WhatsApp: મેટાનું નવું ‘Incognito Chat’ લોન્ચ: હવે AI ને બિન્દાસ પૂછો કોઈ પણ સવાલ, કંપની પણ નહીં વાંચી શકે તમારા મેસેજ
શું તમે ક્યારેય AI ને એવા સવાલો પૂછ્યા છે જે તમે કોઈ વ્યક્તિને પૂછતા અચકાતા હોવ? કદાચ કોઈ બીમારીના લક્ષણો હોય, દેવાની સમસ્યા હોય કે ઓફિસની કોઈ મૂંઝવણ. અત્યાર સુધી યુઝર્સને એ ડર રહેતો હતો કે આ બધી માહિતી કંપનીના સર્વર પર સેવ થઈ રહી છે અને તેનો ઉપયોગ મોડલ ટ્રેનિંગ માટે થઈ શકે છે. પરંતુ, હવે WhatsApp એક એવું ફીચર લાવ્યું છે જે આ ચિંતાને કાયમ માટે દૂર કરી દેશે.

Meta AI નું નવું ‘Incognito Chat’ ફીચર
મેટાએ બુધવારે (13 મે) WhatsApp અને Meta AI એપ પર ‘Incognito Chat’ ફીચર લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ફીચરની સૌથી મોટી ખાસિયત એ છે કે તમે Meta AI સાથે જે પણ વાતચીત કરશો, તે મેટા પોતે પણ જોઈ શકશે નહીં. જેમ તમે બ્રાઉઝરમાં પ્રાઈવેટ મોડનો ઉપયોગ કરો છો, તેમ અહીં પણ ચેટ પૂરી થતાની સાથે જ બધું ગાયબ થઈ જશે.
કેવી રીતે કામ કરે છે આ ટેકનોલોજી?
આ ફીચર WhatsApp ની અદ્યતન ‘Private Processing’ ટેકનોલોજી પર આધારિત છે.
સુરક્ષિત વાતાવરણ: જ્યારે તમે ઈનકોગ્નિટો ચેટ શરૂ કરો છો, ત્યારે તમારી પૂછપરછ એક એવા ક્લાઉડ એન્વાયરમેન્ટમાં પ્રોસેસ થાય છે જે સંપૂર્ણપણે આઈસોલેટેડ (અલગ) હોય છે.
ઓટો-ડિલીટ: જેવી તમે એપ બંધ કરશો અથવા ફોન લોક કરશો, તેવો જ તમારો સેશન પૂરો થઈ જશે. આ દરમિયાન થયેલી તમામ વાતચીત આપમેળે ડિલીટ થઈ જશે.
ડેટા ટ્રેનિંગમાં ઉપયોગ નહીં: સામાન્ય રીતે AI સાથેની વાતચીતનો ઉપયોગ તેને સુધારવા માટે થાય છે, પરંતુ ઈનકોગ્નિટો ચેટનો ડેટા મેટા ક્યારેય પણ પોતાના મોડલને ટ્રેન કરવા માટે વાપરશે નહીં.
શા માટે આ ફીચર જરૂરી હતું?
WhatsApp ના વડા વિલ કેથકાર્ટના જણાવ્યા અનુસાર, લોકો હવે AI નો ઉપયોગ માત્ર મનોરંજન માટે નહીં પણ જીવનના ગંભીર અને ખાનગી નિર્ણયો માટે પણ કરવા લાગ્યા છે. આવી સ્થિતિમાં યુઝરની પ્રાઈવસી જાળવવી એ કંપનીની પ્રાથમિકતા છે. લોકો પોતાની અંગત વિગતો લીક થવાના ડર વગર AI ની મદદ લઈ શકે તે હેતુથી આ સુવિધા તૈયાર કરવામાં આવી છે.

મર્યાદાઓ અને સુરક્ષા ફિલ્ટર્સ
હાલમાં આ ફીચર માત્ર ટેક્સ્ટ (Text) ફોર્મેટમાં જ ઉપલબ્ધ હશે. એટલે કે, તમે આ મોડમાં કોઈ ફોટો, વીડિયો કે ડોક્યુમેન્ટ શેર કરી શકશો નહીં. આ ઉપરાંત, મેટાએ તેમાં કડક સેફ્ટી ફિલ્ટર્સ પણ લગાવ્યા છે, જે ગેરકાયદેસર કે જોખમી સવાલોના જવાબ આપવાનો ઈનકાર કરી દેશે.
આગામી ફીચર: ‘Side Chat’
ઈનકોગ્નિટો ચેટ સિવાય, મેટા આગામી થોડા મહિનામાં ‘Side Chat’ ફીચર પણ લાવવા જઈ રહ્યું છે. આ ફીચર દ્વારા તમે કોઈ ગ્રુપ ચેટ કે વ્યક્તિગત ચેટની વચ્ચે જ, અન્ય કોઈને ખબર ન પડે તે રીતે Meta AI ની મદદ લઈ શકશો. આ અપડેટ હાલમાં રોલઆઉટ થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં જ તમામ યુઝર્સના ફોન પર જોવા મળશે.
