Tech Tips: ટીવી રિમોટની સફાઈ: બેક્ટેરિયાથી બચવા અને ગેજેટની આવરદા વધારવા માટે આટલું ખાસ કરો
ઘરમાં રહેલી વસ્તુઓમાંથી ટીવીનું રિમોટ સૌથી વધુ વપરાતી વસ્તુ છે. દિવસભર તે ઘરના દરેક સભ્યોના હાથમાં ફરે છે. ખાસ કરીને સ્માર્ટ ટીવી અને નેટફ્લિક્સ જેવા પ્લેટફોર્મના જમાનામાં રિમોટનો ઉપયોગ ઘણો વધી ગયો છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ નાનકડું રિમોટ બેક્ટેરિયા અને ગંદકીનું ઘર બની શકે છે?

આપણા ઘરમાં રિમોટ એક એવી વસ્તુ છે જેના પર તેલ, પરસેવો, ધૂળ અને ખોરાકના અંશો સરળતાથી જમા થઈ જાય છે. જો તેની નિયમિત સફાઈ કરવામાં ન આવે તો તે માત્ર ગંદુ જ નથી દેખાતું, પણ તેની સ્વીચો પણ જામ થઈ શકે છે.
રિમોટને ક્યારે સાફ કરવું જોઈએ?
ભારતીય ઘરોમાં રિમોટને લાંબો સમય નવું રાખવા માટે તેના પર પ્લાસ્ટિકનું કવર કે પોલિથીન ચડાવવાનો રિવાજ છે. જો તમારા રિમોટ પર કવર છે, તો તે અંદરથી સુરક્ષિત રહે છે. પરંતુ જો તમે તેને ખુલ્લું વાપરો છો, તો નીચે મુજબની તકેદારી રાખવી જોઈએ:
સામાન્ય સફાઈ: નિષ્ણાતોના મતે, સામાન્ય સંજોગોમાં અઠવાડિયામાં એકવાર રિમોટને સાફ કરવું હિતાવહ છે. જો અઠવાડિયે શક્ય ન હોય તો મહિનામાં એકવાર ઊંડી સફાઈ (Deep Cleaning) ચોક્કસ કરવી જોઈએ.
બીમારીના સમયે: જો ઘરમાં કોઈ સભ્ય બીમાર હોય અને તે રિમોટનો ઉપયોગ કરી રહ્યો હોય, તો ચેપ ફેલાતો અટકાવવા માટે દરરોજ રિમોટને સેનિટાઈઝ કરવું જોઈએ.
રિમોટ સાફ કરવાની સાચી રીત: સ્ટેપ-બાય-સ્ટેપ ગાઈડ
ઘણા લોકો રિમોટ સાફ કરવામાં ભૂલ કરે છે જેનાથી તેનું સર્કિટ બગડી શકે છે. નીચે મુજબની રીત અપનાવો:
બેટરી કાઢી નાખો: સફાઈ શરૂ કરતા પહેલા હંમેશા રિમોટની બેટરી કાઢી લેવી જોઈએ. આનાથી શોર્ટ સર્કિટ કે અન્ય ટેકનિકલ ખામી સર્જાવાનું જોખમ રહેતું નથી.
ધૂળ ખંખેરો: રિમોટને ઊંધું કરીને હળવેથી થપથપાવો. આનાથી બટનોની વચ્ચે ફસાયેલી ધૂળ અને ઝીણો કચરો નીચે પડી જશે. જો ગંદકી વધુ હોય તો ટૂથપિક અથવા જૂના સોફ્ટ ટૂથબ્રશનો ઉપયોગ કરીને બટનોની કિનારીઓ સાફ કરી શકાય છે.
લિક્વિડ ક્લીનરનો સાવચેતીપૂર્વક ઉપયોગ: ક્યારેય પણ ક્લીનર કે સેનિટાઈઝરને સીધું રિમોટ પર સ્પ્રે ન કરો. લિક્વિડ અંદર જવાથી રિમોટ કાયમ માટે બગડી શકે છે.
ક્લીનરને પહેલા એક નરમ અને સુતરાઉ કાપડ પર સ્પ્રે કરો.
ત્યારબાદ તે ભીના કાપડથી આખું રિમોટ અને બટનો સાફ કરો.
સુકવવાની પ્રક્રિયા: સફાઈ કર્યા પછી તરત જ બેટરી ન નાખો. રિમોટને કોરા કપડાથી લૂછી લો અને તેને થોડી મિનિટો સુધી હવામાં રહેવા દો. જ્યારે તે સંપૂર્ણપણે સુકાઈ જાય ત્યારે જ બેટરી લગાવો.

રિમોટને ગંદકીથી બચાવવા માટેની ટિપ્સ
જમતી વખતે રિમોટનો ઉપયોગ કરવાનું ટાળો, જેથી તેલના ડાઘ ન પડે.
જો શક્ય હોય તો સિલિકોન કવરનો ઉપયોગ કરો જે બજારમાં સરળતાથી મળી રહે છે.
બાળકોના હાથમાં રિમોટ આપ્યા પછી તેને એકવાર સાફ કરી લો.
તમારા ગેજેટ્સની સફાઈ માત્ર તેમની ચમક જાળવી નથી રાખતી, પરંતુ તમારી અને તમારા પરિવારની સ્વાસ્થ્ય સુરક્ષામાં પણ વધારો કરે છે.
