X Blue Tick: હવે ટ્વિટ કરવા માટે ચૂકવવા પડશે પૈસા? વેરિફિકેશન વગરના એકાઉન્ટ્સ પર X એ ચુપચાપ લગાવી લિમિટ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (ભૂતપૂર્વ ટ્વિટર) પર ફ્રી અને નોન-વેરિફાઇડ યુઝર્સ માટે એક મોટો અને આંચકાજનક બદલાવ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી આ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મની સૌથી મોટી ઓળખ અને તાકાત એ જ હતી કે લોકો કોઈપણ ખાસ રોકટોક વિના સતત પોસ્ટ કે ટ્વિટ કરી શકતા હતા. લાઈવ ક્રિકેટ મેચ પર રિએક્શન આપવાનું હોય, મોડી રાત્રે મીમ્સ શેર કરવાના હોય કે પછી કોઈ ટ્રેન્ડિંગ વૈશ્વિક મુદ્દા પર ચર્ચા કરવાની હોય, યુઝર્સ મુક્તપણે પોતાની વાત રજૂ કરતા હતા. પરંતુ હવે પ્લેટફોર્મ પરની આ આઝાદી અને સ્પેસ સીમિત થતી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

વેરિફિકેશન વગરના એકાઉન્ટ્સ પર કડક લિમિટ
તાજેતરમાં પ્લેટફોર્મના ઘણા યુઝર્સે નોંધ્યું છે કે કંપનીએ કોઈ સત્તાવાર જાહેરાત વિના, ખૂબ જ શાંતિથી પોસ્ટિંગ મર્યાદા (Posting Limits) માં મોટો ઘટાડો કરી દીધો છે. ટેક રિપોર્ટ્સ અનુસાર, જે એકાઉન્ટ્સ પર પ્રીમિયમ સબસ્ક્રિપ્શન અથવા ‘બ્લુ ટિક’ નથી, તેઓ હવે એક દિવસમાં માત્ર 50 ઓરિજિનલ પોસ્ટ અને 200 રિપ્લાય (જવાબ) જ કરી શકશે.
જે યુઝર્સ આખો દિવસ એક્ટિવ રહે છે, બ્રેકિંગ ન્યૂઝ ફોલો કરે છે અથવા લાઈવ ઈવેન્ટ્સ દરમિયાન સતત કમેન્ટ્રી કે પોસ્ટિંગ કરે છે, તેમના માટે આ નવી મર્યાદા ખૂબ જ ઓછી છે અને તે થોડા જ કલાકોમાં પૂરી થઈ શકે છે. રસપ્રદ વાત એ છે કે, X ના હેલ્પ સેન્ટરના કેટલાક પેજ પર હજુ પણ જૂની લિમિટ બતાવવામાં આવી રહી છે, જ્યાં યુઝર્સને રોજના 2,400 પોસ્ટ સુધીની પરવાનગી હોવાનો ઉલ્લેખ છે. આ બાબત સાબિત કરે છે કે ઈલોન મસ્કની કંપની આ ફેરફાર કોઈ મોટા હોબાળા વગર, ધીમે-ધીમે વૈશ્વિક સ્તરે લાગુ કરી રહી છે.
લિમિટ પૂરી થતાં જ સ્ક્રીન પર આવશે એરર
પ્રાપ્ત વિગતો અનુસાર, જેમ જ કોઈ સામાન્ય કે નોન-વેરિફાઇડ યુઝર દિવસ દરમિયાન પોતાની નક્કી કરેલી 50 પોસ્ટ કે 200 રિપ્લાયની સીમા વટાવશે, તેમ જ તેની સ્ક્રીન પર એક ‘એરર મેસેજ’ (Error Message) પોપ-અપ થશે. આ મેસેજમાં જણાવવામાં આવશે કે “તમારી આજની પોસ્ટિંગ લિમિટ પૂરી થઈ ગઈ છે.” આનો અર્થ એ થયો કે હવે પ્લેટફોર્મ પર સતત સક્રિય રહેતા ટ્વિટર યુઝર્સે સાવધ રહેવું પડશે અને પોતાની પોસ્ટની ગણતરી રાખવી પડશે.
પ્રીમિયમ સબસ્ક્રિપ્શન (બ્લુ ટિક) ખરીદવા દબાણ?
સોશિયલ મીડિયા એક્સપર્ટ્સ આ ફેરફારને ઈલોન મસ્ક (Elon Musk) ની તે વ્યાપારી વ્યૂહરચનાનો ભાગ માની રહ્યા છે, જે અંતર્ગત તેઓ વેરિફિકેશનને માત્ર એક સ્ટેટસ સિમ્બોલ મટાડીને એક અનિવાર્ય પેઇડ ફીચર (પૈસા આપીને મળતી સુવિધા) બનાવવા માંગે છે. જો યુઝર્સે કોઈપણ મર્યાદા વિના પહેલાની જેમ જ અનલિમિટેડ પોસ્ટિંગ અને રિપ્લાયની સુવિધા જોઈતી હોય, તો તેમણે ફરજિયાત ‘X Premium’ નું સબસ્ક્રિપ્શન લેવું જ પડશે.

હાલમાં, આ પ્લેટફોર્મનો સૌથી સસ્તો ‘બેઝિક પ્લાન’ (Basic Plan) આશરે $3 પ્રતિ મહિને એટલે કે ભારતીય ચલણ મુજબ અંદાજે ₹250 મહિનાના દરે ઉપલબ્ધ છે. જ્યારે તેના વાર્ષિક પ્લાનની કિંમત આશરે ₹2,700 ની આસપાસ હોવાનું કહેવાય છે.
સ્પામ રોકવાનો દાવો, પરંતુ યુઝર્સ નારાજ
કંપની તરફથી સત્તાવાર રીતે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ નવા નિયમોનો મુખ્ય હેતુ પ્લેટફોર્મ પર વધી રહેલા સ્પામ એકાઉન્ટ્સ, નકલી પ્રોફાઇલ્સ અને ઓટોમેટેડ બોટ્સ (Bots) પર કંટ્રોલ મેળવવાનો છે. કંપની અગાઉ પણ એકાઉન્ટની સુરક્ષા અને પારદર્શિતા વધારવા માટે આવા ઘણા કડક ફીચર્સ લાવી ચૂકી છે.
જો કે, ડિજિટલ દુનિયા અને ઇન્ટરનેટ યુઝર્સ કંપનીની આ દલીલ સાથે સહમત નથી. વિવેચકો અને સામાન્ય યુઝર્સનું માનવું છે કે આ પગલું પ્લેટફોર્મની સુરક્ષા વધારવા કરતાં સામાન્ય લોકોને પેઇડ સબસ્ક્રિપ્શન લેવા માટે મજબૂર કરવા જેવું વધુ લાગે છે. યુઝર્સને ડર છે કે આ મર્યાદાના કારણે X ની જે ‘ઝડપી અને અનફિલ્ટર્ડ’ વાર્તાલાપ વાળી અસલી ઓળખ હતી, જેના કારણે તે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ (ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ) કરતાં અલગ પડતું હતું, તે ઓળખ હવે ધીમે-ધીમે નબળી પડી જશે.
