Donald Trump: ઈરાન પછી હવે ક્યુબા પર ટ્રમ્પની નજર: જાણો શું છે અમેરિકાનો પ્લાન?
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં ઈરાન સાથે શાંતિ સમજૂતીને આખરી ઓપ આપી રહ્યા છે, પરંતુ તેમની નજર હવે આગામી મોટા મિશન પર સ્થિર થઈ ગઈ છે. ગુરુવારે (5 જૂન) એક મહત્વપૂર્ણ નિવેદનમાં, ટ્રમ્પે ક્યુબાને એક ‘નિષ્ફળ દેશ’ (Failed State) ગણાવ્યો હતો. આ સાથે જ તેમણે ક્યુબાના રાષ્ટ્રપતિ મિગ્યુએલ ડિયાઝ-કેનેલ, તેમના પત્ની અને તેમની સાથે જોડાયેલા અન્ય ત્રણ વ્યક્તિઓ પર નવા આર્થિક પ્રતિબંધો લગાવવાની જાહેરાત કરી છે.

‘અમે જલ્દી જ આ પરિસ્થિતિને સંભાળી લઈશું’
જ્યારે પત્રકારોએ ટ્રમ્પને પૂછ્યું કે શું ક્યુબા પતનના આરે છે, ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે ત્યાંની આર્થિક અને રાજકીય વ્યવસ્થા પહેલેથી જ ગંભીર સંકટમાં છે. ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે કહ્યું, “તે લગભગ તૂટી પડ્યું છે અને અમે જલ્દી જ તેને સંભાળી લઈશું.” રાષ્ટ્રપતિએ સંકેત આપ્યો કે ક્યુબાની સામ્યવાદી સરકાર પર દબાણ સતત વધી રહ્યું છે. ઈરાન સાથે જોડાયેલા વર્તમાન મુદ્દાઓ ઉકેલાઈ ગયા પછી, તેમનું વહીવટીતંત્ર ક્યુબા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે.
આર્થિક તંગી અને વેનેઝુએલાનું કારણ
ટ્રમ્પના મતે ક્યુબાની આર્થિક પરેશાનીઓ પાછળનું સૌથી મોટું કારણ વેનેઝુએલામાં આવેલું પરિવર્તન છે. દાયકાઓ સુધી વેનેઝુએલાએ ક્યુબાને આર્થિક અને ઉર્જા સંબંધી મદદ પૂરી પાડી હતી. ટ્રમ્પે સમજાવ્યું કે, “ક્યુબા એક નિષ્ફળ દેશ છે. વેનેઝુએલાએ વર્ષો સુધી તેમને ટેકો આપ્યો કારણ કે તેમની પાસે જમીનની નીચે અઢળક સંપત્તિ હતી.”
રાષ્ટ્રપતિએ ક્યુબાની વર્તમાન સ્થિતિનું વર્ણન કરતા કહ્યું કે, દેશ આજે ભારે ભૂખમરો અને સંસાધનોની અછતનો સામનો કરી રહ્યો છે. તેમની પાસે ન તો પૂરતી ઉર્જા છે, ન તેલ છે, ન પૈસા છે. દેશ પાસે માત્ર સારી જમીન છે, પરંતુ તેને વિકસાવવા માટે જરૂરી સાધનોનો અભાવ છે. ટ્રમ્પના મતે, જે પૈસા અને સંસાધનો વેનેઝુએલા દ્વારા ક્યુબાને મળતા હતા, તે હવે બંધ થઈ ગયા છે, જેની સીધી અસર ક્યુબાની અસ્તિત્વ ટકાવી રાખવાની ક્ષમતા પર પડી રહી છે.

ટ્રમ્પ વહીવટીતંત્રનો વાસ્તવિક ઉદ્દેશ્ય શું છે?
ક્યુબા પર નવા પ્રતિબંધો અને ત્યાંની સરકારને તોડી પાડવાના ઈરાદા અંગેના સવાલો પર ટ્રમ્પે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું, “અમે માત્ર એટલું ઈચ્છીએ છીએ કે ક્યુબા એક એવો દેશ બને જે તેના લોકોનું પેટ ભરી શકે અને ત્યાંની વ્યવસ્થા સુચારુ રીતે ચાલે.”
ટ્રમ્પનું માનવું છે કે ક્યુબા લાંબા સમય સુધી અન્ય દેશોની આર્થિક સહાય પર નિર્ભર રહ્યું છે, પરંતુ હવે વૈશ્વિક રાજકારણ બદલાઈ રહ્યું છે. આ બદલાતા સમીકરણોમાં ક્યુબા માટે પોતાના પગ પર ઊભા રહેવું મુશ્કેલ બની ગયું છે. અમેરિકી રાષ્ટ્રપતિનો આ નિર્ણય આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક મોટા ફેરફાર તરીકે જોવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં ક્યુબાની સામ્યવાદી સરકાર આ દબાણને કેવી રીતે સહન કરે છે, તે જોવું રસપ્રદ રહેશે. અમેરિકાનું આ પગલું માત્ર પ્રતિબંધો પૂરતું સીમિત નહીં રહે, પરંતુ ભવિષ્યમાં ક્યુબાના રાજકીય ભાવિને પણ મોટી અસર કરશે.
