Impact Of Internet Shutdown: શું આપણે પાષાણ યુગ તરફ જઈ રહ્યા છીએ? ઇન્ટરનેટ વગરના ભવિષ્યની ડરામણી વાસ્તવિકતા
જરા કલ્પના કરો કે એક સવારે તમે જાગો અને તમારા સ્માર્ટફોનની સ્ક્રીન સાવ શાંત હોય. ન વોટ્સએપના મેસેજ, ન ઈમેલની ઘંટડી કે ન ઓનલાઈન બેંકિંગનું એક્સેસ. આ કોઈ ડરામણું સપનું નથી, પરંતુ એક એવી વાસ્તવિકતા છે જે આધુનિક વિશ્વને મિનિટોમાં પાષાણ યુગ તરફ ધકેલી શકે છે. આજે ઈન્ટરનેટ માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ તે વૈશ્વિક અર્થતંત્રના ધબકારા અને કરોડો લોકોના રોજગારનો મુખ્ય આધારસ્તંભ બની ચૂક્યું છે.

આર્થિક તબાહી અને રોજગારનું સંકટ
જો આવતીકાલે સમગ્ર વિશ્વમાં ઈન્ટરનેટ કનેક્શન તૂટી જાય, તો તે માત્ર ટેકનિકલ ખામી નહીં હોય, પણ એક એવી આર્થિક તબાહી હશે જેમાં કરોડો પરિવારો સામે રોજીરોટીનું સંકટ ઊભું થશે. ઇન્ટરનેટ બંધ થવાનો સૌથી પહેલો અને ઘાતક પ્રહાર ‘ગિગ વર્કર્સ’ (Gig Workers) પર થશે.
આંકડાઓ મુજબ, વિશ્વભરમાં આશરે 40 થી 43.5 કરોડ (400-435 મિલિયન) ગિગ વર્કર્સ સક્રિય છે. જેમાં ફ્રીલાન્સર્સ, ગ્રાફિક ડિઝાઇનર્સ, ડિલિવરી પાર્ટનર્સ અને રાઇડ-શેરિંગ ડ્રાઇવર્સનો સમાવેશ થાય છે. આ લોકોની સંપૂર્ણ કમાણી એપ્સ અને વેબ પોર્ટલ્સ પર ટકેલી છે. ઇન્ટરનેટ બંધ થતા જ આ કરોડો લોકોનો રોજગાર એક પલમાં શૂન્ય થઈ જશે.
ડિજિટલ વર્કફોર્સનું ભવિષ્ય જોખમમાં
વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) ના તાજા અહેવાલ મુજબ, હાલમાં ડિજિટલ નોકરીઓની સંખ્યા અંદાજે 7.3 કરોડ (73 મિલિયન) છે. આ એવો વર્કફોર્સ છે જે સોફ્ટવેર ડેવલપમેન્ટ, કન્ટેન્ટ ક્રિએશન અને રિમોટ વર્કિંગ જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે. અનુમાન છે કે 2030 સુધીમાં આ સંખ્યા વધીને 9.2 કરોડ થઈ જશે. ઇન્ટરનેટ વિના આ નોકરીઓનું અસ્તિત્વ જ ભૂંસાઈ જશે. જેનો અર્થ છે કે લાખો ઉચ્ચ કૌશલ્ય ધરાવતા વ્યાવસાયિકો અચાનક બેરોજગાર થઈ જશે.

વિકસિત દેશોની પાયમાલી: અમેરિકાનું ઉદાહરણ
ઇન્ટરનેટ પર નિર્ભરતા માત્ર ભારત જેવા વિકાસશીલ દેશો પૂરતી મર્યાદિત નથી, પરંતુ અમેરિકા જેવા વિકસિત દેશો તો સંપૂર્ણપણે તેના પર જ નિર્ભર છે. અમેરિકામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ઇન્ટરનેટ સાથે જોડાયેલી નોકરીઓની સંખ્યા આશરે 2.84 કરોડ છે. ત્યાંની કુલ અર્થવ્યવસ્થાનો 18 ટકા હિસ્સો ડિજિટલ પ્રવૃત્તિઓથી ચાલે છે. જો ઇન્ટરનેટ બંધ થાય, તો સુપરપાવર દેશોની જીડીપીમાં એવો ઘટાડો આવશે કે જેમાંથી બહાર આવતા દાયકાઓ લાગી શકે છે.
દરેક ક્ષેત્રમાં ડિજિટલ અનિવાર્યતા
આજના યુગમાં લગભગ 92 ટકા નોકરીઓમાં કોઈને કોઈ પ્રકારની ડિજિટલ સ્કીલ્સની જરૂર પડે છે. પછી તે બેંકિંગ હોય, રિટેલ સેક્ટર, શિક્ષણ હોય કે સ્વાસ્થ્ય સેવાઓ—દરેક જગ્યાએ ડેટા અને કનેક્ટિવિટીની જાળ બિછાયેલી છે. હાલના ડેટા પરથી સ્પષ્ટ થાય છે કે ઇન્ટરનેટના જ્ઞાન વગર હવે નોકરી મેળવવી લગભગ અશક્ય બની ગઈ છે.
