યો હોય, તો ઉતાવળમાં રિટર્ન ફાઇલ કરવાને બદલે તમારા એમ્પ્લોયર સાથે સંપર્ક કરવો એ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. તમારા એચ.આર. (HR) વિભાગને પૂછો કે ફોર્મ 16 ક્યારે જારી કરવામાં આવશે. જો તમે ફોર્મ 16 ની રાહ જોઈ શકતા હોવ, તો તે મેળવ્યા પછી જ રિટર્ન ફાઇલ કરવું હિતાવહ છે, જેથી તમારી પ્રોસેસ સરળ રહે.
