Cyber Fraud: નવો સાયબર ખતરો: OTP વગર બેંક એકાઉન્ટ ખાલી! AI અને આધારના આ મોટા સ્કેમથી કેવી રીતે બચશો?
સાયબર ગુનેગારો હવે એટલા હિંસક અને ચતુર બન્યા છે કે તેઓ કોઈપણ કોલ કે OTP વગર પણ તમારા બેંક એકાઉન્ટને સાફ કરી રહ્યા છે. તાજેતરમાં સામે આવેલી આ નવી પદ્ધતિએ સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે. આ ખતરાને ધ્યાનમાં રાખીને સરકારે નાગરિકો માટે મહત્વની એડવાઈઝરી જાહેર કરી છે.

આજકાલ સાયબર ઠગ લોકોની મહેનતની કમાણી લૂંટવા માટે ‘AEPS’ (આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ) નો દુરુપયોગ કરી રહ્યા છે. આ સ્કેમ એટલો ખતરનાક છે કે તેમાં તમને ખબર પણ નથી પડતી કે ક્યારે તમારા ખાતામાંથી પૈસા ઉપડી ગયા.
શું છે આ નવું AEPS અને AI સ્કેમ?
આ છેતરપિંડી મુખ્યત્વે ‘ફેસ ઓથેન્ટિકેશન’ સુવિધા સાથે જોડાયેલી છે. સામાન્ય રીતે આ સુવિધા સુરક્ષા માટે છે, પરંતુ ઠગો હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી લોકોના ચહેરાના નકલી મૉડલ બનાવી રહ્યા છે.
કોઈ કોલ નહીં, કોઈ OTP નહીં: આ પ્રોસેસમાં ઠગને તમારા ફોન પર OTP મોકલવાની જરૂર પડતી નથી.
AI નો ખેલ: સોશિયલ મીડિયા અથવા અન્ય જગ્યાએથી તમારી ફોટો મેળવી, AI ટૂલ્સ દ્વારા તેને જીવંત ચહેરા જેવો આકાર આપવામાં આવે છે.
આધાર દ્વારા ઉપાડ: આ નકલી ઓળખનો ઉપયોગ કરીને AEPS દ્વારા બેંક એકાઉન્ટમાંથી સીધા જ પૈસા ઉપાડી લેવામાં આવે છે.

શા માટે આ સ્કેમ પકડવો મુશ્કેલ છે?
પરંપરાગત ફ્રોડમાં ઠગ તમને લિંક મોકલે છે અથવા OTP માંગે છે, જેથી તમે સાવધ થઈ શકો. પરંતુ અહીં, તમારી જાણ બહાર માત્ર તમારી ડિજિટલ ઓળખનો ઉપયોગ થાય છે. પીડિતને ત્યારે જ ખબર પડે છે જ્યારે તેના ફોન પર પૈસા કપાયાનો મેસેજ આવે છે.
તમારી સુરક્ષા તમારા હાથમાં: આ ૪ પગલાં ભરો
૧. બાયોમેટ્રિક લોક ફીચરનો ઉપયોગ કરો: તમારા આધાર ડેટાને સુરક્ષિત રાખવાનો શ્રેષ્ઠ રસ્તો ‘Aadhaar Biometric Lock’ છે. ‘m-Aadhaar’ એપ અથવા UIDAI ની વેબસાઇટ પર જઈને તમારા બાયોમેટ્રિક્સ (ફિંગરપ્રિન્ટ અને ફેસ ડેટા) ને લોક કરી દો. જ્યારે તમારે જરૂર હોય ત્યારે જ તેને અનલોક કરો અને કામ પત્યા પછી તરત જ ફરી લોક કરી દો.
૨. બિનજરૂરી સુવિધાઓ બંધ કરાવો: જો તમે આધાર દ્વારા પેમેન્ટ કરવાની સુવિધાનો ઉપયોગ નથી કરતા, તો તમારી બેંકનો સંપર્ક કરીને AEPS ટ્રાન્ઝેક્શનની સુવિધા બંધ કરાવી દેવી હિતાવહ છે. આ તમારા ખાતા પર સુરક્ષાનું વધારાનું સ્તર ઉમેરશે.
૩. સોશિયલ મીડિયા પર સાવધાની: તમારા હાઈ-રિઝોલ્યુશન ફોટા સોશિયલ મીડિયા પર પબ્લિક પ્રોફાઈલમાં રાખવાનું ટાળો, કારણ કે ઠગ તેનો ઉપયોગ AI મૉડલ બનાવવા માટે કરી શકે છે.
૪. ત્વરિત ફરિયાદ: જો તમારી સાથે છેતરપિંડી થાય, તો એક મિનિટ પણ બગાડ્યા વગર સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર કોલ કરો અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો. સાથે જ તમારી બેંકને પણ જાણ કરો જેથી બાકીના નાણાં સુરક્ષિત કરી શકાય.
