Healthy Sleep Habits: અધૂરી ઊંઘ એટલે રોગોને આમંત્રણ: ઈમ્યુનિટી વધારવા માટે બદલો તમારી ઊંઘવાની આ આદત.
આજની ભાગદોડભરી જિંદગીમાં વહેલા ઉઠવું એ સફળતાનું માપદંડ બની ગયું છે. બીજી તરફ, કામનું દબાણ અથવા સ્ક્રીન એડિક્શનને કારણે મોડી રાત સુધી જાગવું એ પણ એક સામાન્ય બાબત બની ગઈ છે. આ સ્થિતિમાં પ્રશ્ન એ થાય છે કે શું વહેલા ઉઠવું જ સ્વાસ્થ્ય માટે જરૂરી છે? વિજ્ઞાન કહે છે કે આનો જવાબ માત્ર સમય સાથે નહીં, પણ શરીરની લય (Rhythm) અને નિયમિતતા સાથે જોડાયેલો છે.

સર્કેડિયન રિધમ: શરીરની આંતરિક ઘડિયાળ
આપણા મગજમાં એક કુદરતી બોડી ક્લોક હોય છે, જેને ‘સર્કેડિયન રિધમ’ કહેવામાં આવે છે. આ સિસ્ટમ પ્રકાશ અને અંધકારના આધારે કામ કરે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (NIH) મુજબ, આ રિધમ જ મેલાટોનિન (ઊંઘ લાવનાર હોર્મોન) અને કોર્ટિસોલ (જગાડનાર હોર્મોન) ને નિયંત્રિત કરે છે. જ્યારે આપણે આ કુદરતી ચક્ર સાથે સુમેળ સાધીને ઊંઘીએ છીએ, ત્યારે જ શરીરની આંતરિક મરમ્મત (Repair system) યોગ્ય રીતે કાર્ય કરે છે. જો આ તાલમેલ બગડે, તો 8 કલાકની ઊંઘ પછી પણ શરીરમાં થાક અનુભવાય છે.
મોડા ઊંઘવાની અને વહેલા ઉઠવાની આડઅસરો
ઘણા લોકો મોડી રાત સુધી જાગે છે અને કામને કારણે સવારે વહેલા ઉઠી જાય છે. આ આદત શરીરની REM (Rapid Eye Movement) સ્લીપ માં ઘટાડો કરે છે. નિષ્ણાંતો જણાવે છે કે:
મસલ્સ રિકવરી: ઊંઘના છેલ્લા તબક્કામાં જ સ્નાયુઓ રિકવર થાય છે અને શરીરમાં ઓક્સિજનનું સ્તર સુધરે છે.
ફેફસાની સમસ્યા: અધૂરી ઊંઘને કારણે અસ્થમા કે શ્વાસની તકલીફ ધરાવતા દર્દીઓની મુશ્કેલી વધી શકે છે.
માનસિક સ્વાસ્થ્ય: અપૂરતી ઊંઘ એકાગ્રતા ઘટાડે છે અને ચિડિયાપણું વધારે છે.
વહેલા ઉઠવું કે નિયમિતતા? શું છે વધુ જરૂરી?
સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) ના મતે, પુખ્ત વયના લોકો માટે 7 થી 9 કલાકની ઊંઘ અનિવાર્ય છે. વહેલા ઉઠવાનો ફાયદો એ છે કે સવારનો કુદરતી પ્રકાશ શરીરની ઘડિયાળને ‘રીસેટ’ કરે છે, જેનાથી આખો દિવસ ઉર્જા જળવાઈ રહે છે. પરંતુ, જો તમે વહેલા ઉઠો છો પણ તમારી 7 કલાકની ઊંઘ પૂરી નથી થતી, તો તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. અસલી રહસ્ય ‘વહેલા’ ઉઠવામાં નહીં, પણ ‘નિયમિત’ ઊંઘવામાં છે.

અપૂરતી ઊંઘથી થતા ગંભીર જોખમો
નેશનલ હેલ્થ સર્વિસ (NHS) ના અભ્યાસો દર્શાવે છે કે અનિયમિત ઊંઘ માત્ર થાક નથી લાવતી, પણ તે નીચે મુજબની સમસ્યાઓ પણ નોતરે છે:
રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો: શરીરની રોગો સામે લડવાની શક્તિ નબળી પડે છે.
શરીરમાં સોજો (Inflammation): ઊંઘના અભાવે શરીરમાં આંતરિક સોજો વધી શકે છે, જે હૃદયરોગનું કારણ બની શકે છે.
મેટાબોલિઝમ પર અસર: તેનાથી વજન વધવાની અને ડાયાબિટીસની શક્યતા વધી જાય છે.
