China 6G Trial: હવે વીડિયો કોલ નહીં, ‘હોલોગ્રામ’ થી થશે વાતચીત! જાણો ક્યારે આવશે 6G અને શું હશે તેની ખાસિયત
ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં 5G નેટવર્ક આવતા જ વીડિયો બફરિંગ અને સ્લો ઇન્ટરનેટ જેવી સમસ્યાઓ ભૂતકાળ બની ગઈ છે. પરંતુ વિજ્ઞાન ક્યારેય અટકતું નથી. ચીને હવે 6G ટેકનોલોજીના ‘પ્રી-ટ્રાયલ્સ’ શરૂ કરી દીધા છે, જેમાં ઇન્ટરનેટ સ્પીડના તમામ જૂના રેકોર્ડ તૂટી ગયા છે.

સ્પીડ અને ટેકનોલોજીનો અદ્ભુત સંગમ
રિપોર્ટ્સ અનુસાર, ચીનના જિયાંગ્સુ પ્રાંતના નાનજિંગ શહેરમાં 6G ટેકનોલોજીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ટ્રાયલમાં જોવા મળ્યું કે 6G ની સ્પીડ હાલના 5G કરતા ૧૦ ગણી વધારે છે. માત્ર સ્પીડ જ નહીં, પરંતુ આ ટેકનોલોજીમાં ‘એક્સ્ટ્રીમ હાઈ બેન્ડવિડ્થ’, અત્યંત ઓછી લેટન્સી (Latency) અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નું ઇન્ટિગ્રેશન જોવા મળ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે જ્યારે આ ટેકનોલોજી વ્યવસાયિક રીતે લોન્ચ થશે, ત્યારે તેની સ્પીડ ટ્રાયલ કરતા પણ અનેકગણી વધારે હોઈ શકે છે.
હolographic કમ્યુનિકેશન: વાતચીત કરવાની રીત બદલાઈ જશે
6G ટેકનોલોજી માત્ર સ્પીડ પૂરતી મર્યાદિત નથી, તે વાતચીત કરવાની શૈલીને જ બદલી નાખશે. ટ્રાયલ્સ દરમિયાન એન્જિનિયરોએ ‘હોલોગ્રાફિક કમ્યુનિકેશન’ (Holographic Communication) પર ખાસ ભાર મૂક્યો છે.
શું છે હોલોગ્રાફિક કમ્યુનિકેશન? અત્યારે આપણે વીડિયો કોલ પર વ્યક્તિને સ્ક્રીન પર જોઈએ છીએ, પરંતુ 6G ની મદદથી તમે જેની સાથે વાત કરી રહ્યા છો તેનું ‘ડિજિટલ વર્ઝન’ (હોલોગ્રામ) તમારી સામે હવામાં ત્રિ-પરિમાણીય (3D) સ્વરૂપે જોઈ શકાશે. જાણે તે વ્યક્તિ તમારી સામે જ બેઠી હોય તેવો અહેસાસ થશે.
અન્ય ઉપયોગો: આ ઉપરાંત ઇન્ડસ્ટ્રિયલ મેન્યુફેક્ચરિંગ, રોબોટિક સર્જરી અને લો-એલ્ટિટ્યુડ ઇન્સ્પેક્શનમાં પણ 6G ક્રાંતિ લાવશે.

ક્યારે લોન્ચ થશે 6G?
6G ટેકનોલોજી અત્યારે તેના પ્રારંભિક તબક્કામાં છે. વિશ્વની મોટી ટેક કંપનીઓ અને ક્વોલકોમ (Qualcomm) ના CEO ના જણાવ્યા મુજબ, જો બધું આયોજન મુજબ ચાલશે તો ૨૦૨૮ સુધીમાં વિશ્વના કેટલાક પસંદગીના દેશોમાં 6G સેવાઓ શરૂ થઈ શકે છે.
ભારતમાં 6G ની સ્થિતિ
ભારત પણ આ રેસમાં પાછળ નથી. ભારત સરકાર અત્યારથી જ 6G ના વિઝન ડોક્યુમેન્ટ પર કામ કરી રહી છે. અહેવાલો મુજબ, ભારતમાં ૨૦૨૮ થી ૨૦૩૦ વચ્ચે 6G નું ટેસ્ટિંગ શરૂ થવાની આશા છે. જોકે, ભારતીય યુઝર્સે આ અલ્ટ્રા-ફાસ્ટ ઇન્ટરનેટ માટે થોડી લાંબી રાહ જોવી પડી શકે છે.
