Mamata Banerjee: દીદીની અનોખી જીવનશૈલી: સાત વાર સાંસદ અને ૧૦ વર્ષ મુખ્યમંત્રી રહ્યા છતાં પગારને નથી અડ્યા!
પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક મોટા યુગનો અંત આવ્યો છે. વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના પરિણામો બાદ મમતા બેનર્જીએ સત્તા છોડવી પડી છે અને હવે રાજ્યમાં નવી સરકારની રચનાની પ્રક્રિયા તેજ બની છે. ૯ મે, શનિવારના રોજ બંગાળના નવા મુખ્યમંત્રીના નામ પર સત્તાવાર મહોર લાગવાની શક્યતા છે.
પશ્ચિમ બંગાળમાં એક દાયકાથી વધુ સમય સુધી મુખ્યમંત્રી પદ પર રહેલા મમતા બેનર્જી હંમેશા પોતાની સાદગી માટે જાણીતા રહ્યા છે. તેમના વિશે સૌથી વધુ ચર્ચિત બાબત એ રહી છે કે તેમણે મુખ્યમંત્રી તરીકે ક્યારેય સરકારી પગાર લીધો નથી. એટલું જ નહીં, તેમણે ભૂતપૂર્વ સાંસદ તરીકે મળતા પેન્શનને પણ ક્યારેય સ્વીકાર્યું નથી.

કમાણીના અનોખા સ્ત્રોત
એક ઇન્ટરવ્યુમાં મમતા બેનર્જીએ પોતે ખુલાસો કર્યો હતો કે તેમની કમાણીનો મુખ્ય સ્ત્રોત રાજકારણ નહીં પણ તેમની કળા અને સાહિત્ય છે.
પુસ્તક લેખન: મમતા બેનર્જી એક લોકપ્રિય લેખિકા છે અને તેમણે અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ પુસ્તકો લખ્યા છે. આ પુસ્તકોની રોયલ્ટીમાંથી તેમને વાર્ષિક આશરે ₹૧૦ થી ₹૧૧ લાખની આવક થાય છે.
પેઇન્ટિંગ: તેઓ એક કુશળ ચિત્રકાર પણ છે. જોકે તેઓ તેમના ચિત્રોના વેચાણમાંથી થતી કમાણીનો મોટો હિસ્સો દાન કરી દે છે, પરંતુ કેટલીક રકમ તેઓ પોતાની અંગત જરૂરિયાતો માટે રાખે છે.
ગીત લેખન: બહુ ઓછા લોકો જાણે છે કે તેઓ ગીતો પણ લખે છે. વિવિધ પ્રોડક્શન હાઉસ માટે ગીતો લખવા બદલ તેમને વાર્ષિક આશરે ₹૩ લાખ સુધીની આવક થાય છે. તેમણે એકવાર કહ્યું હતું કે, “હું એકલી છું, મારે બહુ મોટા ખર્ચાઓ નથી, એટલે આ કમાણીથી મારું ગુજરાન આરામથી ચાલી જાય છે.”
ભવિષ્યમાં કેટલું પેન્શન મળી શકે?
મુખ્યમંત્રી પદ પરથી હટ્યા બાદ જો મમતા બેનર્જી પેન્શન લેવાનો નિર્ણય કરે, તો તેઓ ઘણી સુવિધાઓના હકદાર બનશે.
સાંસદ તરીકેનું પેન્શન: તેઓ ૭ વખત સાંસદ રહી ચૂક્યા છે. નિયમ મુજબ, ૫ વર્ષના કાર્યકાળ બાદ ₹૩૧,૦૦૦ બેઝિક પેન્શન મળે છે અને વધારાના દર વર્ષ માટે ₹૨,૫૦૦ ઉમેરાય છે. તેમના ૨૫-૩૦ વર્ષના સંસદીય કાર્યકાળ મુજબ તેમનું માસિક પેન્શન ₹૮૦,૦૦૦ થી ₹૧ લાખની વચ્ચે હોઈ શકે છે.
ધારાસભ્ય અને મુખ્યમંત્રી તરીકેના લાભ: પશ્ચિમ બંગાળના નિયમો મુજબ, ભૂતપૂર્વ ધારાસભ્યોને આશરે ₹૧.૨૧ લાખ માસિક પેન્શન મળવાપાત્ર છે. જોકે, સામાન્ય રીતે વ્યક્તિએ સાંસદ અથવા ધારાસભ્ય પૈકી કોઈ એક પેન્શનની પસંદગી કરવાની હોય છે.
જીવનપર્યંત સુવિધાઓ: પૂર્વ મુખ્યમંત્રી તરીકે તેમને સરકારી આવાસ, Z+ સુરક્ષા, મેડિકલ સુવિધાઓ અને સ્ટાફની સુવિધા આજીવન મળતી રહેશે.
